You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાનના લોકો અમેરિકા સામે યુદ્ધ ઇચ્છે છે કે શાંતિ? - દૃષ્ટિકોણ
- લેેખક, રાકેશ ભટ્ટ
- પદ, ઈરાની બાબતોના જાણકાર
તેહરાનની મેટ્રો કે બસોમાં મુસાફરી કરતા એક સામૂહિક ઉદાસીનો અનુભવ કરી શકાય છે.
દરેક પસાર થતા દિવસની સાથે આ ઉદાસી વધતી જતી હોય એવું લાગે છે. ઉદાસીની કૂખમાંથી જ વિદ્રોહનો જન્મ થાય છે અથવા તો હતાશાનો જન્મ થાય છે.
પોતાના લોકોની વિરુદ્ધ વિદ્રોહ તો ત્યારે થાય છે જ્યારે તેઓ એ મુશ્કેલીઓ પાછળ કારણભૂત હો, ઈરાનની સામાન્ય જનતા પોતાની મુશ્કેલીઓ પાછળનું કારણ અમેરિકાની હઠધર્મિતાને માને છે.
1979ની ઇસ્લામી ક્રાંતિ બાદ જ્યારે ઈરાન-ઇરાક યુદ્ધ પોતાની ચરમસીમાએ હતું અને ઈરાન સમગ્ર વિશ્વમાં અલગ પડી ગયું હતું ત્યારે ઈરાની સમાજ આગામી ભવિષ્યને લઈને એટલું ચિંતિત ન હતું, જેટલું આજે છે.
પરંતુ 40 વર્ષથી સતત વિભિન્ન પ્રતિબંધોનો સામનો કરી રહેલી સામાન્ય જનતામાં આશા મરી જવી સ્વાભાવિક છે.
ઈરાનની કુલ રાષ્ટ્રીય આવકનો અડધો ભાગ કાચા તેલની નિકાસથી મળતો હતો, પરંતુ હાલ અમેરિકાના પ્રતિબંધોને પગલે તેલનિકાસથી અર્જિત આવક લગભગ ખતમ થતી જોવા મળી રહી છે.
પરંતુ એ ન ભૂલવું જોઈએ કે ભલે ઈરાન પાસે ઔપચારિક રસ્તા બંધ હોય, પરંતુ તેલના અનૌપચારિક વેચાણ પર પ્રતિબંધ લાદવો કદાચ ખૂબ મુશ્કેલ છે.
પરંતુ પ્રતિબંધોના પગલે એ તો સ્પષ્ટ દેખાય છે કે ઈરાની અર્થવ્યવસ્થા પોતાનાં 40 વર્ષના ઇતિહાસમાં સૌથી કપરા સમયમાંથી પસાર થઈ રહી છે જેની સર્વાધિક અસર સામાન્ય જનજીવન પર પડી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક રોટલીની કિંમત જે આશરે વર્ષ પહેલાં 1000 રિયાલ હતી તેની કિંમત આજે 25 હજાર રિયાલ થઈ ગઈ છે.
ખાવાપીવાની વસ્તુઓના ભાવમાં ત્રણથી ચાર ગણો વધારો થયો છે.
આ સંકટને ઈરાનની સરકાર સારી રીતે સમજે છે કે જેના પગલે નિમ્ન અને મધ્યમ વર્ગના લોકો માટે સસ્તા ભાવે ખાદ્યપદાર્થોની આપૂર્તિની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સિવાય ખાવાપીવાની વસ્તુઓની તાણ સામે લડવા માટે ઈરાનની સરકારે થોડા સમય પહેલાં 68 હજાર એવા વેપારીઓને લાઇસન્સ આપ્યાં છે કે જેથી ટ્રક અથવા તો ખચ્ચરોના માધ્યમથી આ સામાનને કોઈ પણ સીમાશુલ્ક વિના ઈરાન લાવી શકાય.
પ્રતિબંધોના પગલે અને આવકના સ્રોતો ઓછા હોવાથી ઈરાનની મુદ્રાને અસર થઈ છે.
એક વર્ષની અંદર જ ડૉલરની સરખામણીએ ઈરાની રિયાલની કિંમતમાં ત્રણ ગણા કરતાં વધારે ઘટાડો નોંધાયો છે.
ઈરાનની અર્થવ્યવસ્થા ડૉલર સાથે એ રીતે ગૂંથાઈ છે કે જાણે સૂરજ અને પડછાયાનો સંબંધ હોય.
જેમજેમ સૂરજ ચઢે છે, પડછાયો તેમતેમ નાનો લાગવા લાગે છે.
મુદ્રા વૃદ્ધિનો દર 37% સુધી પહોંચી ગયો છે. IMFના આંકડા અનુસાર જો પરિસ્થિતિમાં સુધાર ન આવે તો તેમાં ભારે વધારો થઈ શકે છે.
ગંભીર આર્થિક સંકટોમાંથી પસાર થતા ઈરાનીઓની માનસિક સ્થિતિ તેમના હાવભાવમાં ભલે જોવા મળતી હોય, પરંતુ તેમના ચહેરા પર લાલિમા હજુ યથાવત્ છે.
આ મૂંઝવણના જવાબમાં તેઓ કહે છે, "સૂરત-એ-ખુદેમાન રા બા સીલી સુર્ખ મી કોનીમ"- એટલે કે અમે અમારા ગાલોને થપ્પડ મારી લાલ રાખીએ છીએ.
અમેરિકાના પ્રતિબંધોને ઈરાનની રાજ્યવ્યવસ્થા જ નહીં, પણ સામાન્ય જનતા પણ અનુચિત માને છે.
સામાન્ય લોકોની નજરે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ 'ટ્વિટરવાળી ચકલીના યોદ્ધા' છે.
તેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પને કસિનોમાં બેઠેલા જુગારના એ ખેલાડી માને છે કે જેઓ પોતાના પ્રતિદ્વંદ્વીને ડરાવવા માટે સમજ્યા કે વિચાર્યા વગર ખૂબ મોટી બોલી લગાવી દે છે.
પરંતુ જ્યારે પ્રતિદ્વંદ્વી ખેલાડી તેમની ચાલને ઓળખી લે તો તેઓ ચુપચાપ મેદાન છોડી દે છે.
ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ ખામેનેઈ પર અમેરિકાએ લાદેલો પ્રતિબંધ ઈરાનમાં મજાકનું કારણ બન્યો છે.
ઈરાનમાં ટ્વિટર પર '#ટ્રમ્પ કૃપા કરીને મને પણ પ્રતિબંધિત કરો' ટ્રૅન્ડ થવા લાગ્યું.
મજાક તરીકે @K. Jafari નામના ઈરાનીએ ટ્વીટ કર્યું, "હવે તો બસ અમેરિકાના પ્રતિબંધોથી હું, મારા પિતા અને પાડોશીનું બાળક જ બચ્યાં છીએ."
"ઈરાનના વિદેશ મંત્રાલયથી અનુરોધ છે કે ટ્રમ્પનો ટેલિફોન નંબર અપાવી દે જેથી અમે અમારું નામ તથા સરનામું તેમને મોકલી દઈએ."
"અને તેથી આગામી ડ્રોન તોડી પડાયા બાદ અમારા ત્રણેય પર પ્રતિબંધ લાદવા માટે તેમણે નામ શોધવા ન પડે."
હાલ જ મેં કરેલી ઈરાનયાત્રા દરમિયાન એક દિવસ હું કેટલાક મિત્રો સાથે તહેરાનના વલી અસ્ર વિસ્તારમાં કૉફી પીવા બેઠો.
ત્યાં એક ઈરાની યુવકને મેં ઈરાનના હાલ-ચાલ અંગે પૂછ્યું તો તેમણે કહ્યું કે પરિસ્થિતિ તો ખરાબ છે, કામ નથી, મોંઘવારી એટલી છે કે હવે વિચારી શકાય તેમ નથી.
અંતે તેમણે મૌલાના રૂમીની ગઝલની એક લાઇન સંભળાવી અને કહ્યું કે 'સિંહ ત્યારે પોતાના સૌથી પ્રભાવશાળી, સુંદર અને ખતરનાક રંગમાં આવે છે જ્યારે તે ભોજનની શોધમાં હોય.'
થોડો સમય ચૂપ રહ્યા બાદ તેમણે કહ્યું- પછી એવું ન થાય કે ઈરાન ભોજનની શોધમાં નીકળી પડે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો