You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાની જળ વિસ્તારમાં ભારતીય સબમરીનની ઘૂસણખોરી અટકાવી : પાક. નેવીનો દાવો
મંગળવારે પાકિસ્તાન નેવીએ દાવો કર્યો હતો કે સોમવારે સાંજે તેણે ભારતીય સબમરીનને જોઈ લીધી હતી. આ સબમરીન પાકિસ્તાની જળ વિસ્તારમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે તેને અટકાવવામાં આવી હતી.
ભારતીય નેવીએ આ નિવેદનને નકાર્યું હતું.
પાકિસ્તાન નેવીના જણાવ્યા પ્રમાણે, સ્થાનિક સમય અનુસાર આ ઘટના રાતના સાડા આઠ કલાકે ઘટી હતી.
પાકિસ્તાન દ્વારા ઘટનાક્રમનો વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે.
બીબીસીએ આ વીડિયો જોયો છે, પરંતુ સ્વતંત્ર રીતે તેની ખરાઈ નથી કરતું.
'ટાર્ગેટ ન કરી'
પાકિસ્તાન નેવીના કહેવા પ્રમાણે, ભારત સાથે શાંતિ જાળવી રાખવાની નીતિને કારણે આ સબમરીનને ટાર્ગેટ કરવામાં આવી ન હતી.
પાકિસ્તાનનું કહેવું છે કે નવેમ્બર-2016 પછી બીજી વખત એવું બન્યું છે કે ભારતીય સબમરીને પાકિસ્તાનની સીમામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો અને તેને અટકાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ગત મંગળવારે ભારતે દાવો કર્યો હતો કે તેણે પાકિસ્તાનની હવાઈ સીમામાં પ્રવેશીને બાલાકોટમાં આતંકવાદી મથકોને 'ટાર્ગેટ' કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાકિસ્તાને ઔપચારિક રીતે ભારતના દાવાને નકાર્યો હતો. બીજા દિવસે કથિત રીતે પાકિસ્તાનના વાયુદળે ભારતીય હવાઈ સીમામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.
ગત ત્રણ સપ્તાહથી બંને દેશો વચ્ચે તણાવ ચરમ પર છે.
તમે આ વાંચ્યું કે નહીં?
નૌકા હુમલાની શક્યતા
ભારતીય નૌકાદળે બહાર પાડેલાં નિવેદન પ્રમાણે, "તા. 28મી ફેબ્રુઆરીએ યોજાયેલી ત્રણેય દળોની સંયુક્ત પત્રકાર પરિષદ સમયે જ અમે કહ્યું હતું કે ભારતીય જળસીમાનું સંરક્ષણ કરવા અમે સજ્જ છીએ."
"છેલ્લા કેટલાક દિવસ દરમિયાન પાકિસ્તાન દ્વારા પ્રૉપેગૅન્ડા અને ખોટી માહિતીનો દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે."
"અમે આ પ્રકારના દુષ્પ્રચારની નોંધ નથી લેતા અને અમારી તહેનાતગી અફર રહેશે."
મંગળવારે ભારતીય નૌકાદળના વડા ઍડમિરલ સુનિલ લાંબાએ કહ્યું હતું કે દરિયાઈ માર્ગે 'સ્ટેટ-સ્પૉન્સર્ડ' આતંવાદી હુમલાની શક્યતા વધી ગઈ છે.
ઍડમિરલ લાંબાના કહેવા પ્રમાણે, આ અંગે તેમને ચોક્કસ બાતમી મળી છે અને ઉમેર્યું હતું કે આ પ્રકારના હુમલાને પહોંચી વળવા માટે સુરક્ષા બળો 'સતર્ક' છે અને આ કામમાં 'આંતરરાષ્ટ્રીય સહયોગ' મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2008માં મુંબઈમાં અનેક સ્થળોએ આતંકવાદી હુમલા થયા હતા, જેમાં 160થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
ભારતનું કહેવું છે કે પાકિસ્તાનથી આવેલા દસ ઉગ્રપંથીઓએ આ હુમલાને અંજામ આપ્યો હતો, તેઓ 'લશ્કર-એ-તોયબા'ની દરિયાઈ પાંખના હતા.
તણાવની પૃષ્ઠભૂમિ
તા. 14મી ફેબ્રુઆરીના દિવસે પુલવામા ખાતે આત્મઘાતી હુમલામાં સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના 40 જવાન મૃત્યુ પામ્યાં હતાં.
બંને દેશો ઉપર લાઇન ઑફ કંટ્રોલ પર ભારે ગોળીબારી તથા બૉમ્બમારો ચાલી રહ્યો છે.
આ કાર્યવાહીને કારણે ભારત પ્રશાસિત કાશ્મીર તથા પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં અનેક લોકો ઘાયલ થયા છે તથા સેંકડો લોકોએ હિજરત કરવી પડી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો