IND Vs AFG : ધોનીની બૅટિંગથી સચીન નાખુશ, પણ શમીએ શ્રેય આપ્યું

અફઘાનિસ્તાન વિરુદ્ધ શનિવારે ભારત ગમે તેમ કરીને મૅચ જીતી તો ગયું, પરંતુ કૅપ્ટન કોહલી સિવાય બાકીને બધાં જ બૅટ્સમૅન બિલકુલ અસહાય જણાયા.

સાઉથૅમ્પટનની ધીમી પીચ પર અફઘાનિસ્તાનના સ્પિનર્સ સામે રોહિત શર્માથી લઈને ધોની સુધીના ખેલાડી લાચાર લાગ્યા. ધોની અને કેદાર જાધવ પીચ પર લાંબો સમય ટક્યા પણ રન કરી શક્યા નહીં.

ધોનીએ 52 બૉલમાં 28 રન કર્યા તો કેદાર જાધવે 68 બૉલમાં 52 રન કર્યા.

રોહિત શર્મા અને કે. એલ. રાહુલ આઉટ થયા બાદ કૅપ્ટન કોહલીને બાદ કરતાં ભારતના બધાં જ દિગ્ગજ બૅટ્સમૅન અફઘાનિસ્તાનના બૉલર્સ સામે લાચાર જણાયા.

અફઘાનિસ્તાન આ વિશ્વ કપમાં 10 ટીમમાં સૌથી નીચેના સ્થાન પર છે, ત્યારે ભારત શનિવારે સન્માનજનક સ્કોર કરી શક્યું નહીં.

ટીમ ઇન્ડિયાની આ લાચારી પર ભારતના દિગ્ગજ બૅટ્સમૅન સચીન તેંડુલકરે નારાજગી વ્યક્ત કર છે.

સચીને ઇન્ડિયા ટૂડેને કહ્યું કે, ધોની અને કેદાર જાધવની બૅટિંગથી તેઓ નિ:રાશ થયા છે. સચિને કહ્યું કે આ બંને બૅટ્સમૅન અફઘાનિસ્તાનના સ્પિનર્સ પર ક્યારેય હાવી થઈ શકતા નથી.

સચીને કહ્યું, "હું થોડો નિરાશ છું. આથી સારું કરી શક્યા હોત. બંનેની ભાગીદારી બહુ ધીમી હતી."

"ભારતે 34 ઓવરમાં સ્પિન બૉલિંગ પર બૅટિંગ કર્યું અને માત્ર 119 રન કર્યા. રમતી વખતે આપણામાં બિલકુલ આત્મવિશ્વાસ નહોતો. કશું જ હકારાત્મક લાગ્યું નહીં."

સચીને કહ્યું કે 38મી ઓવરમાં વિરાટ કોહલીના આઉટ થયા બાદ 45 ઓવર સુધી જાણે રન થયા જ નહીં.

સચીને કહ્યું, "મધ્યક્રમના બૅટ્સમૅને ટીમને દબાણમાં લાવી દીધી."

છેલ્લી ઓવરમાં મોહમ્મદ શમીએ હૅટ-ટ્રિક વિકેટ લઈને ભારતને જીત અપાવી નહીંતર અફઘાનિસ્તાન બાજીને ઊલટપાલટ કરી નાંખવાની તૈયારીમાં જ હતું.

સચીન ભલે ધોનીની બૅટિંગથી નાખુશ હોય પણ મોહમ્મદ શમીનું કહેવું છે કે તેમને ધોનીએ જ યૉર્કર બૉલ નાખવાની સલાહ આપી હતી. શમીએ કહ્યું કે તેમણે માહી ભાઈ એટલે કે ધોની કહ્યું એવું જ કહ્યું.

આ હૅટ ટ્રિક સાથે જ મોહમ્મદ શમી ચેતન શર્મા બાદ બીજા નંબરના બૉલર બન્યા છે, જેણે વિશ્વ કપમાં હૅટ-ટ્રિક વિકેટ લીધી છે.

ભુવનેશ્વર કુમારની ફિટનેસમાં તકલીફના કારણે શમીને અફઘાનિસ્તાન વિરુદ્ધ રમવાની તક મળી હતી. તેમણે પોતાને બખુબી સાબિત કર્યા.

આ જ મૅચમાં કૅપ્ટન કોહલીને આઈસીસીએ દંડ પણ ફટકાર્યો છે.

કોહલીને એલબીડબલ્યૂની અપીલમાં વધુ આક્રમક થવા બદલ આ સજા કરવામાં આવી છે તેના પર આઈસીસીએ મૅચની 25 ટકા ફીનો દંડ કર્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો