ચીન-US ટ્રેડ વોરની તમારી ઉપર કેવી અસર થશે?
- લેેખક, કરિશ્મા વાસવાણી
- પદ, બીબીસી એશિયા બિઝનેસ સંવાદદાતા
દુનિયાનાં બે સૌથી મોટાં અર્થતંત્ર એકમેકની સામે યુદ્ધ શરૂ થઈ ગયું છે. અમેરિકાએ ચીનથી આયાત થતી અંદાજિત 34 અબજ ડોલરની વસ્તુઓ પર 25 ટકાનો કર નાખ્યો છે.
ચીનના વિદેશ વિભાગના પ્રવક્તાના કહેવા પ્રમાણે, ચીને પણ વળતાં પગલાં લીધા છે. ચીને અમેરિકાની ઉપર 'આર્થિક દુનિયાનું સૌથી મોટું યુદ્ધ' શરૂ કરવાનો આરોપ મૂક્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના કહેવા પ્રમાણે, અમેરિકનોની નોકરીઓ બચાવવા તથા 'અમેરિકાની બૌદ્ધિક સંપદા તથા ટેકનૉલૉજીની અયોગ્ય રીતે ચીનમાં નિકાસ'ને અટકાવવા માટે તેમણે આ પગલું લીધું છે.
અમેરિકા તથા ચીન વચ્ચે ખરા અર્થમાં યુદ્ધ તો નહીં, પણ વ્યાપાર યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે અને એ કેટલું જોખમી સાબિત થઈ શકે એ કોઈ જણાવી શકે તેમ નથી.
આ બન્ને દેશોના અર્થતંત્રની ટક્કરની ભારત પર શું અસર થશે એ જાણવું જરૂરી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
આંખને બદલે આંખ

ઇમેજ સ્રોત, AFP
ચીનથી આયાત કરવામાં આવતા માલસામાન પર અમેરિકાએ વધારાનો ટેક્સ લાદ્યો છે. શુક્રવારથી ચીની પ્રોડક્ટ્સ પર 25 ટકા ટેક્સનો અમલ શરૂ થઈ ગયો.
તેનો અર્થ એ થયો કે અમેરિકાના વપરાશકારો માટે એ ચીની પ્રોડક્ટ્સ 25 ટકા મોંઘી થઈ જશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ પ્રોડક્ટ્સમાં ચીનમાં ઉત્પાદિત સેમીકન્ડક્ટર ચિપનો સમાવેશ થાય છે. એ ચિપ્સનો ઉપયોગ ટેલીવિઝન, કૉમ્પ્યુટર, સ્માર્ટફોન, મોટરકાર અને દૈનિક વપરાશની ચીજોમાં થાય છે.
એ ઉપરાંત પ્લાસ્ટિક, પરમાણુ રિએક્ટર તથા ડેરી સામગ્રીનું ઉત્પાદન કરતાં મશીનો પર પણ વધારાનો કર લાદ્યો છે.
પીટરસન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સના જણાવ્યા અનુસાર, અમેરિકાએ જે સામગ્રી પર વધારાનો કર લાદ્યો છે એ એવી સામગ્રી છે જેનો ઉપયોગ અન્ય ઉત્પાદનોમાં કરવામાં આવે છે.
એ કારણે તેની અસર બીજી વસ્તુઓના ઉત્પાદન તથા માર્કેટ પર થઈ શકે છે.
વાસ્તવમાં અમેરિકા એવું ઇચ્છે છે કે ચીનની 2025 નીતિ અનુસાર જે ચીજોનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે તેના પર વધારાનો કર લાદવામાં આવે.
ચીને લાદ્યો અમેરિકન ઉત્પાદનો પર કર

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના ઉપરોક્ત નિર્ણયની સામે ચીને અમેરિકન ઉત્પાદનો પર કર લાદ્યો છે.
ચીને અમેરિકાની જે પ્રોડક્ટ્સ પર કરનું પ્રમાણ વધાર્યું છે એ પૈકીની 91 ટકા પ્રોડક્ટ્સ ખેતી સંબંધી છે. ચીને આવું કરીને ખેડૂતો તથા કૃષિ સાથે જોડાયેલા લોકો પર સીધો હુમલો કર્યો છે.
તે અમેરિકાના પ્રમુખની વોટ બૅન્કનો મહત્ત્વપૂર્ણ હિસ્સો હોવાનું માનવામાં આવે છે.
ચીને કાર સેક્ટરમાં પણ કરનું પ્રમાણ વધાર્યું છે. તેનો અર્થ એ થયો કે અમેરિકામાં બનતાં ફિયાટ, ટેસ્લા અને ક્રાઇસલરનાં વાહનો ચીનમાં મોંઘાં થઈ જશે.
એ ઉપરાંત મેડિકલ ઉત્પાદનો, કોલસા અને ક્રૂડ ઑઇલ પરના કરમાં પણ ચીને વધારો કર્યો છે.
'પરિસ્થિતિ વણસી રહી છે'

ઇમેજ સ્રોત, AFP
ચીન તેની વાત મજબૂતી સાથે કહેવા માટે શબ્દોની રમત રમવામાં માહેર છે, પણ વાસ્તવિક પરિસ્થિતિ ઘણી અલગ છે.
સિલ્ક રોડ રિસર્ચના વિનેશ મોટવાણીએ કહ્યું હતું, "પરિસ્થિતિ અત્યંત ગંભીર હોવાનું અને વણસી રહી હોવાનું ચીનમાં વ્યાપારી વર્ગ સાથે જોડાયેલા અમારા જાણકારોનું કહેવું છે.
"પરિસ્થિતિ હવે કદાચ વધારે ખરાબ થશે, એવું લાગી રહ્યું છે."
વિનેશ મોટવાણી ચીનના પ્રવાસથી હમણાં જ પાછા ફર્યા છે. તેઓ ચીનમાં વેપારની તકો બાબતે ત્યાં કાર્યરત કંપનીઓ સાથે તેમના રિસર્ચ સંબંધે ચર્ચા કરતા હોય છે.
તેમના જણાવ્યા મુજબ, અનિશ્ચિતતાના દૌરમાં વેપારીઓ માટે આ ચિંતા 'વધારે સાવચેતી અને ઓછો ભરોસો કરવાના' વલણમાં પણ રૂપાંતરિત થઈ શકે છે.
તેનો અર્થ એ થાય કે કંપનીઓ તેમના કામનો વિસ્તાર કરવાથી દૂર રહેશે અને ચીન તેનો વેપાર વધારવા પાછળ હટશે તો તેની અસર એશિયાના અન્ય દેશો પર પણ થશે.
ઉત્પાદન અન્ય દેશોમાં કરવાનું?

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES
સીધી વાત એ છે કે ચીન અને અમેરિકા વચ્ચે ઝઘડો છે એટલે તેની સૌથી વધારે અસર એ બન્નેને જ થશે.
ડીબીએસના વડા અર્થશાસ્ત્રી તૈમુર બેગના જણાવ્યા અનુસાર, આ ટ્રેડ વોરને કારણે અમેરિકા તથા ચીને તેમની જીડીપીનો 0.25 ટકા હિસ્સો આ વર્ષે ગુમાવવો પડે એવી શક્યતા છે.
આગામી વર્ષે પરિસ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે અને બન્ને દેશોનો વિકાસદર 0.5 ટકા સુધી ઘટી શકે છે.
તૈમુર બેગે કહ્યું હતું, "ચીનનો વિકાસદર 6-7 ટકા છે, જ્યારે અમેરિકાનો 2-3 ટકા. તેથી ચીનની સરખામણીએ અમેરિકાને વધારે નુકસાન થશે."
સપ્લાય ચેઇન પરની અસરનો પ્રભાવ દક્ષિણ કોરિયા, સિંગાપોર તથા તાઇવાન પર પણ પડી શકે છે.
ચીન મોટા પ્રમાણમાં એવાં ઉપકરણોની નિકાસ કરે છે, જેનો ઉપયોગ બીજા દેશો નવી પ્રોડક્ટ્સ બનાવવામાં કરે છે.
ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટના નિક મર્રોએ કહ્યું હતું, "ચીનની નિકાસમાં થોડોક ફરક પડશે તો પણ અન્ય દેશો માટે તેનું પરિણામ દૂરગામી હશે."
અમેરિકાને નિકાસ કરવાનો લાભ લેવાનો (કે નુકસાનીથી બચવાનો) એક ઉપાય હોઈ શકે છે અને તે એ કે કંપનીઓ ઉપકરણોનું ઉત્પાદન ચીનમાંથી હટાવીને કોઈ અન્ય દેશમાં કરે.
જોકે, એ ફેરફારમાં સમય લાગશે અને ચીન જે પ્રમાણમાં ઉત્પાદન કરી રહ્યું છે તેનું લક્ષ્ય હાંસલ કરવામાં તો તેનાથી પણ વધારે સમય લાગશે.
પરિણામે એવું થશે કે અમેરિકનોએ નાની-નાની ચીજો માટે હાલ વધારે નાણાં ચૂકવવાં પડશે.
અમેરિકાને ચીનનો આકરો જવાબ

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES
ચીનમાં કાર્યરત અમેરિકન કંપનીઓએ 'ચીનની પ્રતિક્રિયા'નું નુકસાન ભોગવવું પડે એવું બની શકે.
દાખલા તરીકે, ટેસ્લા કાર કંપનીના માલિક અગાઉ જણાવી ચૂક્યા છે કે તેમના માટે ચીની માર્કેટ અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
તેઓ આ સંબંધે ચિંતા પણ વ્યક્ત કરી ચૂક્યા છે.
આ કંપની તેની જરૂરિયાતની સામગ્રી અમેરિકામાંથી જ લાવે છે અને ચીનમાં વેચવામાં આવતી તેની કારો પર 25 ટકા કર લાદવામાં આવશે.
એ કર ચીનમાં આયાત કરવામાં આવતી કારો પર લાદવામાં આવતા 15 ટકા કર ઉપરાંતનો હશે.
તેના પરિણામે ટીનમાં ટેસ્લા કારની કિંમત ઘણી વધશે અને માર્કેટમાંની અન્ય કારોની સ્પર્ધામાં તે પાછળ રહી શકે છે.
સિલ્ક રોડ રિસર્ચના જણાવ્યા અનુસાર, અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધમાં તણાવ ચાલુ રહેશે તો ટેસ્લા માટે ચીનમાં કામ કરવાનું મુશ્કેલ બની જશે.
કેટલી ખરાબ થઈ શકે છે ટ્રેડ વોર?

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES
હું વેપારી વર્તુળોમાં જેમને મળું છું તેમને આ સવાલ કરું છું. બધાનો જવાબ લગભગ એકસરખો હોય છેઃ કોઈ જાણતું નથી.
ઇતિહાસની વાત કરીએ તો અગાઉની ટ્રેડ વોરનું પરિણામ પણ હંમેશા ખરાબ જ આવ્યું છે.
1930માં અમેરિકાએ જે સ્મૂટ-હોલે ટેરિફ્સ લાદ્યા હતા તેને કારણે એક પ્રકારની ટ્રેડ વોર શરૂ થઈ હતી અને તેનો પ્રભાવ વૈશ્વિક માર્કેટ પર પડ્યો હોવાનું માનવામાં આવે છે.
એક અભ્યાસના તારણ અનુસાર, 1929થી 1934 દરમ્યાન સમગ્ર વિશ્વમાં વ્યાપાર 66 ટકા સુધી ઘટી ગયો હતો અને અમેરિકાની નિકાસ તથા યુરોપની આયાત-નિકાસમાં બે-તૃતીયાંશ ઘટાડો થયો હતો.
આપણે એ તબક્કે પહોંચી ગયાં હોવાનું અત્યારે કોઈ કહેતું નથી, પણ આ સંબંધી અનિશ્ચિતતાને કારણે અગાઉની તુલનાએ વેપારીવર્ગ અત્યારે વધુ પરેશાન છે.
અમેરિકા અને ચીન વચ્ચેના 'આંખના બદલામાં આંખ'ના અભિગમની અસર એવી પણ થઈ શકે કે બન્ને દેશો એકમેક સામે નારાજગી દર્શાવવામાં એટલા આગળ વધી જાય કે પોતાની ઈમેજ ખરાબ થવાના ડરે તેમના માટે પાછા ફરવાનું મુશ્કેલ બની જાય.
સિંગાપુર ઇન્ટરનેશનલ ચેમ્બર્સ ઑફ કોમર્સના મુખ્ય કાર્યકારી અધિકારી વિક્ટર મિલ્સે કહ્યું હતું, "સંરક્ષણવાદ અને અલગ પડવાથી શરૂઆત થાય છે. એ પહેલાં તથા પછી તમારા પાડોશીઓ કંગાળ થાય છે અને આખરે તમે પોતે પણ કંગાળ થાવ છો."
વેપારી વર્ગમાં ઘણા લોકોને હજુ પણ આશા છે કે એકબીજા પર આક્ષેપો કરવાનો આ સિલસિલો અટકશે અને એક સમજૂતિ સાધવાનો પ્રયાસ થશે.
સવાલ એ છે કે એવું નહીં થાય અને લડાઈ આગળ વધશે તો તમામને તેનાથી નુકસાન થશે અને તેમાં આપણે બધા સામેલ હોઈશું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















