UK VISA : ભારતીય વિદ્યાર્થીઓ હવે ડિગ્રી મેળવ્યા પછી બે વર્ષ રોકાઈ શકશે, જાણો શું છે નવા નિયમો

યૂકેમાં અભ્યાસ કર્યા બાદ નોકરી માટે બે વર્ષના વિઝા આપવાની યૂકે સરકારની જાહેરાત ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે.

આ જાહેરાત સાથે યૂકેમાં માન્ય ઇમિગ્રેશન સ્ટેટસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે કૅરિયર બનાવવાની નવી તકો ઊભી થશે અને અભ્યાસ બાદ તેઓ બે વર્ષ યૂકેમાં રોકાઈ શકશે.

આનો અર્થ એ છે કે ડિગ્રી લઈ લીધા પછી માત્ર 4 મહિનામાં યૂકે છોડી દેવાનો નિયમ જે 2012માં થેરેસા મેએ લાગુ કર્યો હતો તે બદલાઈ જશે.

યૂકેમાં માન્યતા પ્રાપ્ત ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાનોમાં અંડર ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ શિક્ષણ લેવા માટે જનાર વિદ્યાર્થીઓ માટે નવા વિઝા નિયમો ફાદાકારક રહેશે.

બ્રિટનના ગૃહ મંત્રી પ્રીતિ પટેલે કહ્યું, "નવા ગ્રેજ્યુએટ નિયમોનો અર્થ છે કે વિજ્ઞાન, ટેક્નોલૉજી અને એન્જિનિયરિંગના પ્રતિભાશાળી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ યૂકેમાં અભ્યાસ કરી શકશે અને સફળ કૅરિયર બનાવી શકશે."

ભારતમાં બ્રિટનના ઉચ્ચાયુક્ત સર ડૉમિનિક એસકિથે કહ્યું, ''ભારતીય વિદ્યાર્થીઓ માટે આ બહુ સારા સમાચાર છે. હવે યૂકેમાં ડિગ્રી લીધાં બાદ નવી સ્કિલ્સ અને અનુભવ મેળવવા માટે તેઓ વધારે સમય ત્યાં રહી શકશે.''

તેમણે કહ્યું, "બ્રિટનમાં અભ્યાસ કરવા આવતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે અને ગત વર્ષે આમાં 42 ટકાનો વધારો જોવા મળ્યો છે."

બ્રિટનમાં શિક્ષણ મેળવવા જનારા વિદ્યાર્થીઓની સંખ્યા છેલ્લા ત્રણ વર્ષમાં વધીને જૂન 2019માં 22,000 જેટલી થઈ ગઈ હતી. આ સંખ્યા 2018 કરતા 42 ટકા વધારે હતી.

96 ટકા વિદ્યાર્થીઓ વિઝા મેળવવામાં સફળ

યૂકેના વિઝા માટે અરજી કરનાર ભારતીય વિદ્યાર્થીઓમાંથી 96 ટકા વિઝા મેળવવામાં સફળ રહે છે.

આ જાહેરાત સિવાય વિજ્ઞાનીઓ માટે ફાસ્ટ ટ્રૅક વિઝા રૂટ બનાવવાની વાત થઈ છે.

પીએચડી કરનાર વિદ્યાર્થીઓ માટેના સ્કિલ્ડ વર્ક વિઝા રૂટમાં જે લાભ સીમિત થઈ જતા હતા તેમાં પણ ઢીલ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

બ્રિટનમાં અભ્યાસ માટે જનાર વિદ્યાર્થીઓ પૈકી આશરે 50 ટકા વિદ્યાર્થીઓ વિજ્ઞાન, ટેક્નોલૉજી, એન્જિનિયરિંગ અને ગણિત પસંદ કરે છે એવું છેલ્લા દસ વર્ષનું તારણ છે.

જોકે, પોસ્ટ સ્ટડી વર્ક વિઝા એટલે કે ન્યૂ ગ્રેજુએટ રૂટ વર્ષ 2020/2021માં લૉન્ચ થશે.

બે વર્ષ બાદ વિદ્યાર્થીઓ જો એમની પાસે આ કાર્યક્રમ હેઠળ માન્ય એવી સ્કિલ્સ હોય તો સ્કિલ્ડ વર્ક વિઝા લઈ શકશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો