TOP NEWS: સાઉદી અરેબીયામાં બે ઑઇલ-યુનિટ પર ડ્રોનથી હુમલો કરાયો

સાઉદી અરેબીયામાં સરકારી કંપની અરામકોનાં બે યુનિટ પર ડ્રોનની હુમલો કરાયો હોવાનું સરકારી મીડિયાએ જણાવ્યું છે.
અહેવાલોનાં ફૂટેજમાં અરામકોના સૌથી મોટા ઑઇલ પ્રોસેસિંગ પ્લાન્ટમાંથી ઊઠતો ધુમાડો જોઈ શકાય છે.
યમનમાં સાઉદી વિરુદ્ધ લડી રહેલા હૌથી વિદ્રોહીઓએ આ હુમલો કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ વિદ્રોહીઓને ઈરાનનું સમર્થન પ્રાપ્ત છે.
જોકે, સાઉદીતંત્ર દ્વારા આ હુમલા માટે હજુ સુધી કોઈ પર દોષ ચડાવાયો નથી.
નોંધનીય છે વર્ષ 2015માં હૌથી વિદ્રોહીઓએ યમનના રાષ્ટ્રપતિ અબ્દરાબુહ મન્સૌર હાદીને રાજધાની સના છોડવા મજબૂર કર્યા બાદ દેશમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું હતું. હૌથી વિદ્રોહીઓને ઈરાન સહકાર આપી રહ્યું છે. જ્યારે રાષ્ટ્રપતિ હાદીને સાઉદી અરેબીયાનું સમર્થન પ્રાપ્ત હતું.

દલિતોને ચૂકવાયેલું વળતર પરત લેવા વિશેષ ન્યાયાધીશનો આદેશ

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2018થી અત્યાર સુધીના ત્રણ અલગઅલગ કેસમાં બનાસકાંઠા જિલ્લાની કોર્ટના ખાસ ન્યાયાધીશે શૅડ્યુલ્ડ કાસ્ટ્સ ઍન્ડ શૅડલ્યુલ્ડ ટ્રાઇબ(પ્રવૅન્શન ઑફ ઍટ્રોસિટીઝ) ઍક્ટ અતર્ગત દલિત ફરિયાદીને ચૂકવાયેલું વળતર પરત લેવા માટે સામાજિક કલ્યાણવિભાગને નિર્દેશ આપ્યો છે.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર ડીસા ખાસ કોર્ટના વિશેષ ન્યાયાધીશ ચિરાગ મુન્શીએ ઍટ્રોસિટીના ત્રણ કેસમાં ખોટા આરોપ લગાવાયા હોવાનો આદેશ આપ્યો હતો. આ ત્રણ કેસમાંથી બે કેસમાં મહિલાઓ દ્વારા સવર્ણ પુરુષો પર સતામણીના આરોપો લગાવાયા હતા.
ફેબ્રુઆરી 8, 2019ના રોજ ઍટ્રોસિટીના એક કેસમાં ખોટી ફરિયાદ કરાઈ હોવાનો આદેશ આપતાં વિશેષ ન્યાયાધીશે આદેશની એક નકલ બનાસકાંઠાના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ અને સમાજિક કલ્યાણવિભાગના ડેપ્યુટી ડિરેક્ટરને મોકલીને આદેશનું પાલન કરવા કહ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ત્રણ કેસ વર્ષ 2014, 2016 અને વર્ષ 20187માં નોંધાયા હતા. જેમાંથી બે કેસોમાં સવર્ણ પુરુષ પર દલિત મહિલાઓએ હુલમો અને હેરાનગતી કરવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે ત્રીજા કેસમાં એક માર્ગઅકસ્માત દરમિયાન જાતીવાદી ટિપ્પણી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
જોકે, સરકાર પાસે એક વખત આપી દીધેલું વળતર પરત મેળવવાની કોઈ જોગવાઈ ન હોઈ, રાજ્યની સરકારે હાઈકોર્ટમાં જવાનું નક્કી કર્યું છે.

પાસા ઑફિસર બનીને જેલમાં કેદીને મળતી વ્યક્તિ પકડાઈ

ઇમેજ સ્રોત, Getty Images
સાબરમતી જેલના વહીવટીતંત્રએ શુક્રવારે રાહુલ ચંદ્રાકરને પકડી પાડ્યા છે, જેઓ પાસા સૅક્શન ઑફિસર બનીને પોતાના બે મિત્રો અને હત્યાના આરોપીઓની મુલાકાત લેવા આવ્યા હતા.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ ચંદ્રાકરે પોતાની ઓળખ પાસા સૅક્શન ઑફિસર તરીકે આપી. એટલું જ નહીં પરંતુ મુલાકાત લેવા માટે જેલતંત્રને પોતે ઉચ્ચ અધિકારી હોવાનું પણ જણાવ્યું.
તેઓ હત્યાના આરોપી સંજય ચૌહાણ અને ભરત મેવાડાને મળવા આવ્યા હતા, પરંતુ તેમની મુલાકાતની મર્યાદા પૂરી થઈ ચૂકી હોવાથી જેલતંત્રએ તેમને મુલાકાતની મંજુરી આપી નહોતી.
જે બાદ જેલની બહાર ઊભા રહીને જ ચંદ્રાકરે સાબરમતી જેલના જેલરના મોબાઇલ ફોન પર અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓનાં નામે કૉલ કર્યા હતા.
આ ઘટનાની તપાસ કરતા અધિકારી ડી. બી. બારડે જણાવ્યું કે ચંદ્રાકર ભીમા-કોરેગાંવની ઘટનાના વિરોધમાં અમદાવાદમાં કરાયેલાં પ્રદર્શનોમાં પણ આરોપી છે.

સીમાપારથી ઘૂસણખોરીની વાતો અફવા - લેફ્ટનન્ટ જનરલ ધિલ્લોં

ઇમેજ સ્રોત, Getty Images
કશ્મીરમાં જનરલ ઑફિસર કમાન્ડિંગ, લેફ્ટનન્ટ જનરલ ધિલ્લોંએ કહ્યું, "ઑગસ્ટ 5 પછી આપણા માટે સમાચાર શું છે? શાંતિ અને કોઈએ જીવ ગુમાવ્યા નથી, કાશ્મીરને એ જ તો જોઈએ છે...ઉગ્રવાદીઓ અને પથ્થર ફેંકનારાઓ દ્વારા જ ફરિયાદો કરવામાં આવી છે. સામાન્ય સ્થિતિ જાળવી રાખવી એ જ અમારો ઉદ્દેશ છે."
ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું, "એલઓસીથી થતી ઘૂસણખોરીના કારણે અંતરિયાળ વિસ્તારમાં ઉગ્રાવાદીઓની સંખ્યા વધી શકે છે. જે સામાન્ય નાગરિકોને તેમજ જાહેર મિલકતોને નુકસાન પહોંચાડી શકે છે."
"અમે એલઓસીની સુરક્ષા બાબતે સચેત છીએ. તેની સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે. અંતરિયાળ વિસ્તારોમાં વહીવટી તંત્ર સાથે પણ અમે સતત સંપર્કમાં છીએ."
જ્યારે ગુલમર્ગની ઘૂસણખોરી અંગે તેમણે કહ્યું, "જ્યારથી બે પાકિસ્તાની ઉગ્રવાદી પકડાયા ત્યારથી આ અફવાઓ ચાલી રહી છે. અત્યાર સુધીમાં ગુલમર્ગ અને તેની આસપાસના અંતરિયાળ વિસ્તારોમાં 350 જેટલાં અભિયાનો હાથ ધરાયાં છે." "પૂંચ, રજોરી અને જમ્મુના વિસ્તારોમાં પીઓકેના લૉન્ચ પૅડ્ઝમાંથી એલઈટી, જૈશ, હિઝબુલ, અલ-બદ્ર જેવાં જૂથ દ્વારા ઘૂસણખોરીના સતત પ્રયત્નો થઈ રહ્યા છે. સીમા પર દરરોજ ફાયરિંગની ઘટનાઓ બને છે."

કશ્મીરમાં બધું ઠીક તો પછી કર્ફ્યુ કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે કાશ્મીરનો મુદ્દો અતિશય સંવેદનશીલ છે, તેનું સમાધાન વાજપેયીની ફૉર્ન્યુલા મુજબ જ થવું જોઈએ.
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે સુક્રવારે કહ્યું કે સરકાર તરફથી કહેવાઈ રહ્યું છે કે કશ્મીરમાં સામાન્ય સ્થિતિ છે, જો બધું સામાન્ય હોય તો ત્યાં કર્ફ્યુની સ્થિતિ ન હોત.
ગોવર્ધન પરિક્રમા કરવા આવેલા દિગ્વિજય સિંહે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું,"નરેન્દ્ર મોદી અને અમિત શાહ દેશમાં ગુજરાત મૉડલ ઑફ ગવર્નન્સ ચલાવી રહ્ય છે. જેમાં વિરોધીઓને પકડો, તેમના પર ખોટા કેસ ચલાવો, ખોટા કેસમાં ફસાવોની નીતિ અપનાવાઈ રહી છે. ગુજરાતમાં તેમણે આ જ બધું કર્યું છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












