વર્લ્ડ કપ : રોહિત, ધોની જેવા ભારતના ધુરંધર બૅટ્સમૅનો અફઘાનિસ્તાન સામે કેમ નિષ્ફળ ગયા?

    • લેેખક, વાત્સલ્ય રાય
    • પદ, બીબીસી સંવાદદાતા

50 ઓવરમાં 224 રન રન રેટ 4.48

આ છે વર્લ્ડ કપની સાઉથૅમ્પટનમાં રમાયેલી અફઘાનિસ્તાન વિરુદ્ધની મૅચમાં ભારતની ટીમનું પ્રદર્શન.

આંકડાની વાત કરીએ તો વર્ષ 2010 પછી 50 ઓવરની મૅચમાં ભારતનો પહેલા દાવનો આ સૌથી ઓછો સ્કોર છે.

ભારતે વર્લ્ડ કપમાં અત્યાર સુધી એક પણ મૅચ હારી નથી અને અફઘાનિસ્તાન એક પણ મૅચ જીત્યું નથી, ત્યારે ભારતનું આ પ્રદર્શન છે.

ભારતીય બૅટ્સમૅનોએ ઑસ્ટ્રેલિયાની અપેક્ષિત મજબૂત બૉલિંગ સામે 352 અને પાકિસ્તાન સામે 336 રન કર્યા હતા. તેમણે દક્ષિણ આફ્રિકાના બૉલર્સનો પણ વિશ્વાસપૂર્વક સામનો કર્યો હતો.

ભારત અને અફઘાનિસ્તાનના રૅન્કિંગમાં જમીન આસમાનનો તફાવત છે.

અફઘાનિસ્તાનના બૉલર્સને ભારતના બૅટ્સમૅનોએ માથે ચઢી જવાની તક આપી, આ પહેલાંની મૅચમાં ઇંગ્લૅન્ડના બૅટ્સમૅનોએ આજ બૉલર્સ સામે તોતિંગ સ્કોર કર્યો હતો.

માન્ચેસ્ટરમાં રમાયેલી મૅચમાં ઇંગ્લૅન્ડની ટીમે અફઘાનિસ્તાનના બૉલર્સની ઓવરોમાં જોરદાર ફટકાબાજી કરી હતી. 50 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 397 રન કર્યા હતા.

આ દાવમાં કુલ 21 સિક્સ ફટકારી હતી. સ્ટાર સ્પિનર રાશિદ ખાન વિરુદ્ધ નવ ઓવરમાં 110 રન કર્યા હતા.

સ્વાભાવિક છે કે તેનાથી રાશિદ અને તેમના સાથી બૉલર્સની હિંમત તૂટી ગઈ હતી. ભારતે ટૉસ જીતીને બૅટિંગ કરવાનો નિર્ણય આ જ વિચારથી લીધો હશે.

તો પછી ભારતીય બૅટ્સમૅનો આ નિર્ણય અને વિરોધી ટીમના ડગેલા આત્મવિશ્વાસનો ફાયદો કેમ ઉઠાવી શક્યા નહીં?

એ પણ ત્યારે, જ્યારે ભારતની ટીમમાં દુનિયાના નંબર વન બૅટ્સમૅન કૅપ્ટન વિરાટ કોહલી છે.

હિટમૅન કહેવાતા ધુરંધર ઓપનર રોહિત શર્મા છે. દુનિયાના બેસ્ટ ફિનિશર તરીકે જાણીતા મહેન્દ્ર ધોની છે.

કે. એલ. રાહુલ, હાર્દિક પંડ્યા અને કેદાર જાધવની ગણતરી પણ વિરોધી ટીમના બૉલર્સની ધાર બુઠ્ઠી કરનારા બૅટ્સમૅન તરીકે થવા લાગી છે.

પરંતુ મેદાન પર જે નજારો જોવા મળ્યો, તેનાથી સ્પષ્ટ છે કે ભારતીય ટીમના બૅટ્સમૅન રણનીતિના મોરચે થાપ ખાઈ ગયા. તેમણે એક પછી એક ઘણી ભૂલો કરી.

ડિફેન્સિવ વલણ કેમ?

કૅપ્ટન ટૉસ જીત્યા અને બૅટ્સમૅન ધીમી પીચ મુજબ પોતાને ઢાળવામાં નિષ્ફળ રહ્યા. તેઓ જરૂરથી વધુ ડિફેન્સિવ થઈ ગયા.

અફઘાનિસ્તાન વિરુદ્ધ ઇંગ્લૅન્ડની રણનીતિ સ્પષ્ટ હતી. તેઓ આ બૉલર્સને માથે ચઢવાની તક આપવા માગતા નહોતા. આ રણનીતિ સફળ થઈ ગઈ.

જ્યારે લગભગ પાંચ દિવસ પછી મેદાનમાં ઊતરેલી ભારતીય ટીમના બૅટ્સમૅન શરૂઆતથી જ અફઘાનિસ્તાનના બૉલર્સ, ખાસ કરીને સ્પિનર વિરુદ્ધ એ રીતે ડિફેન્સિવ થઈ ગયા કે જાણે બૅટિંગની કોઈ અઘરી પરીક્ષા આપતા હોય.

બૉલિંગના શરૂઆત કરનાર યુવા સ્પિનર મુજીબ ઉર રહેમાને બે ઓવરમાં રોહિત શર્માને ક્રીઝ પર બાંધી રાખ્યા અને ત્રીજી ઓવરમાં તેઓ દબાણમાં વિખેરાઈ ગયા.

વિકેટની કિંમત ન કરી

કૅપ્ટન કોહલી આક્રમક અભિગમ સાથે મેદાનમાં ઊતર્યા હતા, પરંતુ લોકેશ રાહુલે અફઘાનિસ્તાનના બૉલર્સને મૅચમાં પાછા ફરવાની તક આપી દીધી.

કૅપ્ટન કોહલી સાથે અર્ધસદીની ભાગીદારી બાદ તેમણે નબીના બૉલ પર રિવર્સ સ્વીપ કરવાનું જોખમ લીધું અને પોતાની વિકેટ ભેટમાં આપી દીધી.

થોડું રમ્યા બાદ વિજય શંકરે પણ પોતાની વિકેટ આપી દીધી. તેઓ પણ સ્પિનર્સ સામે મુશ્કેલીમાં જણાતા હતા.

ચાર ઓવર બાદ નબીએ ભરોસા સાથે રમી રહેલાં કૅપ્ટન કોહલીને પણ ઝાળમાં ફસાવી દીધા.

ત્યારબાદ તો મૅચમાં અફઘાનિસ્તાનના બૉલર્સ હાવી થઈ ગયા.

બેસ્ટ ફિનિશરને શું થયું?

ભારતીય ટીમના પૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પાસે ઘણી અપેક્ષાઓ હતી. 345 મૅચનો અનુભવ ધરાવતા ધોનીને એવા બૅટ્સમૅન ગણવામાં આવે છે કે તેઓ ટીમની શરૂઆતની ભૂલોની અંતમાં ભરપાઈ કરી શકે છે.

ધોની જે રીતે સેટ થવામાં સમય લઈ રહ્યા હતા તેનાથી લાગતું હતું કે તેઓ યોગ્ય સમય આવ્યે જ ગિયર બદલશે.

જોકે, શનિવારે ધોનીનો જાદુ પણ ફિક્કો રહ્યો. તેઓ અફઘાની સ્પિનર્સને પાછા પાડવામાં નિષ્ફળ રહ્યા.

ધોની વન ડે કારકિર્દીમાં બીજી વખત સ્ટમ્પ આઉટ થયા. આ જ દર્શાવે છે કે તેઓ અફઘાનિસ્તાનની ટીમ સામે કેટલા દબાણમાં હતા.

પ્લાનિંગ કેમ નિષ્ફળ રહ્યું?

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આ ત્રીજી મૅચ હતી. આ પહેલાં બંને ટીમ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એકબીજા સામે આવી હતી. ત્યારે અફઘાનિસ્તાનની ટીમ મૅચ ટાઈ કરવામાં સફળ રહી હતી.

સવાલ એ પણ છે કે શું ભારતીય ટીમે જ્યારે મૅચ માટે રણનીતિ બનાવી ત્યારે તેને ધ્યાનમાં ન રાખ્યું?

કે પછી આ પરિણામને ધ્યાનમાં રાખીને જ ભારતીય ટીમ આટલી ડિફેન્સિવ થઈ ગઈ?

હાલના વર્લ્ડ કપમાં ભારતના બૉલર્સનું પ્રદર્શન ઉમદા રહ્યું છે. છતાં ભારતીય ટીમની તાકાત તો બૅટિંગ જ માનવામાં આવે છે.

ભારત પાસે મૅચની દીશા બદલી શકે તેવા ધુરંધર બૅટ્સમૅનોની આખી હરોળ છે.

તેમાંથી એક પણ બૅટ્સમૅન એવું ન બતાવી શક્યા કે તેઓ ધીમી પીચ પર પણ અફઘાની સ્પિનર્સને હંફાવી શકે છે.

જ્યારે ભારતના મોટા ભાગના બૅટ્સમૅનો આઈપીએલમાં અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાન અને મુજીબ ઉર રહેમાન સામે રમી ચૂક્યા છે.

ઋષભ પંત એવા બૅટ્સમૅન ગણાય છે જે વિરોધી ટીમના બૉલર્સને દબાણમાં રાખી શકે છે તો પછી તેમને કેમ ન અજમાવ્યા?

ઇંગ્લૅન્ડના બૅટ્સમૅનોની જેમ ભારતના કોઈ બૅટ્સમૅને અફઘાનિસ્તાનના બૉલર્સની ધાર બુઠ્ઠી કરવાની કોશિશ પણ કેમ ન કરી?

ભારતના દાવમાં માત્ર એક જ સિક્સ વાગી. જે કેદાર જાધવે મારી. જો ભારતીય બૅટ્સમૅન ડિફેન્સિવ થવાને બદલે આક્રમક અંદાજથી રમ્યા હોત તો શું અનુભવ વિનાની અફઘાનિસ્તાનની ટીમ આ રીતે સફળ થઈ હોત?

તેનો જવાબ ઇંગ્લૅન્ડની ટીમના સ્કોર કાર્ડમાંથી મેળવી શકાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો