અમેરિકા અને ચીન શા માટે આયાત જકાત વધારે છે?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાએ ચીનથી આયાત થતી 200 બિલિયન ડૉલરની કિંમતની વસ્તુઓ પર બમણાથી પણ વધારે આયાત જકાત નાખી છે.
આ પહેલાં અમેરિકાએ ચીનના માલ પર 10 ટકા ટેરિફ લગાવી હતી પરંતુ તેને વધારીને હવે 25 ટકા કરી દેવામાં આવી છે.
અમેરિકાના આ પગલાને ચીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે અને વળતી કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
છેલ્લા કેટલાય મહિનાઓથી બંને દેશ વચ્ચે વેપાર સમજૂતીના પ્રસ્તાવ પર કામ થઈ રહ્યું હતું. તેના માટે શુક્રવારે હસ્તાક્ષર થવાના હતા. જોકે, આ સમજૂતી થઈ શકી નહીં અને આયાત જકાત વધારી દેવામાં આવી.
અમેરિકાએ ચીન પર આરોપ લગાવતા કહ્યું હતું કે ચીને મૂળ પ્રસ્તાવમાં કેટલાક મહત્ત્વના ફેરફાર કર્યા હતા. જોકે, ચીને આ વાતનો ઇનકાર કર્યો હતો.
ચીનના કૉમર્સ મંત્રાલયે એ પોતાની વેબસાઇટ પર અમેરિકાએ વધારેલી આયાત જકાતની પુષ્ટી કરી છે.

ટેરિફમાં વધારાથી કોને ફાયદો?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
ચીન અને અમેરિકા વચ્ચે ચાલતા આ વેપારયુદ્ધની વિશ્વના અર્થતંત્ર પર અસર પડી રહી છે. છેલ્લા એક વર્ષથી બિઝનેસમૅન અને ગ્રાહકો વચ્ચે અનિશ્ચિતતા સર્જાઈ છે.
વરિષ્ઠ પત્રકાર સાઇબલ દાસ ગુપ્તાના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક મહિનાઓથી ચીનનું અર્થતંત્ર મંદ પડી રહ્યું છે. બીજી તરફ અમેરિકાના અર્થતંત્રમાં ઘણો સુધારો થયો છે. અમેરિકના રાષ્ટ્રપતિ તેનો ફાયદો ઉઠાવવાની ફિરાકમાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુપ્તાએ કહ્યું, "ચીનની અર્થવ્યવસ્થા હાલ કોઈ નવા પડકારનો સામનો કરવાની સ્થિતિમાં નથી. બંને દેશો વચ્ચે વેપારની ખોટ 300 અબજ ડૉલર સુધી પહોંચી ગઈ છે."
"બંને દેશો વચ્ચે 500 અબજ ડૉલરના માલનો વેપાર થાય છે જેમાં મોટા ભાગનો માલ ચીનથી નિકાસ થાય છે."
એશિયન ટ્રૅડ સેન્ટરના કારોબારી સંચાલક ડેબોરાહનું માનવું છે કે નવી આયાત જકાતથી અર્થતંત્રને મોટો ઝટકો લાગશે.
તેમના કહેવા પ્રમાણે અમેરિકન કંપનીઓને પણ તાત્કાલિક આ વધારાનો બોજ ભોગવવો પડશે અને ચીન પણ અમેરિકાને વળતો પ્રહાર કરશે.


ટૅક્નૉલૉજીનો ઝઘડો

ઇમેજ સ્રોત, Getty Images
ટ્રમ્પે આ પહેલાં કહ્યું હતું, "એક હું જ એવો રાષ્ટ્રપતિ છું જે ચીનને કોઈ તક નથી આપતો, મારા પહેલાંના રાષ્ટ્રપતિએ આવું કર્યું હતું. હું અમેરિકાની ટૅક્નૉલૉજીને જવા નહીં દઉં."
સાઇબલ દાસ ગુપ્તા કહે છે કે બંને દેશો વચ્ચે માત્ર વેપારયુદ્ધ જ કારણ નથી અમેરિકાને લાગે છે કે ચીન તેની ટૅક્નૉલૉજીની ચોરી કરે છે. વેપારમાં તે લાભમાં છે અને દરેક રીતે ચીન અમેરિકાને ચૂસી રહ્યું છે.
ગુપ્તા કહે છે, "એટલે જ ચીનની સૌથી મોટી કંપની પર અમેરિકાએ પ્રતિબંધ મૂકી દીધો છે. અમેરિકા દરેક રીતે ચીનની પ્રગતિને રોકવાના પ્રયત્ન કરી રહ્યું છે."
"ચીનના હાલ ખરાબ દિવસો ચાલી રહ્યા છે કારણે કે યૂરોપના દેશો પણ આ મામલે અમેરિકા સાથે છે. તેમનો આરોપ છે કે ચીનની કંપનીઓ ટૅક્નૉલૉજીની ચોરી કરે છે અને જ્યારે યુરોપિયન કંપનીઓ ચીન જાય છે તો તેના પર ટૅક્નૉલૉજી આપવાનું દબાણ કરવામાં આવે છે."

વેપારી-ખેડૂતો કેવી રીતે ફસાયા?

ઇમેજ સ્રોત, Getty Images
ટ્રમ્પના આયાત જકાતમાં વધારાએ અમેરિકા અને ચીનના ઘણા વેપારીઓને મૂંઝવણમાં મૂકી દીધા છે. વેપારીઓને પોતાના રોકાણ અને અરસપરસની લેતીદેતીને લઈને ચિંતા છે.
ચીનના નિકાસર્તાઓનું કહેવું છે કે આ વધારો તેમના સાથે વેપાર કરતા અમેરિકાના વેપારીઓ પર નાખીયે તો જ નફાના માર્જિનને પહોંચી વળાય તેમ છે.
ચીનના હૅરકૅર ઇલેક્ટ્રૉનિક્સ મેકરે ફાઇનાન્સિયલ ટાઇમ્સને જણાવ્યું કે અમેરિકાના વેપારીઓ આ ભાવ વધારાને સહી લે અને તેને ત્યાંના ગ્રાહકો પર નાંખે તો સ્થિતિને પહોંચી વળાય તેમ છે.
અમેરિકાના ખેડૂતો પણ બંને દેશ વચ્ચે ચાલતા આ વેપારયુદ્ધનો ભોગ બન્યા છે. અમેરિકામાંથી ચીનમાં સૌથી વધારે સોયાબિનની નિકાસ કરવામાં આવે છે. બંને દેશના ટેરિફ વધારાને કારણે સોયાબિનની નિકાસમાં પણ ઘટાડો થયો છે.
અર્થશાસ્ત્રીઓના કહેવા પ્રમાણે કોમોડિટીના ઘટતા ભાવ અને વધતા ટેરિફના કારણે ખેડૂતોની સ્થિતિ ધીરે ધીરે ખરાબ થઈ રહી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













