ઇમરાન ખાને હિંદુઓ વિરુદ્ધ ટિપ્પણી કરનારા પ્રધાન ફૈયાઝ અલ હસન ચૌહાણને હટાવ્યા

હિંદુઓ વિરુદ્ધ ટિપ્પણી કરવાના વિવાદની વચ્ચે પાકિસ્તાનના પંજાબના ફયાઝ ઉલ હસન ચૌહાણે તેમના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે.

પાકિસ્તાનના પંજાબ રાજ્યના મુખ્ય પ્રધાન ઉસ્માન બુઝદરે રાજીનામાની વાતને અનુમોદન આપ્યું છે.

પંજાબની સરકારે ખુદને આ વિવાદથી અલગ કરી લીધી છે અને તેને 'ચૌહાણનું વ્યક્તિગત નિવેદન' જણાવી તેને કમનસીબ ઠેરવ્યું હતું.

'ગાયનું મૂત્ર પીનારાઓ'

તા. 24મી ફેબ્રુઆરીએ લાહૌરમાં એક કાર્યક્રમ દરમિયાન ચૌહાણે કહ્યું હતું કે ભારતમાં ગાયનું મૂત્ર પીનાર હિંદુઓ પાકિસ્તાનને ટક્કર આપી નહીં શકે.

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની પાર્ટી તહેરિક-એ-ઇન્સાફના સત્તાવાર એકાઉન્ટ ઉપર મૂકવામાં આવેલા ટ્વીટમાંથી મળતા અંદાજ મુજબ તેમને પદ પરથી હટાવવામાં આવ્યા હતા.

પંજાબના મુખ્ય પ્રધાને નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે હિંદુઓ સાથેના ભેદભાવ કરતા નિવેદન, ચેષ્ટા કે કાર્યવાહીને ચલાવી લેવામાં નહીં આવે.

PTIના નેતાઓએ પણ આ નિવેદનની ટીકા કરી હતી.

રાજકીય બાબતોમાં ઇમરાન ખાનના સલાહકાર નઈમુલ હકે કહ્યું હતું કે પીટીઆઈ આ પ્રકારનો બકવાસ સહન નહીં કરે. ચાહે સરકારનો કોઈ વરિષ્ઠ સભ્ય જ કેમ ન હોય.

તમે આ વાંચ્યું કે નહીં?

સોશિયલ પર ટ્રૅન્ડ

તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયું હતું, જે બાદ તેમના નિવેદનની ભારે ટીકા થઈ હતી.

પાકિસ્તાનમાં #SackFayazChohan અને #Hindus ટ્રૅન્ડ થવા લાગ્યા હતા.

વિપક્ષ મુસ્લિમ લીગના નેતા ખ્વાજા આશિફે ચૌહાણને 'જાહિલ' કહ્યા હતા.

પાકિસ્તાનના ટીવી અભિનેત્રી માહિરા ખાને માગ કરી હતી કે ચૌહાણની સામે કાર્યવાહી કરવામાં આવે.

આ સિવાય પણ કેટલાક બુદ્ધિજીવીઓએ ચૌહાણના નિવેદન સામે વાંધો નોંધાવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો