આર્કટિકમાં બરફ પીગળવાની વિશ્વને ફિકર પણ અમેરિકા કહે છે એ તો સારી વાત

ફોટો

ઇમેજ સ્રોત, Getty Images

જળવાયુ પરિવર્તન પર અમેરિકાના વાંધાના કારણે ફિનલૅન્ડમાં ચાલી રહેલાં આર્કટિક સંમેલન સામે મુશ્કેલ સ્થિતિ સર્જાઈ છે.

સંમેલનમા હાજર આર્કટિક દેશના પ્રતિનિધિ અનુસાર તમામ આર્કટિક દેશ બેઠક બાદ એક સંયુક્ત નિવેદન જાહેર કરવા માગતા હતા પરંતુ અમેરિકાના વાંધાને પગલે તેઓ આવું ન કરી શક્યા.

વર્ષ 1996માં બનેલી આર્કટિક સમિતિમાં આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે તેમણે નિવેદન આપવાનો ઇન્કાર કરી દીધો.

આંતરરાષ્ટ્રીય સ્તર પર આ ચિંતા જાહેર કરવામાં આવી રહી છે કે જળવાયુ પરિવર્તનના કારણે આર્કટિક ક્ષેત્રનું તાપમાન અન્ય જગ્યાઓની સરખામણીએ બમણી ઝડપથી વધી રહ્યું છે.

ઉત્તર ફિનલૅન્ડના રોવાનિમીમાં આયોજિત આ સંમેલનમાં સોમવારે અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ ભાષણ આપ્યું હતું.

પોતાના ભાષણમાં પોમ્પિયોએ આર્કટિક સમુદ્રમાં બરફ પીગળવાની ચિંતા જાહેર કરવાની જગ્યાએ તેને સારું અને સ્વાગતયોગ્ય સંકેત જણાવ્યો.

તેમણે કહ્યું, ''બરફ પીગળવાથી વ્યાપાર કરવા માટે નવા રસ્તાઓ ખુલશે. જેનાથી પશ્ચિમનાં દેશો અને એશિયા વચ્ચે સમુદ્ર યાત્રા સરળ બનશે અને વધારેમાં વધારે 20 દિવસમાં એક કિનારાથી અન્ય કિનારા સુધી પહોંચી શકાશે.''

પોમ્પિયોએ વધુમાં જણાવ્યું કે આર્કટિક સમુદ્ર પર બનનારા આ વ્યાપારિક માર્ગ 21મી સદીના સુએજ અને પનામા કેનલ બની શકે છે.

વધુમાં તેમણે મંગળવારે જર્મનનાં ચાંસેલર એન્જેલા મર્કેલ સાથે યોજાનારી પોતાની મુલાકાત પણ રદ કરી.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન
line

પર્યાવરણનો પડકાર

ફોટો

ઇમેજ સ્રોત, Google

તમામ વૈજ્ઞાનિકો અને પર્યાવરણવિદો આર્કટિકમાં બરફ પીગળવાની વાત પર ચેતવણી આપી રહ્યાં છે. બરફ પીગળવાના કારણે ત્યાં રહેતા સમુદ્રી જીવો માટે મુશ્કેલી સર્જાઈ રહી છે અને જળ સ્તરમાં પણ વધારો થઈ રહ્યો છે. સમુદ્ર નજીકનાં વિસ્તારોની પાણીમાં ડૂબવાની સંભાવનાઓ પણ વધી રહી છે.

આ સાથે જો આર્કટિકમાં અવરજવર વધી જશે તો પ્રદૂષણ પણ વધશે અને તેની ખરાબ અસર ત્યાંના પ્રાણીઓ પર પડશે.

આર્કટિક કાઉન્સિલમાં અમેરિકા, કેનેડા, રશિયા, ફિનલૅન્ડ, નૉર્વે, ડેનમાર્ક, સ્વીડન અને આઇસલૅન્ડ સામેલ છે. આ તમામ દેશો દર બીજા વર્ષે સંમેલન કરી આર્થિક અને પર્યાવરણ સંબંધિત પડાકારો પર ચર્ચા કરે છે.

સમાચાર એજન્સી રૉયટર્સે સૂત્રોના આધારે જણાવ્યું હતું કે અમેરિકાએ આ સંમેલનના સંયુક્ત નિવેદનને એટલા માટે રોક્યું કેમ કે તેમાં જળવાયુ પરિવર્તનના કારણે આર્કટિકને ખૂબ જ વધારે નુકસાન પહોંચવાની બાબત વિશે જાણ કરવાની હતી.

વર્ષ 2017માં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પેરિસ જળવાયુ સમજૂતીથી અમેરિકાને અલગ કરી દીધું હતું.

આર્કટિક સંમેલનમાં પોમ્પિયોએ ચીન અને રશિયા પર આકરું વલણ અપનાવતા આરોપ લગાવ્યો કે આ બંને દેશ આર્કટિક ક્ષેત્રમાં સતત ઘુસણખોરી કરી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો