ન્યૂઝીલૅન્ડમાં હુમલા બાદ પાકિસ્તાનમાં ચર્ચ સળગાવાયાં?-ફૅક્ટ ચેક

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ફૅક્ટ ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
ન્યૂઝીલૅન્ડની મસ્જિદમાં થયેલા હુમલાના જવાબમાં પાકિસ્તાનમાં 'ઇસ્લામિક કટ્ટરપંથીઓએ એક ચર્ચમાં આગ લગાવી દીધી છે.'
આ ગંભીર દાવા સાથે 30 સૅકન્ડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શૅર થઈ રહ્યો છે.
વીડિયોમાં કેટલાક લોકો ચર્ચના મુખ્ય દ્વારની ઉપર ચડેલા દેખાય છે અને વીડિયો પૂરો થતાં તેઓ ચર્ચના ધાર્મિક ચિહ્નને તોડીને નીચે પાડી દે છે.
વીડિયોમાં લોકોનો બૂમો પાડવાનો અવાજ સાંભળી શકાય છે અને આ ઇમારતના એક ભાગમાંથી ધુમાડા નીકળતા દેખાય છે.
ફેસબુક અને ટ્વિટર પર હજી આ વીડિયોને ઓછા લોકોએ શેર કર્યો છે, પરંતુ વૉટ્સઍપ દ્વારા બીબીસીના ઘણા વાચકોએ અમને આ વીડિયો મોકલીને તેની હકીકત જાણવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
યુકેના લંડન શહેરમાં રહેતાં એક ટ્વિટર યૂઝર @TheaDickinsonએ પણ વીડિયો પોસ્ટ કરતાં આવો જ દાવો કર્યો છે.

ઇમેજ સ્રોત, Twitter
તેમણે સવાલ પણ કર્યો છે કે બીબીસીએ આ વીડિયો કેમ ન બતાવ્યો?
પરંતુ પાકિસ્તાનમાં ચર્ચમાં આગ લગાવવાનો આ દાવો અમારી તપાસમાં નકલી સાબિત થયો છે. વાઇરલ વીડિયો લગભગ 6 વર્ષ જૂનો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

વીડિયો પાકિસ્તાનનો નથી

ઇમેજ સ્રોત, Getty Images
ન્યૂઝીલૅન્ડના ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદો(અલ નૂર અને લિનવૂડ મસ્જિદ)માં 15 માર્ચના રોજ બ્રૅન્ટન ટૅરંટ નામના હુમલાખોરે ગોળીબાર કર્યો હતો.
આ ઘટનામાં લગભગ 50 લોકોનાં મૃત્યુ થયાં અને 50થી વધુ લોકો ઘાયલ થયા.
ન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાન જૅસિન્ડા અર્ડર્ને મસ્જિદમાં થયેલા આ હુમલાને 'આતંકવાદી હુમલો' અને દેશ માટે 'કાળો દિવસ' ગણાવ્યો હતો.
જે 30 સૅકન્ડના વીડિયોને ક્રાઇસ્ટચર્ચના બદલાનો વીડિયો ગણાવાઈ રહ્યો છે તે વર્ષ 2013નો છે.
રિવર્સ ઇમેજ સર્ચથી જાણવા મળ્યું કે આ વીડિયો પાકિસ્તાનનો પણ નથી, પરંતુ ઇજિપ્તનો છે.
યૂ-ટ્યૂબ પર 29 ઑગસ્ટ 2013ના રોજ પબ્લિશ થયેલા 6.44 સૅકન્ડના વીડિયોમાં વાઇરલ વીડિયોનો 30 સૅકન્ડનો ભાગ જોઈ શકાય છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

તમે આ વાંચ્યું કે નહીં?

કૉપ્ટિક ચર્ચો પર હુમલો

ઇમેજ સ્રોત, Getty Images
ઑગસ્ટ 2013નાં ઇજિપ્તના લગભગ 25 ચર્ચમાં ઈસાઈ વિરોધી જૂથોએ હિંસા કરી હતી. આ વાઇરલ વીડિયો એ જ સમયનો છે.
વર્ષ 2013માં જ કૉપ્ટિક ઑર્થૉડૉક્સ ચર્ચને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો.
જે અંગે માન્યતા હતી કે તે પચાસમી સદીમાં બન્યુ હતું અને ઍલેક્ઝેન્ડ્રિયાના ઈસાઈ ધર્મના સૌથી જૂના ચર્ચોમાંનું એક હતું.
ઇજિપ્તના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ મોર્સીના સત્તા પલટાને ઈસાઈ વિરોધી હિંસાનું મુખ્ય કારણ માનવામાં આવે છે.
જુલાઈ 2013માં સેનાએ ઇજિપ્ત પર કબજો કરી લીધા બાદ જ્યારે જનરલ અબ્દુલ ફતેહ અલ-સીસીએ ટીવી પર રાષ્ટ્રપતિ મોર્સીના પદભ્રષ્ટ થયાની જાહેરાત કરી ત્યારે પૉપ ટાવાડ્રોસ બીજાને તેમની સાથે ઊભેલા જોઈ શકાતા હતા.
ત્યારબાદથી ઈસાઈ સમુદાયના લોકો કેટલાક ઇસ્લામિક કટ્ટરપંથિઓના નિશાન પર રહ્યા છે.



ઇમેજ સ્રોત, Getty Images
સત્તા પલટાવાના સમયે પૉપે કહ્યું કે જનરલ સીસીએ ઇજિપ્તનો જે રોડ મૅપ બનાવ્યો છે, તેને ઇજિપ્તનું હિત ઇચ્છતા સન્માનિત લોકો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
પૉપના આ નિવેદન બાદ તેમને ઘણી વખત મારવાની ધમકી આપવામાં આવી.
જ્યારે અનેક ઈસાઈઓની હત્યા કરવામાં આવી હતી અને તેમનાં ઘરને પણ નિશાન બનાવવામાં આવ્યાં હતાં.
ઇજિપ્તના મોટાભાગના ઈસાઈઓ કૉપ્ટિક છે, જે પ્રાચીન ઇજિપ્તવાસીઓના વંશજ છે.
ઇજિપ્તની કુલ વસતીના લગભગ દસ ટકા ખ્રિસ્તીઓ છે અને સદીઓથી સુન્ની બહુમતી ધરાવતા મુસલમાનો સાથે શાંતિથી રહે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














