‘પંચમદા’ના જન્મદિને વાંચો એમના મૃત્યુ સમયની વાત

આર. ડી. બર્મનની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

રાહુલ દેવ બર્મન એટલે કે 'આરડી' એટલે કે 'પંચમ'. ભારતીય ફિલ્મસંગીતના એક એવા સંગીતકાર કે જેમના સર્જને પારંપરિક ફિલ્મસંગીતના સંસારમાં વિદ્રોહ જન્માવ્યો. બળવો પોકાર્યો.

આજે આર. ડી. બર્મનનો જન્મદિવસ છે, પરંતુ અમે વાત કરી રહ્યા છીએ એમના અંતિમ દિવસોની.

જે સંગીતકારે નવાનવા કીર્તિમાન સ્થાપિત કર્યા એ જ પોતાના અંતિમ દિવસોમાં અત્યંત એકલા પડી ગયા હતા.

મૃત્યુ સમયે ગણ્યાગાંઠ્યા મિત્રો જ તેમની પાસે હાજર હતા.

અપાર સફળતા અને ફિલ્મી દુનિયાના ટોચનાં નામો સાથે ઘરોબો હોવા છતાં પણ આવું કેમ થયું?

એક સમય હતો કે આર. ડી. બર્મન દરેક નિર્માતાની પ્રથમ પસંદ હતા. તો એવું શું થયું કે જીવનના ઉત્તરાર્ધમાં તેમને ફિલ્મો મળવાની બંધ થઈ ગઈ?

line

પંચમ અને ઉતારચઢાવ

આર. ડી. બર્મન અને મોહમ્મદ રફીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

'પંચમ અનમિકસ્ડ' ડૉક્યુમૅન્ટરીમાં કેટલાય જાણીતા ગાયકો, સંગીતકારો, કલાકારો તેમજ આર. ડી. બર્મનના અંગત લોકોએ એના કેટલાંય કારણો દર્શાવ્યાં છે.

આ ડૉક્યુમૅન્ટરી બ્રહ્માનંદ સિંહે બનાવી હતી અને તેને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો.

અભિનેતા શમ્મી કપૂરે આર. ડી. બર્મન અંગે કહ્યું હતું, ''દરેકના જીવનમાં ઉતારચઢાવ તો આવે જ છે, પણ પંચમ પોતાના ઉતારને સાચવી ન શક્યા.”

શમ્મી કપૂરની ફિલ્મ 'તીસરી મંઝિલ'માં આર. ડી. બર્મને ઉત્તમ સંગીત આપ્યું હતું અને તમામ ગીતો સુપરહિટ રહ્યાં હતાં.

સિનેમાહૉલમાં આ ફિલ્મ રજૂ થઈ અને ચારેબાજુ આર. ડી. બર્મનનું નામ ગૂંજવા લાગ્યું.

આર. ડી. બર્મનના અંગત મિત્ર અને ગીતકાર જાવેદ અખ્તર કહે છે, ''આપણે ત્યાં પ્રતિભાની કદર કોઈ નથી કરતું, માત્ર વર્તમાન જ જોવામાં આવે છે.''

''એના લીધે જ આપણે આર. ડી. જેવા જિનિયસને ગુમાવી દીધો.''

line

'અંતિમ સફળતા' જોઈ ના શક્યા

આર.ડી. બર્મનની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

80ના દાયકામાં થોડી એવી સફળતા મળી એ મળી પણ એ બાદ આર. ડી.ને ફિલ્મો મળતાં બંધ થઈ ગઈ હતી.

બહુ લાંબી રાહ જોયા બાદ 90ના દાયકાની પ્રારંભમાં વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ '1942 અ લવસ્ટોરી'માં સંગીત આપવાની તેમને તક મળી.

ફિલ્મનાં તમામ ગીતો સુપરહિટ સાબિત થયાં પણ અફસોસ કે આ સફળતા જોવા ખુદ આર. ડી. જ ના રહ્યા.

પોતાની અંતિમ સફળતા જોયા પહેલાં જ તેમણે દુનિયામાંથી વિદાય લઈ લીધી. 4 જાન્યુઆરી 1994ના રોજ 55 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું.

એ ફિલ્મના ગીતકાર જાવેદ અખ્તર જણાવે છે, ''પંચમ એક એવી વ્યક્તિ હતી, જેણે પોતાની જાતને સંગીતના બાદશાહ તરીકે સ્થાપિત કરી હતી.”

“એનો એ તાજ છિનવાઈ પણ ગયો પણ તોય '1942'માં શાનદાર સંગીત આપીને તેમણે સાબિત કરી દીધું કે સંગીતનો શહેનશાહ તો એ જ છે.”

“પણ, અફસોસ કે એ બાદશાહનો જીવ તખ્ત પર ફરીથી બેસે એ પહેલાં જ જતો રહ્યો.''

ગાયક ભૂપિન્દર કહે છે, ''અત્યંત દુઃખની વાત છે કે જે માણસ એક સમયે કેટલાય મિત્રોથી ઘેરાયેલો રહેતો હતો એ પોતાના અંતિમ દિવસોમાં સાવ એકલો પડી ગયો હતો.''

line

બેમિસાલ પંચમ

પંચમદાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આર. ડી.ને નજીકથી જાણનારા લોકો જણાવે છે કે શરૂઆતથી જ પંચમ એક વિલક્ષણ પ્રતિભા હતા. તેમણે પિતા એસ.ડી. બર્મન (સચીનદા)નાં કેટલાંય ગીતો રેકર્ડ કર્યાં પણ તેમણે ક્યારેય ક્રૅડિટ ના લીધી.

આર. ડી. બર્મનનાં પત્ની અને પ્રખ્યાત ગાયિકા આશા ભોસલે જણાવે છે, ''મેં એક વખત પંચમને પૂછ્યું હતું કે તમે ક્રૅડિટ કેમ નથી લેતા. તેઓ બોલ્યા હતા કે પિતાજી માટે જ તો કામ કરી રહ્યો છું. મારું નામ ના પણ આવે તો શું ફેર પડે છે."

આશા ભોસલે એક રસપ્રદ કિસ્સો સંભળાવે છે.

એસ. ડી. બર્મન બીમાર પડ્યા બાદ જ્યારે આર. ડી. બર્મન નિર્માતાઓ પાસે પોતાનું સંગીત લઈને જતા હતા ત્યારે એ નિર્માતાઓ તેમને કહેતા, ''યાર પંચમ, તારા સંગીતમાં એ વાત નથી, જે તારા પિતાના સંગીતમાં હતી. કંઈક બીજું સંભળાવ.''

કંઈક આવું જ શક્તિ સામંતે પણ તેમને કહ્યું હતું. એ વખતે આર. ડી.એ ધીમેથી આશા ભોસલેને કહ્યું હતું. ''જો, હવે કેવી મોજ પડે છે!''

પંચમે એમને કહ્યું, ''મારા પિતાએ એક ધૂન બનાવી છે, જેનો ક્યારેય ઉપયોગ નથી કરાયો. કહો તો એ સંભળાવું.''

ચમે પિતાના નામે ખુદની જ ધૂન સંભળાવી દીધી. ધૂન સાંભળતાં જ શક્તિ સામંત બોલી ઊઠ્યા:

''વાહ-વાહ, શું વાત છે? મેં કહ્યું હતું ને કે તારા પિતાની વાત જ કંઈક જુદી છે.''

શમ્મી કપૂર જણાવે છે, '''ગાઇડ' અને 'આરાધના'નું સંગીત એસ. ડી. બર્મને આપ્યું હતું, પણ 'ગાતા રહે મેરા દિલ...' અને 'કોરા કાગઝ થા યે મન મેરા...' જેવાં ગીતો પંચમે રેકર્ડ કર્યાં હતાં.''

line

ગુલઝારને શું કહ્યું તેમણે?

આર.ડી. બર્મન અને ગુલઝારની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આર. ડી.ના વધુ એક અંગત મિત્ર હતા ગુલઝાર. તેઓ જણાવે છે, ''ફિલ્મ 'ઇજાઝત'નું ગીત 'મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ' જ્યારે હું એમને સંભળાવી રહ્યો હતો તો પંચમને લાગ્યું હું એમને કોઈ સીન સંભળાવી રહ્યો છું.”

“જ્યારે મેં કીધું કે આ ગીત છે તો એમણે નોટબુક મારી તરફ ધકેલતાં કહ્યું, કાલે તું કોઈ ન્યૂઝપેપર લઈને આવીશ અને કહીશ કે ચાલ ગીત બનાવી દે.”

ગુલઝાર જણાવે છે કે આર. ડી. બર્મન ભારે ઉતાવળા માણસ હતા.

સંગીત સર્જતી વખતે તેઓ વ્યાકુળ બની જતા. એ વખતે જો કોઈ તેમને ગરમાગરમ ચા આપે તો એ ઠંડી પડે એની પણ રાહ નહોતા જોતા. ગરમ ચામાં પાણી નાખીને પી લેતા.

જોકે, આટલા ઉતાવળા હોવા છતાં એમના સંગીતમાં એક સ્થિરતા હતી.

આર. ડી. બર્મન માટે કેટલાંય ગીતો ગાનારા અમિત કુમાર જણાવે છે કે એક વખત આર. ડી.એ જાતે જ કહ્યું હતું. ''યાર, મારી પાસે ઢગલો આઇડિયાઝ્ છે પણ કોઈ તેને સમજી જ નથી શક્યું. મેં હજુ સુધી કંઈ જ કર્યું નથી."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો