You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિશ્વ કપ 2019 : સૌથી શ્રેષ્ઠ બૅટ્સમૅન કોણ? સ્ટીવન સ્મિથ કે વિરાટ કોહલી
- લેેખક, સિવાકુમાર ઉલગનાથન
- પદ, ઓવલથી બીબીસી તમિલ સંવાદદાતા
ઓવલમાં શનિવારના રોજ (સ્થાનિક સમય મુજબ) વરસાદ પડ્યો નહીં અને તેના કારણે ભારતીય પ્રશંસકોમાં ઉત્સાહનો માહોલ હશે. શુક્રવારના રોજ અહીં વરસાદ પડ્યો હતો, પરંતુ શનિવારના રોજ આખા દિવસ સુધી તડકો હતો.
લંડન ઓવલ સ્ટેડિયમમાં શનિવારના રોજ ભારતીય ટીમના અભ્યાસ દરમિયાન સમર્થકોની સારી એવી સંખ્યા હાજર હતી, જેઓ ભારતીય ખેલાડીઓના ઑટોગ્રાફ લેવા માગતા હતા અથવા તો તેમની તસવીરો લઈ રહ્યા હતા.
ઓવલ સ્ટેડિયમના મુખ્ય ગેટ પાસે હાજર નારાયણે અમને જણાવ્યું કે તેમને ધોનીની ઝલક જોવી છે, જો નસીબ સારા રહ્યા તો તેઓ ઑટોગ્રાફ પણ લેશે.
સ્ટેડિયમમાં જ્યારે ભારતીય ટીમની બસ પહોંચી તો પ્રશંસકોએ ટીમને ચીયર કરી. રોહિત શર્મા, મહેન્દ્રસિંહ ધોની, ભુવનેશ્વર કુમાર, શિખર ધવન અને અન્ય ખેલાડી જ્યારે બસમાંથી બહાર નીકળ્યા તો લોકોની ભીડે બૂમો પાડીને તેમનું સ્વાગત કર્યું.
એક પ્રશંસકે પૂછ્યું, "કોહલી કેમ ન આવ્યા?"
ત્યારે બીજાએ જવાબ આપ્યો, "તેઓ શુક્રવારે આવ્યા હતા. સાઉથૅમ્પ્ટનમાં પણ આવી પૅટર્ન જોવા મળી હતી."
આ લોકો પાસે દરેક સવાલનો જવાબ છે.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું ફિંચ કોહલીને ચીડવવા માગે છે?
બીજી તરફ ઍરોન ફિંચે દાવો કર્યો છે કે સ્ટીવન સ્મિથ, ત્રણેય ફૉર્મેટમાં દુનિયાના સૌથી શ્રેષ્ઠ બૅટ્સમૅન છે.
ઓવલમાં આયોજિત પ્રેસ-કૉન્ફરન્સમાં ફિંચે દાવો કર્યો છે કે ભારત વિરુદ્ધ મૅચ દરમિયાન સ્મિથ અને ધમાકેદાર બૅટ્સમૅન વૉર્નરનું ટીમમાં પરત ફરવું ટીમ માટે બિગ પ્લસ છે.
જોકે, ભારતીય સમર્થકો આ વાત સાથે સહમત નથી.
નૉટિંઘમના ક્રિકેટ ફેન અજય જણાવે છે, "ફિંચ સ્મિથને દુનિયાના સૌથી શ્રેષ્ઠ બૅટ્સમૅન કેવી રીતે કહી શકે?"
"વન ડે અને ટી-20માં સ્મિથ કરતાં સારો રેકર્ડ તો કોહલીના નામે છે. ફિંચ ભારતીય ટીમ અને કૅપ્ટનને ચીડવવા માગે છે. તેમની આ તરકીબથી કોઈ ફાયદો થવાનો નથી."
સૌરવ ભટ્ટાચાર્ય જણાવે છે, "ઓવલમાં ફિંચને વિરાટ કોહલી બૅટથી જવાબ આપશે. કોહલી મોટો સ્કોર બનાવશે. તેઓ પહેલાં પણ આવું કરી ચૂક્યા છે અને રવિવારે પણ આવું જ કરશે."
ફિંચના આ નિવેદન પર પ્રેસ-કૉન્ફરન્સ દરમિયાન જ્યારે રોહિત શર્માને પૂછવામાં આવ્યું તો તેમણે તેને વધારે મહત્ત્વ ન આપતા કહ્યું કે તેમનું ધ્યાન આગામી મૅચ પર છે.
રોહિત શર્માએ કહ્યું કે આ ટુર્નામેન્ટમાં ઇંગ્લૅન્ડની સ્થિતિઓનો ફાયદો ઉઠાવીને ઘણી મૅચ જીતી છે. તો અમારું ધ્યાન પણ તેના પર છે.
તેમણે એમ પણ કહ્યું કે ભારત અને ઑસ્ટ્રેલિયાની ટીમ એકબીજા વિરુદ્ધ સિરીઝ જીતી ચૂક્યા છે. એ જોતા મૅચના દિવસે જે સારું રમશે પરિણામ તેના પક્ષમાં આવશે.
જૂની મૅચની યાદ તાજી હશે
ભારતીય ટીમ જ્યારે ઑસ્ટ્રેલિયાની સામે હશે ત્યારે બન્ને ટીમો વચ્ચે વર્લ્ડ કપના મૅચની યાદો પણ લોકોની સામે હશે.
ભારત 2015ની સેમિફાઇનલમાં મળેલી હારને ભૂલ્યું નહીં હોય, ત્યાં જ ઑસ્ટ્રેલિયા 2011ના ક્વાર્ટર ફાઇનલની કડવી યાદોને ભૂલ્યું નહીં હોય.
2003ની વર્લ્ડ કપ સેમિફાઇનલ મૅચ એક રીતે 2015ના સેમિફાઇનલ મૅચ જેવી જ હતી. ઑસ્ટ્રેલિયાએ પહેલા બૅટિંગ કરતા સારો સ્કોર બનાવ્યો હતો અને ભારત એ સ્કોરને ચેઝ કરી શક્યું નહોતું.
1999માં બન્ને દેશો વચ્ચે સુપર સિક્સની મૅચ રમાઈ હતી, જેમાં ઑસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા 282 રન બનાવ્યા હતા.
ભારતીય ટીમમાં સચીન તેંડુલકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ અને મોહમ્મદ અઝહરુદ્દીન જેવા બૅટ્સમૅન હતા, પરંતુ આ તેઓ બધા ગ્લેન મેક્ગ્રાની સામે ટકી શક્યા નહોતા.
આ બધી મૅચમાં ટોચના ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન કે પછી બૉલરે સારું પ્રદર્શન કરી પોતાની ટીમને જીત અપાવી હતી.
2003ની ફાઇનલમાં આ કામ રિકી પૉન્ટિંગ અને ડેમિયન માર્ટિને કર્યું હતું. તો 1999માં આ કરિશ્મા માર્ક વૉ અને ગ્લેન મેક્ગ્રાએ કરી બતાવ્યો હતો.
કેટલો રોચક મુકાબલો
ઑસ્ટ્રેલિયન ટીમના ટોચના ખેલાડીઓ મહત્ત્વની મૅચમાં શાનદાર પ્રદર્શન કરવા માટે જાણીતા છે. તેવામાં મોટો સવાલ એ જ છે કે આ કામ 2019ની મૅચમાં કોણ કરી બતાવશે?
ડેવિડ વૉર્નર અને સ્ટીવન સ્મિથના પરત ફરવા સિવાય ગત મૅચમાં મિચેલ સ્ટાર્કની પાંચ વિકેટે ભારતીયોમાં ચિંતા ઊભી કરી છે.
આ તરફ ભારતીય બૉલર ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅનની સામે પોતાની તેજ ગતિને યથાવત્ રાખવા માગશે.
રવિવારના રોજ મેદાનમાં સારું હવામાન રહેવાની આશા છે. ભારત અને ઑસ્ટ્રેલિયન ટીમ, બૅટિંગ, બૉલિંગ અને ઑલરાઉન્ડર ક્ષમતામાં સમાન છે.
પરંતુ મેદાનમાં ભારતીય સમર્થકો ઑસ્ટ્રેલિયન સમર્થકો કરતાં વધારે હશે.
શનિવારના રોજ તિરંગાની સાથે ઇન્ડિયા, ઇન્ડિયા, ઇન્ડિયાના નારા પોકારતા ભારતીય પ્રશંસકોને જોઈને રવિવારના રોજ જે નજારો જોવા મળશે તે અંગે અનુમાન લગાવવું પણ અઘરું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો