વર્લ્ડ કપ 2019 : ઑસ્ટ્રેલિયા સામેના પરાજય સાથે યજમાન ઇંગ્લૅન્ડની મુશ્કેલી વધી

ઇમેજ સ્રોત, Getty Images
ઝડપી બૉલર જેસન બેર્હેનડ્રોફ અને મિચેલ સ્ટાર્કની ઘાતક બૉલિંગ અને એ અગાઉ એરોન ફિંચની ઝમકદાર સદીની મદદથી ઑસ્ટ્રેલિયાએ પોતાની વિજયકૂચ જાળવી રાખીને આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં મંગળવારે યજમાન ઇંગ્લૅન્ડને 64 રનથી હરાવ્યું હતું.
આ પરાજય સાથે ઇંગ્લૅન્ડની મુશ્કેલીમાં વધારો થયો છે, કેમ કે હવે તેણે બાકીની મૅચોમાં આકરી મહેનત કરવી પડશે.
બેર્હેનડ્રોફે પાંચ વિકેટ ઝડપી હતી. ઑસ્ટ્રેલિયા 12 પૉઇન્ટ સાથે પૉઇન્ટ ટેબલમાં મોખરે પહોંચી ગયું છે.
લૉર્ડ્ઝ ખાતે રમાયેલી મૅચમાં પ્રથમ બેટિંગ કરતાં ઑસ્ટ્રેલિયાએ સાત વિકેટે 285 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ઇંગ્લૅન્ડ 221 રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું.
પહેલી ઓવરમાં જ જેમ્સ વિન્સ આઉટ થયો તે સાથે ઇંગ્લૅન્ડનો ધબડકો થયો હતો. જો રૂટ અને ઓઇન મોર્ગન પણ સસ્તામાં આઉટ થઈ ગયા હતા.
જોકે બેન સ્ટોક્સે શાનદાર બેટિંગ કરી હતી. અગાઉ શ્રીલંકા સામેની મૅચમાં પણ બેન સ્ટોક્સે લડાયક બેટિંગ કરી હતી અને 82 રન સાથે અણનમ રહ્યા હતા.
તેમની પાસેથી ફરી એવી જ ઇનિંગ્ઝની અપેક્ષા રખાતી હતી. સ્ટોક્સ રમતા હતા ત્યાર સુધી ઇંગ્લૅન્ડની શક્યતા જણાતી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
37મી ઓવરમાં 177 રનના કુલ સ્કોરે સ્ટોક્સ આઉટ થયા હતા. મિચેલ સ્ટાર્કના બૉલે બોલ્ડ થતાં અગાઉ ઇંગ્લૅન્ડના આ ઑલરાઉન્ડરે 115 બૉલમાં 89 રન ફટકાર્યા હતા, જેમાં આઠ બાઉન્ડ્રી ઉપરાંત બે સિક્સરનો સમાવેશ થતો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેસન બેર્હેનડ્રોફ પહેલી ઓવરથી જ ત્રાટક્યા હતા. તેમાંય સ્ટોક્સની વિકેટ પડ્યા બાદ તેમણે ઉપરા-ઉપરી વિકેટો લઈને ઇંગ્લૅન્ડનો પરાજય નિશ્ચિત કરી દીધો હતો.
ઇંગ્લૅન્ડે ટોસ જીત્યા બાદ ઑસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને મજબૂત શરૂઆત કરી હતી.
ઠંડા હવામાન અને વાદળછાયા વાતાવરણની બૉલરોને મદદ મળશે તેવી ઇંગ્લૅન્ડની અપેક્ષા વચ્ચે એરોન ફિંચ અને ડેવિડ વોર્નરે ડિફેન્સ અને આક્રમણની મિશ્ર રમત દાખવી હતી અને પહેલી 23 ઓવર સુધી અંગ્રેજ બૉલરને ફાવવા દીધા ન હતા.
બંનેએ 123 રનની ભાગીદારી નોંધાવીને પુરવાર કરી દીધું હતું કે આ વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા પાસે સૌથી મજબૂત ઓપનિંગ જોડી છે.
એરોન ફિંચે વર્તમાન ટુર્નામેન્ટની પોતાની બીજી સદી નોંધાવી હતી તો વન-ડે કારકિર્દીમાં આ તેની 15મી સદી હતી.
બંનેએ અગાઉની મૅચમાં બાંગ્લાદેશ સામે પણ 121 રનની ભાગીદારી નોંધાવી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
ફિંચે 116 બૉલમાં 100 રન ફટકાર્યા હતા તો ડેવિડ વોર્નરે પણ પોતાના સુકાની જેટલો જ સ્ટ્રાઇક રેટ રાખીને 61 બૉલમાં 86.89ના રેટથી 53 રન ફટકાર્યા હતા.
ફિંચે 11 બાઉન્ડ્રી ઉપરાંત બે સિક્સર પણ ફટકારી હતી.
જોકે આ બંને આઉટ થઈ ગયા બાદ બે વિકેટે 173 રનના સ્કોર પછી ઑસ્ટ્રેલિયાનું પતન થયું હતું. કાંગારું ટીમે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી.
એક સમયે ઑસ્ટ્રેલિયા 325થી વધુ રનનો સ્કોર ખડકી દેશે તેવી અટકળ થતી હતી, જેની સામે તેઓ 300 રન સુધી પણ પહોંચી શક્યા ન હતા.
ઇનિંગ્ઝના અંત ભાગમાં એલેક્સ કેરીએ 27 બૉલમાં 38 રન ફટકાર્યા ન હોત તો ઑસ્ટ્રેલિયા 285 રન સુધી પણ પહોંચી શક્યું ન હોત.
ડેવિડ વોર્નરે તેની ઇનિંગ્સ દરમિયાન વર્તમાન વર્લ્ડ કપમાં 500 રન પૂરા કર્યા હતા. આમ તેણે બાંગ્લાદેશના સાકીબ હસનના 476 રનના આંકને પાછળ રાખી દીધો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
આ જ રીતે ફિંચે પણ સાકીબને પાછળ રાખી દેતાં અત્યારે 2019ના વર્લ્ડ કપમાં મોખરાના બંને બૅટ્સમૅન ઑસ્ટ્રેલિયન છે.
ઉસ્માન ખ્વાજા અને સ્ટિવન સ્મિથે અનુક્રમે 23 અને 38 રન નોંધાવ્યા હતા, પરંતુ બંને બૅટ્સમૅન સેટ થયા બાદ આઉટ થયા હતા.
જોકે, ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅનના ધબડકા કરતાં ઇંગ્લૅન્ડના બૉલર્સે સારી રીતે વળતો પ્રહાર કર્યો હતો તેમ કહેવું વધુ ઉચિત રહેશે, કેમ કે ક્રિસ વોક્સ, જોફરા આર્ચર અને બેન સ્ટોક્સે ઇંગ્લૅન્ડ વળતી લડત આપી શકે તે માટે પ્લેટફોર્મ ગોઠવી આપ્યું હતું.
ક્રિસ વોક્સને બે વિકેટ મળી હતી જ્યારે આદિલ રશીદ સિવાયના તમામ બૉલરને ફાળે એક-એક વિકેટ આવી હતી.

ડેવિડ વોર્નરના 500 રન

ઇમેજ સ્રોત, Getty Images
ઑસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરે મંગળવારે ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં 53 રન ફટકાર્યા તે સાથે તે 2019ના વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં 500 રન પૂરા કરનારા પ્રથમ બૅટ્સમૅન બની ગયા હતા.
હજી સોમવારે જ બાંગ્લાદેશના સાકીબ અલ હસને 476 રન નોંધાવીને વોર્નરના 447 રનના આંકને પાછળ રાખી દીધા હતા, પરંતુ વોર્નર મંગળવારે સાકીબથી આગળ નીકળી ગયા હતા.
માત્ર વોર્નર જ નહીં પરંતુ મંગળવારે સદી ફટકારનારા એરોન ફિંચે પણ સાકીબને પાછળ રાખી દીધા હતા. ફિંચ અત્યારે 496 રન સાથે બીજા ક્રમે આવી ગયા છે.
એક વર્લ્ડ કપમાં 500 કે તેથી વધુ રન નોંધાવનારા વોર્નર નવમા બૅટ્સમૅન બન્યા હતા.

વર્લ્ડ કપમાં 500+ રન નોંધાવનારા બૅટ્સમૅન
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












