બ્રેક્સિટ : એક મતે બ્રિટનની બૉરિસ જૉન્સન સરકારે બહુમતી ગુમાવી

બ્રેક્સિટ મુદ્દે બૉરિસ જૉન્સન તથા ટોરી બળવાખોરો વચ્ચેના બળાબળના પારખાં થાય તે પહેલાં કન્ઝર્વેટિવ પાર્ટીના સંસદસભ્ય ફિલિપ લી લિબરલ ડેમૉક્રેટ્સ સાથે ભળી ગયા છે.

વડા પ્રધાન હાઉસ ઑફ કૉમન્સમાં ભાષણ ચાલુ કર્યું, ત્યારે બ્રૅકનિલની બેઠક ઉપરથી સંસદસભ્ય ડૉ. લી વિપક્ષમાં બેસી ગયા હતા.

આ બળવાથી સ્પષ્ટ થઈ ગયું છે કે નીચલા ગૃહમાં વડા પ્રધાને બહુમતી ગુમાવી દીધી છે. તેમની પાસે માત્ર એક સભ્યની જ બહુમતી હતી.

ડૉ. લીએ કહ્યું હતું કે સરકાર 'લોકોના જીવ અને આજીવિકાને જોખમમાં મૂકીને અનૈતિક રીતે બ્રેક્સિટની દિશામાં આગળ વધી રહી હતી. આ રસ્તો જોખમી હતો.'

અગાઉ જૉન્સને કહ્યું હતું કે ડીલ થાય કે ન થાય, તા. 31મી ઑક્ટોબરે યુરોપિયન સંઘ છોડી દેશે.

બ્રેક્સિટમાંથી નીકળતા પહેલાં બ્રિટન સંધિ કરી લે તેવા વિચાર સાથે અલગ-અલગ પક્ષના સંસદસભ્યો એક થયા હતા.

આ સંસદસભ્યોએ હાઉસ ઑફ કૉમન્સના સ્પીકર જોન બ્રૅકો સમક્ષ તત્કાળ ચર્ચા માટે પ્રસ્તાવ મૂક્યો હતો. તા. 19મી ઑક્ટોબરે 'નવી સમજૂતી કે સમજૂતી વિના બ્રેક્સિટ' ઉપર મતદાન થશે.

ત્યારબાદ જો સંસદસભ્યો સફળ રહેશે તો વડા પ્રધાન જૉન્સનને તા. 31મી જાન્યુઆરી સુધી બ્રેક્સિટ મોકૂફ રાખવાની ફરજ પડશે.

'સફળતા મળી હોત'

વડા પ્રધાન જૉન્સને તેમના સંબોધનમાં કહ્યું હતું કે તેઓ ડીલ કરીને જ બ્રેક્સિટ છોડવા માગતા હતા અને તે દિશામાં 'ગતિ' આવી હતી.

તેમણે ઉમેર્યું કે વધુ ઢીલ થઈ તો તેમણે બ્રેક્સિટ માટે યુરોપિયન સંઘ સમક્ષ "કારણ વગરની ઢીલ માટે કરગરવું પડશે" અને તેઓ "ક્યારેય" એવું નહીં કરે.

ડૉ. લીના કહેવા પ્રમાણે, "અંગ્રેજ રાષ્ટ્રવાદ" તથા "લોકરંજકતા"ને બ્રેક્સિટ સાથે જોડી દેવાઈ છે. તેમણે 'ડીલ કે ડીલ વિના બ્રેક્સિટ'માં વિભાજીત સંસદ અને સમાજને એક કરવામાં લીબ ડૅમ્સની મધ્યસ્થીની હિમાયત કરી હતી.

જર્મી કૉરબિનના કહેવા પ્રમાણે, "આજની તારીખે આ સરકાર પાસે જનાદેશ, નૈતિક્તા, કે બહુમતી નથી."

બળવાખોર ટોરી નેતા કેન ક્લાર્કના કહેવા પ્રમાણે, "વડા પ્રધાન એટલી કડક શરતો લાદવા માગતા હતા કે ડીલ થાય જ નહીં અને તેનું દોષારોપણ યુરોપિયન સંઘ ઉપર કરી શકાય અને એવાં સંજોગોમાં તેઓ (જૉન્સન) ચૂંટણીજંગમાં ઉતર્યા હોત."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો