You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC Top News : માયાવતી - લોકસભાની ચૂંટણી માટે બેઠકો છોડીને કૉંગ્રેસ ખોટો ભ્રમ ન ફેલાવે
લોકસભા ચૂંટણી 2019માં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે થયેલા ગઠબંધન માટે કૉંગ્રેસ સાત બેઠકો છોડી દેવાનો નિર્ણય કર્યો છે, જેને માયાવતીએ નકારી કાઢ્યો છે.
ઉત્તર પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ રાજ બબ્બરે પત્રકાર પરિષદ કરીને બસપા-સપા યુતિ માટે સાત બેઠક ઉપરથી ઉમેદવાર નહીં ઉતારવાની જાહેરાત કરી હતી.
માયાવતીએ કહ્યું, "તમામ 80 બેઠક ઉપર ચૂંટણી લડવા માટે કૉંગ્રેસ સ્વતંત્ર છે. સપા-બસપા ગઠબંધન મજબૂત છે.
સપા-બસપા અને રાલોદ માટે સાત બેઠક ખાલી છોડીને કૉંગ્રેસ ભ્રમ ન ફેલાવે."
રાજ બબ્બરે કહ્યું જ્યાંથી સમાજવાદી પક્ષ, બહુજન સમાજ પક્ષ અને રાષ્ટ્રીય લોકદળના વડા ચૂંટણી લડશે, ત્યાં કૉંગ્રેસ કોઈ ઉમેદવાર ઊભો નહીં રાખે.
આ સાત બેઠકોમાં મૈનપુરી (મુલાયમસિંહ યાદવ), કન્નોજ (અખિલેશ યાદવનાં પત્ની ડિમ્પલ), ફિરોઝાબાદની (અખિલેશ યાદવના ભાઈ) બેઠકો છે.
આ ઉપરાંત જ્યાંથી માયાવતી, આરએલડીના અજિત સિંહ અને જયંત ચૌધરી ચૂંટણી લડશે, ત્યાં પણ કૉંગ્રેસ ઉમેદવાર નહીં ઊભો રાખે.
કૉંગ્રેસ કૃષ્ણા પટેલના અપના દળને પણ બે બેઠકો આપવાની જાહેરાત કરી છે. આમાં ગોંડા અને પીલિભિત બેઠકનો સમાવેશ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લોકસભાની ચૂંટણીમાં ભાજપને સમગ્ર દેશમાં ફક્ત 74 બેઠકો જ મળશે તેવો દાવો સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કર્યો છે.
આ દાવો તેમણે રવિવારે એક ટીવી કાર્યક્રમમાં કર્યો હતો.
આ કાર્યક્રમમાં તેમણે સપા-બસપા ગઠબંધન બાબતે ભાજપની ટીકા પર કહ્યું કે અમારું તો ફકત બે પક્ષોનું જોડાણ છે, ભાજપ બતાવે કે તેમનું કેટલા પક્ષોનું ગઠબંધન છે.
ગોવામાં રાજકીય અસ્થિરતા
ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરના નિધનની સાથે રાજ્યમાં સત્તાનું કોકડું ફરી એક વખત ગૂંચવાઈ ગયું છે, રવિવારે રાત્રે કૉંગ્રેસે સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો.
કૉંગ્રેસનું કહેવું છે કે ભાજપના સાથી પક્ષોએ ભાજપને નહીં, પરંતુ તત્કાલીન સંરક્ષણ પ્રધાન પર્રિકરને ટેકો આપ્યો હતો.
બીજી બાજુ, ભાજપ તરફથી કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી પણજી પહોંચ્યા હતા અને ભાજપના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી.
ગોવાના ડેપ્યુટી સ્પીકર અને ભાજપના ધારાસભ્ય માઇકલ લોબોના કહેવા પ્રમાણે, "મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના નેતા સુધીન ધાવલીકર મુખ્ય પ્રધાન બનવા માગે છે.
તેમનું કહેવું છે કે 'ભાજપનો મુખ્ય પ્રધાન બને તે માટે મેં અનેક વખત બલિદાન આપ્યું છે.' પરંતુ ભાજપ તેમની માગણી નહીં સ્વીકારે."
આપને આ પણ વાચવું ગમશે
બોઇંગ દુર્ઘટનાઓમાં સમાનતા
ઇથોપિયાના પરિવહન પ્રધાને દાવો કર્યો છે કે ગત સપ્તાહે ઇથોપિયન ઍરલાઇન્સના વિમાન (બૉઇંગ 737 મૅક્સ 8) અને ગત વર્ષે ઑક્ટોબરમાં ઇન્ડોનેશિયામાં થયેલી વિમાન દુર્ઘટનામાં અનેક સમાનતા જોવા મળી રહી છે.
પરિવહન પ્રધાન દાગમાવિત મોગીસના કહેવા પ્રમાણે, 'બંને કેસમાં વિમાનની ઊંચાઈમાં નોંધપાત્ર ફેરફાર થયા હતા અને 157 મુસાફરોનો ભોગ લેનારી દુર્ઘટના સંદર્ભનો પ્રાથમિક અહેવાલ ત્રીસ દિવસમાં રજૂ કરી દેવાશે.'
બૉઇંગના વડાએ નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે 'કંપની તપાસમાં સહયોગ આપી રહી છે' તથા 'સેન્સરમાં ખામીના માટે સૉફ્ટવૅર અપડેટ' બહાર પાડવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ઑક્ટોબર મહિનામાં સમાન પ્રકારનું ઇન્ડોનેશિયાનું લાયન ઍરલાઇન્સનું બૉઇંગ વિમાન પણ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં 189 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
ઇન્ડોનેશિયામાં પૂર
ઇન્ડોનેશિયાના પાપુઆ પ્રાંતમાં પૂરને કારણે 73 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 60 લોકો લાપતા બન્યા છે.
છેવાડાના વિસ્તાર સુધી પહોંચવામાં રાહત અને બચાવ કર્મચારીઓને તકલીફ પડી રહી હોવાથી મરણાંક વધી શકે છે.
પાણી, ભૂસ્ખલન, બ્રિજોને ક્ષતિ, તૂટી ગયેલાં વૃક્ષો અને કેટલાક ઘર તૂટવાને કારણે આ સમસ્યા વધુ વિકરાળ બની છે.
લગભગ ચાર હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને તેમને સલામત સ્થળોએ આશ્રય આપવામાં આવ્યો છે.
ઇન્ડોનેશિયામાં ઑક્ટોબરથી એપ્રિલ મહિના દરમિયાન ભારે વરસાદને કારણે વ્યાપકપણે તારાજી સર્જાતી હોય છે.
જાન્યુઆરી મહિનામાં સુલાવાસીમાં પૂરને કારણે 70 લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે માર્ચ મહિનામાં જાવામાં ભારે વરસાદને કારણે સેંકડો લોકોએ હિજરત કરવી પડી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો