You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
NZ vs SA : દક્ષિણ આફ્રિકાની વિશ્વ કપમાં કમનસીબી નથી, ન્યૂઝીલૅન્ડ એક ખતરનાક ટીમ છે
કૅપ્ટન કેન વિલિયમ્સન અને કોલિન ડી ગ્રેન્ડહોમની શાનદાર બૅટિંગની મદદથી ન્યૂઝીલૅન્ડે આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં પોતાની વિજયકૂચ જારી રાખીને બુધવારે સાઉથ આફ્રિકા સામે ચાર વિકેટે રોમાંચક વિજય હાંસલ કર્યો હતો.
આ સાથે વર્તમાન ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં પ્રવેશવાની સાઉથ આફ્રિકાની આશા ઉપર પાણી ફરી ગયું હતું.
સાઉથ આફ્રિકાની કમનસીબી જારી રહી છે કેમ કે છ મૅચમાં આ તેનો ચોથો પરાજય છે. આમ તે બાકીની ત્રણેય મૅચ જીતીને પણ આગળ વધી શકે તેમ નથી.
ન્યૂઝીલૅન્ડ આ વિજય સાથે પોઇન્ટ ટેબલમાં મોખરે આવી ગયું છે.
એજબસ્ટન ખાતે રમાયેલી મૅચમાં ન્યૂઝીલૅન્ડે ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
સાઉથ આફ્રિકાએ 49 ઓવરને અંતે છ વિકેટે 241 રન નોંધાવ્યા હતા. ન્યૂઝીલૅન્ડે 48.3 ઓવરમાં છ વિકેટે 245 રન કર્યા હતા.
કેન વિલિયમ્સને કૅપ્ટનની ઇનિંગ રમીને અણનમ 106 રન કર્યા હતા. તેમણે ગ્રેન્ડહોમ સાથે છઠ્ઠી વિકેટ માટે 91 રનની ભાગીદારી નોંધાવીને ટીમનો વિજય નિશ્ચિત કરી દીધો હતો.
ગ્રેન્ડહોમે 47 બૉલમાં બે સિક્સર સાથે 60 રન ફટકાર્યા હતા જ્યારે વિલિયમ્સને 138 બૉલમાં 106 રન કર્યા હતા જેમાં એક સિક્સર અને નવ બાઉન્ડરીનો સમાવેશ થતો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્લ્ડ કપમાં અત્યાર સુધી અજેય રહેલી ન્યૂઝીલેન્ડની ટીમે અગાઉ બૉલિંગમાં કમાલ કરીને સાઉથ આફ્રિકાને માત્ર 241 રનના સ્કોરે અટકાવી દીધું હતું.
વરસાદને કારણે મોડેથી શરૂ થયેલી મેચ 50ને બદલે 49-49 ઓવરની કરી દેવાઈ હતી.
ધીમી બૅટિંગ સામે ઘાતક બૉલિંગ
સાઉથ આફ્રિકન ઓપનર ક્વિન્ટન ડી કોક સસ્તામાં આઉટ થઈ ગયા બાદ સાઉથ આફ્રિકાએ ધીમી બૅટિંગ કરી હતી.
હશીમ અમલાએ તેમના 55 રન માટે 83 બૉલ બૅટિંગ કરી હતી જ્યારે કૅપ્ટન ફાફ ડુ પ્લેસિસે 23 રન માટે 35 બોલ રમ્યા હતા.
આવી જ રીતે માર્કરામે પણ ધીમી બૅટિંગ કરીને 69.09ના સ્ટ્રાઇક રેટથી 38 રન નોંધાવ્યા હતા 55 બોલની ઇનિંગ્સમાં તેમણે ચાર બાઉન્ડરી ફટકારી હતી.
મંગળવારે ઇંગ્લૅન્ડે અને ખાસ કરીને ઓઇન મોર્ગને જે ઝંઝાવાતી બૅટિંગ કરી હતી તેની સરખામણીએ સાઉથ આફ્રિકન બૅટિંગ ઘણી ધીમી હતી.
જોકે, આ માટે ન્યૂઝીલૅન્ડના બોલર્સ અને એજબસ્ટનની વરસાદથી પ્રભાવિત પીચ પણ કારણભૂત હતી.
સાઉથ આફ્રિકન ટીમનો રનરેટ વધારવામાં વાન ડર ડુસેન અને ડેવિડ મિલરે મહત્વનું યોગદાન આપ્યું હતું. બંનેએ 12.2 ઓવરમાં 72 રનની ભાગીદારી નોંધાવી હતી.
ડુસેને આક્રમક વલણ અપનાવીને 64 બોલમાં ત્રણ સિક્સર સાથે 67 રન ફટકાર્યા હતા જ્યારે મિલરે 36 બોલમાં 37 રન ફટકાર્યા હતા.
ન્યૂઝીલેન્ડ માટે ફર્ગ્યુસને ત્રણ વિકેટ ખેરવી હતી તો બોલ્ટ, ગ્રેન્ડહોમ અને મિચેલ સેન્ટનરે એક એક વિકેટ લીધી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો