જ્યારે એક સ્પર્મ ડોનરે મેળવ્યો પિતા હોવાનો અધિકાર, ઑસ્ટ્રેલિયાની અજબ કહાણી

ઑસ્ટ્રેલિયાની અદાલતે એક ઐતિહાસિક ચુકાદામાં સ્પર્મ ડોનરને બાળકના કાયદેસરના પિતા જાહેર કર્યા છે. આ કેસ તેની શરૂઆતથી અદાલતના ચુકાદા સુધી અનેકવિધ કારણોસર ખૂબ ચર્ચામાં રહ્યો છે.

ઑસ્ટ્રેલિયાની હાઈકોર્ટે રૉબર્ટને(નામ બદલેલું છે) 11 વર્ષીય બાળકીના કાયદેસરના પિતા જાહેર કર્યા છે. આ બાળકી 2006માં રૉબર્ટે તેમનાં મિત્રને કરેલા સ્પર્મ ડોનેશન થકી જન્મી હતી.

બાળકના કાયદેસરનાં માતાપિતા કોણ તે વિશે બંધારણીય ચર્ચાનો મુદ્દો બનેલા આ કેસમાં અદાલતે કહ્યું કે, માતાપિતા કોણ છે તેનો એકમાત્ર આધાર શારીરિક ન હોઈ શકે.

અદાલતે એમ પણ કહ્યું કે વીર્યનું દાન કરનાર વ્યકિત બાળકીના જીવન સાથે જોડાયેલી છે અને એથી એ રીતે તે એનો કાયદેસરનો પિતા ગણાય.

અદાલતે રૉબર્ટની તરફેણમાં ચુકાદો આપી બાળકીના સજાતિય માતાપિતાને ઑસ્ટ્રેલિયા છોડી ન્યૂઝીલૅન્ડમાં સ્થાયી થવા પર રોક લગાવી દીધી છે.

લૅસ્બિયન કપલ અને મિત્રની કહાણી

સુઝાન અને માર્ગારેટ બંને ઑસ્ટ્રેલિયામાં રહે છે અને બંને લૅસ્બિયન કપલ છે.

આ કપલ બાળક ઇચ્છતું હતું. બાળકની ઝંખના પૂરી કરવા માટે એમણે એમના મિત્ર રૉબર્ટનો સહારો લીધો.

પોતે બાળકના જીવનનો હિસ્સો બનશે એમ માનીને રૉબર્ટે સ્પર્મ ડોનેટ કર્યું. 2006માં બાળકીનો જન્મ થયો.

આ બાળકીના જન્મ પછી આ લૅસ્બિયન કપલે રૉબર્ટ સિવાયની વ્યકિતના સ્પર્મથી અન્ય એક બાળકને પણ જન્મ આપ્યો.

આ દરમિયાન રૉબર્ટ અને લૅસ્બિયન કપલ વચ્ચે મિત્રતાપૂર્ણ પારિવારિક સંબંધો હતા.

જોકે, જ્યારે લૅસ્બિયન કપલ, સુઝાન અને માર્ગારેટે ઑસ્ટ્રેલિયા છોડી ન્યૂઝીલૅન્ડમાં સ્થાયી થવાનો નિર્ણય લીધો ત્યારે રૉબર્ટે આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો.

બાળકી પોતાનાથી દૂર ન્યૂઝીલૅન્ડમાં જતી રહે તે વાત રૉબર્ટને પસંદ ન આવી અને બાળકી પોતાની નજર સામે ઑસ્ટ્રેલિયામાં જ રહે તે માટે રૉબર્ટ અદાલતમાં પહોંચ્યા.

શું થયું અદાલતમાં?

આ કેસ સૌપ્રથમ ઑસ્ટ્રેલિયાની ફેમિલી કોર્ટમાં ચાલ્યો. અદાલતમાં રજૂ થયેલા પુરાવાઓમાં એ વાત સામે આવી કે રૉબર્ટ પોતાના સ્પર્મથી જન્મેલી બાળકીના જીવનનો હિસ્સો છે.

એટલું જ નહીં એ વાત પણ સામે આવી કે જે તેમના સ્પર્મથી જન્મેલી અન્ય બાળકી સાથે પણ એનો વ્યવહાર પિતા-પુત્રી તરીકેનો છે.

અદાલતમાં રૉબર્ટના વકીલે કહ્યું કે બંને બાળકીઓ એને ડેડી કહીને બોલાવે છે. અલબત્ત, કાગળ પર તે ફકત એક જ બાળકીનો શારીરિક પિતા છે.

ફેમિલી કોર્ટે રૉબર્ટની તરફેણમાં ચુકાદો આપ્યો.

અદાલતે લૅસ્બિયન કપલને બાળકીના કાયદેસરના માતાપિતા તરીકેની જવાબદારી આપી પરંતુ સાથે એ પણ કહ્યું કે બાળકીઓના ભવિષ્યને લગતા લાંબાગાળાના કોઈપણ નિર્ણય લેતા અગાઉ તેમણે રૉબર્ટને વિશ્વાસમાં લેવા પડશે.

અદાલતે એ સ્વીકાર્યું કે રૉબર્ટે પોતે બાળકીના જીવનનો હિસ્સો બનશે એમ માનીને સ્પર્મ ડોનેટ કર્યું હતું.

આ ચુકાદની સામે લૅસ્બિયન કપલે અપીલ કરીને અને જીતી ગયા.

જોકે આની સામે રૉબર્ટે હાઈકોર્ટમાં અપીલ કરી અને હાઈકોર્ટે ફેમિલી કોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો.

હાઈકોર્ટે કહ્યું કે બાળકો લૅસ્બિયન કપલ સુઝાન અને માર્ગારેટ સાથે ઑસ્ટ્રેલિયામાં રહેશે જેથી તેઓ રૉબર્ટ સાથે સમય વીતાવી શકે.

આ કેસમાં બાળકીના માતાપિતાની મુખ્ય દલીલ હતી કે રૉબર્ટે સ્પર્મ ડોનેટ કર્યું છે અને ન્યૂ સાઉથ વેલ્સના કાયદા મુજબ એ કાયદેસરનો પિતા નથી.

આની સામે રૉબર્ટની દલીલ હતી કે કોમનવેલ્થ કાયદા મુજબ તેઓ પિતા છે.

આમ અદાલતમાં આ મામલો સ્પર્મ ડોનેશન અને કૃત્રિમ ગર્ભધારણને લગતા કાયદા વચ્ચેના ખટરાગનો બન્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો