You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
US સાથે ટ્રેડ વૉરથી ચીનમાં 30 લાખ નોકરી ગઈ?
- લેેખક, વિન્સેટ ની, ક્રિસ્ટફર ઝાઇલ્સ
- પદ, બીબીસી રિયાલિટી ચેક
ગયા વર્ષે અમેરિકા અને ચીન એકબીજાના સામાન પર અરબો ડૉલરનો આયાત કર લગાવી ચૂક્યાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન પર અયોગ્ય વેપારી ગતિવિધિઓ અને બૌદ્ધિક સંપત્તિની ચોરીનો આરોપ મૂકતા આવ્યા છે.
તાજેતરમાં જ જી-7 દેશોના સંમેલનમાં તેમણે કહ્યું, "છેલ્લા કેટલાક મહિનાઓમાં ચીનને બહુ મોટો ઝાટકો લાગ્યો છે. ત્યાં ત્રીસ લાખ નોકરીઓ ગઈ છે અને બહુ જલ્દી તે ત્રીસ લાખથી પણ વધી જશે."
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રેડ વૉરના કારણે ચીનને થયેલા નુકસાન અંગે પ્રથમ વખત આવું નિવેદન આપ્યું છે એવું નથી. ગયા અઠવાડિયે પણ તેમણે કહ્યું હતું, "તેઓ બહુ ઓછા સમયમાં 25 લાખ નોકરીઓ ગુમાવી ચૂક્યા છે."
પહેલાં સમજીએ કે ટ્રમ્પને આ આંકડા ક્યાંથી મળ્યા હશે.
અમારા આ પ્રશ્નનો જવાબ વ્હાઇટ હાઉસ પ્રેસ કચેરીએ હૉંગ કૉંગના અખબાર 'સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટ'માં જુલાઈમાં છપાયેલા લેખમાં મળ્યો.
આ લેખમાં ચીનની રોકાણ બૅન્ક, ચાઇના ઇન્ટરનેશનલ કૅપિટલ કૉર્પ(સીઆઇસીસી)ના હવાલાથી લખ્યું છે કે જુલાઈ 2018થી મે 2019 વચ્ચે મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં ટ્રેડ વૉરને કારણે 19 લાખ નોકરીઓ ગઈ છે.
જો કે આ બાબતે કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી કે 25 લાખ કે 30 લાખના આંકડા ડોનાલ્ડ ટ્રમ્પ પાસે કઈ રીતે પહોંચ્યા.
બીબીસીએ અમેરિકાના નાણાકીય વિભાગનો પણ સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો પણ હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તો ચીનમાં કેટલી નોકરીઓ ગઈ?
અમેરિકા-ચીન ટ્રેડ વૉરના કારણે ચીનમાં નોકરીઓ જવાનો કોઈ અધિકૃત આંકડો ઉપલબ્ધ નથી. પરંતુ ચીનની બે બૅન્કના અભ્યાસના આંકડા દર્શાવે છે કે તેનાથી ઔદ્યોગિક ક્ષેત્રની 12થી 19 લાખ નોકરીઓ પર અસર થઈ છે.
આયાત કરમાં વધારાથી ચીનના ઉત્પાદન ક્ષેત્ર પર અસર થઈ છે પણ નોકરીઓ બીજા કારણે પણ ગઈ છે.
અમેરિકા સ્થિત થિંક ટૅન્ક પીટર્સન ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ટરનેશનલ ઇકૉનૉમિક્સ સાથે જોડાયેલાં મૅરી લવલી કહે છે, "નોકરીઓમાં ઘટાડો તો ગણી શકાય પણ સમસ્યા એ છે કે તેનું કારણ શું છે?"
"આવું કયા કારણથી થયું એ સાબિત કરવું અસંભવ છે."
ચીનમાં ઉત્પાદન ક્ષેત્રમાં નોકરીઓ પહેલાંથી જ ઘટી રહી છે. કારણ કે ચીન હવે સેવાઓ આધારિત અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે. નાણા અને ટેકનિકલ ક્ષેત્રે નવી તકો ઊભી થઈ રહી છે. આ પરિવર્તન ટ્રેડ વૉર શરૂ થતાં પહેલાં જ આવવા લાગ્યું હતું.
ચીનના ઉત્પાદન ક્ષેત્રમાં આવેલાં પરિવર્તનનો સામનો એ દેશોએ પણ કરવો પડશે કે જે દેશોમાં સસ્તો શ્રમ ઉપલબ્ધ છે.
ચીનમાં બેરોજગારીની સ્થિતિ
ચીનની સરકારે શહેરી વિસ્તારોમાં રોજગારીની તકો વધારવા પર ખાસ ભાર મૂકયો છે.
બેઇજિંગના ધ ઇકૉનૉમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટમાં ચીનની અર્થવ્યવસ્થાના નિષ્ણાત ડૅન વાંગ કહે છે, "બંધ થયેલી ફૅક્ટરીઓમાંથી મોટા ભાગના શ્રમિકો શહેરી સેવાઓમાં રોકાઈ ગયા છે."
"સાથે જ લોકો સમુદ્રી પ્રાંતોમાંથી અનહુઈ, શિચુઆન અને હેનન જેવા પોતાના મૂળ પ્રાંતો તરફ પરત ફરી રહ્યા છે, જ્યાં ઉદ્યોગો વિસ્તરી રહ્યા છે."
"વિશ્વ બૅન્કના મતે 2018માં ચીનમા કુલ શ્રમશક્તિ 78.8 કરોડની છે."
એટલે કે ઉત્પાદન ક્ષેત્રમાં ચીનમાં વીસ લાખનો ઘટાડો છે, જે માત્ર 0.25 ટકા છે.
સરકારના અધિકૃત આંકડા મુજબ દેશમાં 3.8 ટકા બેરોજગારી છે જે 2002થી અત્યાર સુધીમાં સૌથી ઓછી છે.
પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નિવેદન આવ્યું છે ત્યારે ચીનમાં કૉમ્યુનિસ્ટ પાર્ટીની સરકાર નોકરીઓના બજાર પર ખાસ ધ્યાન આપી રહી છે.
જુલાઈમાં દેશમાં એક સર્વોચ્ચ નિર્ણય લેનારા સંગઠન પૉલિટબ્યૂરોએ કહ્યું હતું કે રોજગારી તેમની સૌથી મોટી પ્રાથમિકતા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો