વર્લ્ડ કપ 2019ની સૌથી નબળી ટીમ અફઘાનિસ્તાન સામે કોહલી કેવી ટીમ ઉતારશે?

    • લેેખક, તુષાર ત્રિવેદી
    • પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

ભારતની સ્ટાર અને મજબૂત ફૉર્મ ધરાવતી ટીમના ખેલાડીઓ શનિવારે અફઘાનિસ્તાન સામે રમશે ત્યારે આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં વધુ એક મૅચ એકતરફી બની જવાની સંભાવના છે.

આ મૅચમાં ભારત પાસેથી ઘણા નવા રેકૉર્ડ સર્જાય તેવી પણ આશા રાખવામાં આવી રહી છે.

એક તરફ ભારત વર્લ્ડ કપ જીતવા માટે ફેવરિટ મનાય છે તો બીજી તરફ અફઘાનિસ્તાનની ટીમ પૉઇન્ટ ટેબલમાં છેલ્લા ક્રમે છે અને સમિફાઇનલની હોડમાંથી ક્યારનું બહાર થઈ ગયું છે.

અફઘાનિસ્તાને કેટલીક મૅચમાં દમદાર દેખાવ કર્યો હતો પરંતુ એકેય મૅચમાં તે જીતવાની સ્થિતિમાં આવી શક્યું ન હતું.

તેની પાસેથી લડાયક રમતની અપેક્ષા રખાતી હતી પરંતુ પાંચ મૅચ રમાયા બાદ હવે આ ટીમ પર ટી-20ની ટીમ હોવાનો સિક્કો લાગી ગયો છે.

ભારત માટે આ મૅચ એક સુનિયોજિત નેટ પ્રેક્ટિસ સમાન બની રહેશે પરંતુ તેના દ્વારા વિરાટ કોહલીની ટીમ સેમિફાઇનલના માર્ગે આસાનીથી આગેકૂચ કરી લેશે અને સાથે સાથે પોતાની નેટ રનરેટ પણ વધુ બહેતર બનાવશે તેમાં શંકા નથી.

અફઘાનિસ્તાનની ટીમ ટુર્નામેન્ટના પ્રારંભે અન્યની સરખામણીએ નબળી હતી પરંતુ જેમ જેમ આગળ ધપતી ગઈ તેમ તે કંગાળ બનતી ગઈ છે.

તેની આ હાલત માત્ર મેદાનના પરફૉર્મન્સને કારણે નહીં પરંતુ મેદાન બહારના કેટલાક વિવાદાસ્પદ નિર્ણયને લીધે પણ થઈ છે.

ઇન્ટરનેશનલમાં નવી સવી ટીમ આંતરિક વિવાદમાં અન્ય ટીમોની લગોલગ આવી ગઈ છે.

ઓપનર મોહમ્મદ શહેજાદને અનફિટ જાહેર કરીને વતન પરત મોકલી દેવાની બાબતે પણ વિવાદ જગાવ્યો છે. આ સાથે ટીમમાં આક્ષેપબાજી પણ શરૂ થઈ ગઈ છે.

બીજી તરફ ભારતીય ટીમ શાનદાર દેખાવ કરી રહી છે. વિરાટ કોહલીની ટીમે સાઉથ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાન જેવી મજબૂત ટીમોને હરાવી છે.

એટલું જ નહીં પરંતુ તમામ મૅચ એકતરફી બની રહી હતી જેમાં ભારતે તેના હરીફને જીતવાની તક પણ આપી ન હતી.

આ પ્રકારના વર્ચસ્વમાં ટીમના ત્રણ ખેલાડી શિખર ધવન, ભુવનેશ્વર કુમાર અને વિજય શંકરની ઇજાની પણ ખાસ અસર પડી નથી.

જોકે, ભારતે હવે ફૉર્મ નહીં પરંતુ ખેલાડીઓની ઇજા પર ધ્યાન રાખવાનું છે. ધવન તો ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે જ્યારે ભુવનેશ્વર કુમાર અફઘાનિસ્તાન સામે રમી શકે તેમ નથી.

આ જ રીતે વિજય શંકર અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. આ સંજોગોમાં શનિવારની મૅચમાં રિષભ પંતને તક મળે તેવી શક્યતા વધી ગઈ છે.

પંતને ટીમમાં સામેલ કરાશે તો મિડલ ઑર્ડર વધુ મજબૂત બની શકે તેમ છે કેમ કે લોકેશ રાહુલે પાકિસ્તાન સામે અને ખાસ કરીને વેગીલા મોહમ્મદ આમિર સામે રમીને ભારતને જે રીતે પ્રારંભ અપાવ્યો હતો તે જોતાં ભારત ઓપનિંગ જોડીમાં ફેરફાર કરવાનું જોખમ નહીં લે.

મિડલ ઓર્ડરમાં પણ શંકરને સ્થાને પંતને સામેલ કરવાનું જોખમ લઈ શકાય તેમ ન હતું પરંતુ હવે શંકર ઇજાગ્રસ્ત છે તો તેને એકાદ મૅચમાં આરામ આપીને રિષભ પંતનો વિકલ્પ અજમાવી શકાશે.

બૉલિંગમાં કુમારને સ્થાને મોહમ્મદ શમી આવી શકે અથવા તો સ્પિન આક્રમણ મજબૂત કરવા માટે કુલદીપ યાદવ અને યુઝવેન્દ્રસિંહ ચહલની સાથે રવીન્દ્ર જાડેજાને પણ અજમાવી શકાય. ટૂંકમાં ભારત આ મૅચમાં અખતરા કરવાનું જોખમ લઈ શકે તેમ છે.

બૅટિંગમાં રોહિત શર્મા પાસેથી આ વખતે બેવડી સદીની પણ આશા રાખી શકાય કેમ કે અફઘાન બૉલર્સ બૉલિંગમાં ખાસ કાંઈ કરી શક્યા નથી અને તેમનો આધારભૂત બૉલર રશીદ ખાન અત્યંત કંગાળ ફૉર્મમાં ચાલી રહ્યો છે.

જેણે અગાઉની મૅચમાં નવ ઓવરમાં 100થી વધુ રન આપી દીધા હતા.

ભારત અને અફઘાન વચ્ચે માત્ર બે જ વન-ડે રમાઈ છે

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે શનિવારે વર્લ્ડ કપની વન-ડે ક્રિકેટ મૅચ રમાશે. અફઘાનિસ્તાને હજી થોડાં વર્ષ અગાઉ જ વન-ડેમાં પદાર્પણ કર્યું હતું.

આમ ભારત સાથે અફઘાનિસ્તાન માત્ર બે જ વન-ડે રમ્યું છે. છેક 2014ના માર્ચ મહિનામાં બંને વચ્ચે પ્રથમ વન-ડે રમાઈ હતી અને ત્યારબાદ ઑગસ્ટ 2018માં ટેસ્ટ દરજ્જો હાંસલ કર્યા બાદ અફઘાનિસ્તાનની ટીમ એશિયા કપમાં ભારત સામે ટકરાઈ હતી.

જોકે, બંને દેશ એકબીજાની ધરતી પર હજી વન-ડે રમ્યા નથી. 2014માં બાંગ્લાદેશના મિરપુર ખાતે એશિયા કપમાં બંને સામસામે ટકરાયા ત્યારે નિયમિત સુકાની મહેન્દ્રસિંહ ધોનીને સ્થાને વિરાટ કોહલીને કૅપ્ટન્સી સોંપાઈ હતી અને ભારતનો આઠ વિકેટે વિજય થયો હતો.

શિખર ધવન અને અજિંક્ય રહાણેએ અડધી સદી ફટકારતાં ભારતે માત્ર બે વિકેટ ગુમાવીને 160 રનનો ટાર્ગેટ વટાવી દીધો હતો.

એશિયા કપમાં જ સપ્ટેમ્બર 2018માં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો થયો હતો. આ વખતે મૅચ દૂબઈમાં રમાઈ હતી જે ટાઈ પડી હતી.

આ વખતે કોહલીની ગેરહાજરી હતી અને ધોનીએ આગેવાની લીધી હતી. અફઘાનિસ્તાને 252 રનનો સ્કોર કર્યો હતો.

લોકેશ રાહુલ અને અંબાતી રાયડુએ અડધી સદી ફટકારી હતી પરંતુ 50મી ઓવરના પાંચમા બૉલે રશીદ ખાને ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને આઉટ કરીને ભારતને વિજય માટેનો રન લેવા દીધો ન હતો. આમ મૅચ ટાઈમાં પરિણમી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો