ઇજિપ્તના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ મોરસીનું નિધન, કોર્ટમાં જ નીચે પડી ગયા

ઇજિપ્તના સરકારી ટેલિવિઝન અનુસાર દેશના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ મોરસીનું કોર્ટના પરિસરમાં જ નિધન થયું છે.

વર્ષ 2013માં સૈન્યએ તખતો પલટ કર્યા બાદ તેમને સત્તામાંથી બેદખલ કરી દીધા હતા.

સમાચારો અનુસાર કોર્ટની કાર્યવાહી બાદ તેઓ બેહોશ થઈ ગયા હતા અને બાદમાં તેમનું નિધન થઈ ગયું.

તેઓ 67 વર્ષના હતા. મોરસી પર જાસૂસીના આરોપ લાગ્યા હતા.

તેમના કાર્યકાળના એક વર્ષ બાદ જનઆંદોલનો શરૂ થયાં હતાં, જે બાદ તેમની અટકાયત કરાઈ હતી.

અટકાયત કરાયા બાદ અધિકારીઓએ મોરસી અને 'મુસ્લિમ બ્રધરહુડ'ના સમર્થકો વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું હતું.

મોરસી વિરુદ્ધ દેશની રાજધાની કૈરોમાં કાર્યવાહી ચાલી રહી હતી.

તેમના વિરુદ્ધ પેલેસ્ટાઇનના ઇસ્લામિક સંગઠન 'હમાસ' સંબંધિત સંપર્કો સાથે જાસૂસી કરવાનો આરોપ હતો.

ભારતની વસતિ આવતાં આઠ વર્ષમાં ચીનથી વધી જશે

આગામી આઠ વર્ષમાં ભારત વિશ્વનો સૌથી વધુ વસતિ ધરાવતો દેશ બની જશે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના જણાવ્યા અનુસાર સંયુક્ત રાષ્ટ્રના નવા અહેવાલમાં અંદાજ લગાવાયો છે કે વર્ષ 2050 સુધીમાં ભારતમાં બીજા 273 મિલિયન (27.3 કરોડ) લોકોનો ઉમેરો થશે.

આ સાથે જ ભારત સદીના અંત સુધી વિશ્વનો સૌથી વધુ વસતિ ધરાવતો દેશ બની જશે એવો અંદાજ પણ અહેવાલમાં લગાવાયો છે.

અહેવાલમાં જણાવાયું છે કે વર્ષ 2019માં ભારતની અંદાજિત વસતિ 137 કરોડ છે, જ્યારે ચીનની 143 કરોડ છે.

આ અહેવાલમાં એવું પણ જણાવ્યું છે કે 2050 સુધીમાં વિશ્વની વસતિમાં બીજા 200 કરોડ લોકો ઉમેરાશે.

મમતાને મળ્યા બાદ ડૉક્ટરોની હડતાળનો અંત

મુખ્ય મંત્રી મમતા બેનરજી સાથેની મુલાકતા બાદ પશ્ચિમ બંગાળમાં ડૉક્ટરોએ ગત સપ્તાહથી ચાલી રહેલી હડતાળ પરત લઈ લીધી છે.

મુલાકાત બાદ રાજ્યની તમામ સરકારી હૉસ્પિટલોમાં 'ફરિયાદ નિવારણ કક્ષ' બનાવવા અને સુરક્ષા વધારવા સહમતી સધાઈ છે.

ડૉક્ટરો તરફથી એક પ્રતિનિધિમંડળ સોમવારે મુખ્ય મંત્રીને સચિવાલયમાં મળ્યું હતું. મુખ્ય મંત્રીઓએ ડૉક્ટરોનો પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો.

મમતાએ પ્રદર્શનકારીઓની લાઇવ સ્ટ્રીમિંગની માગ પણ સ્વીકારી લીધી હતી, જે બાદ બે સ્થાનિક ચેનલોને કરવેજની જવાબદારી સોંપવામાં આવી હતી.

મમતાએ પ્રદર્શનકારીઓને તમામ સમસ્યાઓ અને માગોને ધ્યાનથી સાંભળી અને કેટલાય મામલે સંબંધિત અધિકારીઓને એ જ વખતે નિર્દેશ આપ્યા હતા.

આ ઉપરાંત તેમણે ડૉક્ટરોને તુરંત કામ પર પરત ફરવા પણ ભલામણ કરી હતી.

'વાયુ'ને પગલે સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે વરસાદની આગાહી

ગુજરાતના દરિયાકિનારા નજીકથી પસાર થયેલું વાયુ વાવાઝોડુ હવે 'ડિપ્રેશન'માં ફેરવાતા કચ્છ અને સૌરાષ્ટ્રને ભીંજવશે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે કચ્છ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં આજે વરસાદ પડશે.

સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ રાજસ્થાનમાં પણ વાયુને કારણે વરસાદ પડવાની શક્યતા છે.

વાયુ કચ્છ પર ત્રાટક્યા બાદ સૌરાષ્ટ્ર અને કચ્છ તથા રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

હાલ આ વાવાઝોડું અરબ સાગરમાં છે અને તે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની પાસેથી થઈને ઓમાન તરફ વળ્યું હતું પરંતુ ત્યારબાદ ફરી કચ્છ તરફ ફંટાયું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો