એ દેશ જ્યાં ફીમેલ વાયગ્રા અંગે હોબાળો થયો છે

ઇમેજ સ્રોત, Getty Images
રજોનિવૃત્તિ નજીક પહોંચેલી અને સેક્સની ઓછી ઇચ્છા ધરાવતી સ્ત્રીઓ માટે વાયલેસ્સી નામની દવાને અમેરિકાના જાહેર આરોગ્ય વિભાગે મંજૂરી આપી છે, પણ શું તે અસરકારક છે? તેની સાથે આરોગ્યની બીજી કઈ ચિંતાઓ જોડાયેલી છે?
જાતીય ઇચ્છાઓને પ્રેરે તેવી એક નવી દવા અમેરિકાની સ્ત્રીઓ માટે ઉપલબ્ધ બની છે, જેને 'સ્ત્રી વાયગ્રા' તરીકે વખાણવામાં આવી રહી છે.
દવાઓ સલામત છે કે કેમ તેની તપાસ કરતી સંસ્થા અમેરિકા ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા તેને માન્યતા પણ આપી દેવામાં આવી છે.
શરૂઆતમાં તેને મહિલાઓનાં જાતીય આરોગ્યની જીત તરીકે વધાવી લેવામાં આવી હતી.
જોકે, થોડા જ અઠવાડિયાઓમાં તેના કારણે ફરીથી ચર્ચાઓ થવા લાગી કે જાતીય ઇચ્છાઓ જેવી સંકુલ બાબતોમાં દવાઓની ભૂમિકા કેવી હોવી જોઈએ.
દવામાં વપરાતા પદાર્થનું નામ બ્રેમેલેનોટાઇડ છે, જ્યારે વાયલેસ્સી તે દવાનું બ્રાન્ડ નેમ છે. યુવાન અને પ્રૌઢ સ્ત્રીઓ માટે આ દવા બની છે.
રજોનિવૃત્તિનાં લક્ષણો દેખાતાં હોય કે ન દેખાતાં હોય ત્યારે પણ તે લઈ શકાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
મૂળભૂત રીતે હાઇપોઍક્ટિવ સેક્સ્યુઅલ ડિઝાયર ડિસોર્ડર (એચએસડીડી) હોય તેના માટે આ દવા છે. તબીબો તેને જાતીય પ્રવૃત્તિઓ માટેની નિયમિત અને સતત અનિચ્છા તરીકે ઓળખાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકામાં બાળકને જન્મ આપી શકવા જેટલી ઉંમર ધરાવતી લગભગ 6 થી 10% મહિલાઓ આ સમસ્યા ધરાવે છે. દવા ઉદ્યોગનો આ બીજીવારનો 'સ્ત્રી વાયગ્રા' માટેનો પ્રયાસ છે.
જોકે એફડીએની મંજૂરી મળી ગયા બાદ કેટલાક તબીબોએ તેની અસરકારકતા સામે સવાલો ઉઠાવ્યા અને તેથી વિવાદ વકર્યો છે.
શું આ દવા લેવાથી સ્ત્રીઓ જોખમમાં મુકાઈ શકે છે? સુરક્ષા અંગે પણ સવાલ થવા લાગ્યા છે.
તો શું બ્રેમેલેનોટાઇડ ખરેખર કામ કરે છે? શું તેનાથી આરોગ્યને કોઈ બીજું નુકસાન થઈ શકે છે ખરું?

ઇન્જેક્ષન વિરુદ્ધ ગોળીઓ

ઇમેજ સ્રોત, Getty Images
પેલેટીન ટૅકનૉલૉજીસે વાયલેસ્સી વિકસાવી છે અને તેનું લાયસન્સ એમેગ ફાર્માસ્યુટિકલ્સને આપવામાં આવ્યું છે. આ દવા પોતાની રીતે ઇન્જેક્ષનથી લેવાની હોય છે.
દવાને કારણે તણાવ અને ચિંતા ઓછી થાય છે અને જાતીય ઇચ્છાઓ વધે છે. બે પ્રકારના ન્યુટ્રોટ્રાન્સમિટરના સ્તરને કાબૂમાં રાખીને આવું પરિણામ લાવવામાં આવે છે.
ડોપામાઇનનું પ્રમાણ વધારવામાં આવે છે, જ્યારે સેરોટોનિનના સ્રાવને ઓછો કરવામાં આવે છે. સ્પ્રાઉટ ફાર્માસ્યુટિકલ્સ એડ્ડઈ નામની દવા વેચે છે, તેની સાથે આ દવાની સીધી સ્પર્ધા થશે.
એડ્ડઈ રોજ લેવાની ગોળી સ્વરૂપે મળે છે, જેને એફડીએ તરફથી 2015માં મંજૂરી મળી હતી, તેને મંજૂરી મળી ત્યારે પણ વિવાદ થયો હતો.
તે વખતે પણ જાણકારોએ કહ્યું હતું કે એડ્ડઈ બહુ ઓછી અસરકારક છે અને કદાચ અસલામત પણ છે.

ઇમેજ સ્રોત, Getty Images
વાયલેસ્સીના ઉત્પાદકો કહે છે કે આ દવા લેતી વખતે દર્દીએ આલ્કોહોલ લેવાનું બંધ કરવું પડતું નથી.
તેની સામે એડ્ડઈ ગોળી લેનારને પ્રારંભમાં સલાહ આપવામાં આવી હતી કે તેમણે શરાબપાન કરવું જોઈએ નહીં.
વાયલેસ્સીના ઉત્પાદકોના દાવો છે કે કોઈ આડઅસર નહીં થાય અને તરત અસર જોવા મળશે. રોજેરોજ ઇન્જેક્ષન લેવાની જરૂર પણ નહીં પડે એવું પણ જણાવાયું હતું.
જોકે દવા અને મેડટૅક ઇન્ડસ્ટ્રી બન્નેનું રિપોર્ટિંગ કરતા પત્રકાર મેડેલીન આર્મસ્ટ્રોંગ આ દાવાઓ સામે સવાલ ઉઠાવે છે:
"સેક્સની 45 મિનિટ પહેલાં દર્દીએ આ ઇન્જેક્ષન લેવાનું રહે છે. જોકે દવા લીધા બાદ એકાદ કલાકમાં 40 ટકા જેટલા કિસ્સામાં ઊબકા આવવાનું શરૂ થઈ જતું હોવાનું જોવા મળ્યું છે. તે સંજોગોમાં સેક્સ માટેની ઇચ્છા રહે નહીં."

મૌન પીડા

ઇમેજ સ્રોત, Getty Images
2016માં થયેલા અભ્યાસ અનુસાર એચએસડીડી અમેરિકાની દર 10માંથી એક સ્ત્રીને અસર કરે છે. તેમાંથી મોટા ભાગની સ્ત્રીઓ કોઈ સારવાર કરાવતી નથી.
એમેગ ફાર્માસ્યુટિકલ્સના ઍક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વિલિયમ હેડેન કહે છે, "મોટા ભાગની સ્ત્રીઓ ચૂપચાપ સ્થિતિને સહન કરતી રહે છે. તેનો અર્થ એ થયો કે આવી દવાઓ માટે ખરેખર કોઈ માર્કેટ નથી."
આર્મસ્ટ્રોંગ પણ શંકા વ્યક્ત કહે છે, "મુખ્ય સવાલ હજુ પણ એ જ છે કે મહિલા એચએસડીડી એ ખરેખર કોઈ રોગ છે ખરો?"
"લીરિન્કના વિશ્લેષકોના અંદાજ અનુસાર રજોનિવૃત્તિ કાળની નજીકની અંદાજે 60 લાખ મહિલાઓ આ સમસ્યાથી પીડાય છે. પરંતુ તેમાંથી 95 ટકા મહિલાઓને ખબર જ નથી કે આ એક મેડિકલ કન્ડિશન છે".
જોકે ઉદ્યોગના વિશ્લેષકો માને છે કે વાયલેસ્સીનું વાર્ષિક વેચાણ એક અબજ ડૉલર સુધી પહોંચી શકે છે.
કન્સલ્ટન્સી ગ્રૂપ બ્લૂમબર્ગ ઇન્ટેલિજન્સના જણાવ્યા અનુસાર અમેરિકામાં એડ્ડઈનું પ્રિસ્ક્રિપ્શન મે મહિનામાં (ગત વર્ષની સરખામણીએ) 400% વધીને કુલ 3000 સુધી પહોંચ્યું હતું.
આ વધારો ટકામાં ઘણો છે, પણ વાયગ્રાના મહિને લાખો પ્રિસ્ક્રિપ્શન લખાતા હોય છે, તેની સામે આ નગણ્ય છે.

વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images
એમેગ ફાર્માસ્યુટિકલ્સ કહે છે કે ટ્રાયલ વખતે 40 ટકામાં સામાન્યથી ઉગ્ર પ્રકારના ઉબકાની આડઅસરો જોવા મળી હતી. અન્ય આડઅસરોમાં રક્તસ્રાવ અને માથાનો દુખાવો પણ જોવા મળ્યો હતો.
એફડીએ દ્વારા આ નવી દવાની એ રીતે પ્રશંસા થઈ હતી કે તેને કારણે એચએસડીડીની સ્થિતિમાં 'સ્ત્રીઓને સારવાર માટેનો એક વિકલ્પ મળે છે'.
"ઘણી એવી મહિલાઓ છે, જેમની જાતીય ઇચ્છાઓ ખાસ કોઈ જાણીતા કારણ વિના ઓછી થઈ ગઈ છે. એ સ્થિતિ તણાવ ઊભી કરી શકે છે."
એમ જણાવીને એફડીએએ ઉમેર્યું હતું કે હવે આવી સ્ત્રીઓ "સલામત અને અસરકારક દવા દ્વારા સારવાર કરાવી શકે છે."
"આજે અપાયેલી મંજૂરીને કારણે સ્ત્રીઓને આવી સ્થિતિમાં સારવારનો વધારે એક વિકલ્પ મળ્યો છે."
જોકે, એફડીએએ એવું પણ જણાવ્યું હતું કે વાયલેસ્સીને કારણે મગજમાં કેવી અસર થાય છે અને કેવી રીતે તેની અસર જાતીય ઇચ્છાઓ અને તણાવ પર પડે છે તે સ્પષ્ટ નથી.
આ ઉપરાંત એચએસડીડીનો સામનો કરવા માટે આ દવા જ સૌથી ઉત્તમ ઉપાય છે તે બાબતમાં પણ વિખવાદ છે.
તબીબીના જાણકારો કહે છે કે ઓછી જાતીય ઇચ્છાના કારણો બાહ્ય અને આંતરિક રીતે સાઇકૉલૉજિકલ પણ હોઈ શકે છે.
એ વાતની પણ ટીકા થઈ રહી છે કે એચએસડીડી માટેની એફડીએની છેલ્લામાં છેલ્લી પેનલમાં ભાગ લેનારા મોટા ભાગના ડૉક્ટર્સ એવા હતા, જેમની કોઈને કોઈ કડી એડ્ડઈની ઉત્પાદક કંપની સ્પ્રાઉટ ફાર્માસ્યુટિકલ્સ સાથે હતી.
મહિલા આરોગ્ય અંગે કામ કરતી ઘણી સંસ્થાઓએ પણ કહ્યું છે કે એફડીએએ વાયલેસ્સીની લાંબા ગાળાની શું અસરો થઈ શકે છે તે જાણવા માટેનો આગ્રહ રાખ્યો નહોતો.

મેડિકલ ટ્રાયલ્સ

ઇમેજ સ્રોત, Getty Images
નેશનલ સેન્ટર ફૉર હેલ્થ રિસર્ચના પ્રેસિડેન્ટ ડાયેના ઝકરમેને વૉશિંગ્ટન પોસ્ટને જણાવ્યું હતું, "જોકે સારી વાત એ છે કે એડ્ડઈની જેમ વાયલેસ્સી રોજેરોજ લેવાની જરૂર નથી."
"ખરાબ વાત એ છે કે લાંબા ગાળાની શું અસર થઈ શકે છે તે વિશેની કોઈ માહિતી આપણી પાસે ન હોવાથી તેની સલામતી વિશે લોકો નચિંત રહી શકે નહીં."
વાયલેસ્સીની મેડિકલ ટ્રાયલ્સ 24 અઠવાડિયા સુધી ચાલી હતી. તેમાં એચએસડીડીની અસર ધરાવતી રજોનિવૃત્તિની નજીકની વયની 1200 મહિલાઓએ ભાગ લીધો હતો.
મોટા ભાગની દર્દીઓએ મહિનામાં બેથી ત્રણ વાર દવાનો ઉપયોગ કર્યો હતો, પણ કોઈએ અઠવાડિયે એકથી વધુ વાર ઉપયોગ કર્યો નહોતો.
તેમાંથી 25% સ્ત્રીઓએ કહ્યું હતું કે તેમની જાતીય ઇચ્છામાં વધારો થયો હતો. નકલી દવાઓ (પ્લેસિબો) અપાઈ હતી તેવી સ્ત્રીઓમાં તેનું પ્રમાણ માત્ર 17% જોવા મળ્યું હતું.
જોકે આ મેડિકલ ટ્રાયલ કરનારી ખાનગી કંપની કોલંબસ સેન્ટર ફૉર વિમેન્સ હેલ્થ રિસર્ચના જણાવ્યા અનુસાર ભાગ લેનારામાંથી લગભગ 20% સ્ત્રીઓએ ટ્રાયલ અધવચ્ચે છોડી હતી.
તેમાં 8% સ્ત્રીઓ એવી હતી, જેમણે ઊબકાની સમસ્યાને કારણે ટ્રાયલ છોડી દીધી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












