વર્લ્ડ કપ 2019 : ન્યૂઝીલૅન્ડ પહેલી વાર હાર્યું, પાકિસ્તાનની આશા જીવંત

આઝમ અને હેરિસ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

બાબર આઝમની શાનદાર સદી અને હેરિસ સોહૈલ સાથેની તેની વિશાળ ભાગીદારીની મદદથી પાકિસ્તાને બુધવારે રમાયેલી આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડકપની મૅચમાં ન્યૂઝીલૅન્ડને છ વિકેટથી હરાવીને ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશવાની આશા જીવંત રાખી હતી.

વર્તમાન વર્લ્ડ કપમાં ન્યૂઝીલૅન્ડને પહેલી વાર પરાજયનો સામનો કરવો પડ્યો હતો. બાબર આઝમ 101 રન સાથે અણનમ રહ્યા હતા.

વરસાદને કારણે એક કલાક મોડી શરૂ થયેલી મૅચમાં કેન વિલિયમ્સને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ન્યૂઝીલૅન્ડે 50 ઓવરને અંતે છ વિકેટે 237 રનનો સ્કોર નોંધાવ્યો હતો, જ્યારે પાકિસ્તાને 49.1 ઓવરમાં ચાર વિકેટે 241 રન નોંધાવ્યા હતા.

line
ન્યૂઝીલૅન્ડ

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાને શરૂઆતમાં જ બે વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ બાબર આઝમે ત્રીજી વિકેટ માટે મોહમ્મદ હફીઝ સાથે 66 અને ચોથી વિકેટ માટે હેરિસ સોહૈલ સાથે 126 રનની ભાગીદારી નોંધાવીને ટીમને ટાર્ગેટ સુધી પહોંચાડી હતી.

બાબર આઝમે અણનમ 101 રન ફટકાર્યા હતા. 127 બોલની ઇનિંગ્ઝમાં તેમણે 11 બાઉન્ડ્રી ફટકારી હતી, તો સોહૈલે 76 બૉલમાં 68 રનનું યોગદાન આપ્યું હતું.

ન્યૂઝીલૅન્ડની ઇનિંગ્ઝનો પ્રારંભ પણ કંગાળ રહ્યો હતો. જીમી નીશમ રમવા આવે તે અગાઉ ન્યૂઝીલૅન્ડે 46 રનમાં ચાર અને ત્યાર બાદ 83 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.

આ તબક્કે પાકિસ્તાન હાવી થઈ રહેલું જણાતું હતું અને મેચ ઓછા સ્કોરવાળી બની રહે તેવી દહેશત હતી, પરંતુ નીશમે વળતો પ્રહાર કરીને કિવિ ટીમને મૅચમાં પરત આવવામાં મદદ કરી હતી.

નીશમ

ઇમેજ સ્રોત, Getty Images

મોહમ્મદ આમિર અને શાહિન આફ્રિદી વેધક બૉલિંગ કરી રહ્યા હતા. બંનેએ મળીને ન્યૂઝીલૅન્ડનો ધબડકો કર્યો હતો.

માર્ટિન ગુપટિલ પાંચ, કોલીન મુનરો 12, રોઝ ટેલર ત્રણ અને વિકેટકીપર ટોમ લાથમ માત્ર એક રન નોંધાવીને આઉટ થઈ ગયા હતા.

નીશમ અને કોલીન ડી ગ્રેન્ડહોમે બાજી સુધારી હતી. બંનેએ શરૂઆતમાં ધીમી બેટિંગ કરીને વિકેટ બચાવવાની જવાબદારી અદા કરી હતી અને સેટ થઈ ગયા બાદ ખભા ઉંચક્યા હતા.

નીશમ છેક સુધી ટકી ગયા હતા, પરંતુ સદી ચૂકી ગયા હતા. ઇનિંગ્ઝના છેલ્લા બૉલે સિક્સર ફટકારીને તેમણે પોતાનો સ્કોર 97 ઉપર પહોંચાડ્યો હતો.

જોકે નીશમને કારણે જ ન્યૂઝીલૅન્ડ 237 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચી શક્યું હતું. તેમણે ગ્રેન્ડહોમ સાથે મળીને છઠ્ઠી વિકેટ માટે 132 રનની ભાગીદારી નોંધાવી હતી.

ગ્રેન્ડહોમ તેમની આદત મુજબ આક્રમક રહ્યા હતા. તેમણે 71 બોલમાં 64 રન ફટકાર્યા હતા.

line
શાહિન આફ્રિદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શાહિન આફ્રિદી

જોકે સમગ્ર ઇનિંગ્સ દરમિયાન પાકિસ્તાની બૉલર્સે પ્રશંસનીય બૉલિંગ કરી હતી. તેમાંય શાહિન આફ્રિદીએ પ્રારંભમાં જ ત્રણ વિકેટ ખેરવીને હરીફ ટીમની કમર તોડી નાખી હતી.

તો વર્લ્ડ કપમાં પ્રભાવશાળી બૉલિંગ કરનારા મોહમ્મદ આમિરે છેલ્લી ઓવર્સમાં ચુસ્ત બૉલિંગ કરીને ન્યૂઝીલૅન્ડને મોટો સ્કોર કરતાં અટકાવ્યું હતું.

તેમણે દસ ઓવરમાં 67 રન આપીને માર્ટિન ગુપટિલની વિકેટ ખેરવી હતી.

line
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો