BBC TOP NEWS : કમલ હાસન - ભારત શા માટે કાશ્મીર અંગે જનમત નથી લેતું? ભારત શા માટે ડરી રહ્યું છે?

જાણીતા અભિનેતા અને મેકલ નીધિ મેયમ પક્ષના નેતા કમલ હાસને કાશ્મીર મુદ્દે ભારત લોકમત કેમ નથી લેતું એવો સવાલ ઊભો કર્યો છે.

સમાચાર સંસ્થા એએનઆઈએ ટ્ટીટ કરીને આ માહિતી આપી હતી.

કમલ હાસને કહ્યું કે ભારત શા માટે કાશ્મીર અંગે જનમત નથી લેતું? ભારત શા માટે ડરી રહ્યું છે?

કમલ હાસને એમ પણ જણાવ્યું કે સૈનિકો શા માટે મરી રહ્યા છે? આપણા ઘરની રક્ષા કરનારા લોકો શા માટે મરવા જોઈએ? જો ભારત અને પાકિસ્તાન બેઉ તરફે રાજકારણીઓ યોગ્ય રીતે વર્તે તો કોઈ સૈનિક ન મરે. અંકુશ રેખા અંકુશમાં હોવી જોઈએ.

કમલ હાસને આ ટિપ્પણી ગઈ કાલે ચૈન્નાઈમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કરી હતી.

સુરત પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની ધરપકડ થઈ

પાટીદાર અનામત આંદોલનના કૅપ્ટન અલ્પેશ કથીરિયાની સુરત પોલીસે ધરપકડ કરી છે.

ગત મહિને પાટીદાર અનામત આંદોલનના કૅપ્ટન અલ્પેશ કથીરિયાની જામીન સુરતની અદાલતે રદ કરી દીધા હતા.

સાડા ત્રણ માસ સુધી જેલની સજા ભોગવ્યા બાદ ગત 10 ડિસેમ્બરે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા કેદમાંથી બહાર આવ્યા હતા.

ધરપકડના ડરથી અલ્પેશ કથીરિયા થોડા સમયથી ફરાર હતા.

એ સમયે અલ્પેશ કથીરિયાના નેતૃત્વ હેઠળ સુરતમાં સંકલ્પ યાત્રા યોજાઈ અને અલ્પેશ કથીરિયાને પાટીદાર અનામત આંદોલનના નવા કૅપ્ટન જાહેર કરવામાં આવ્યા હતા.

નવા નેતૃત્વ સાથે ફરી એક વખત પાટીદાર અનામત આંદોલનમાં પ્રાણ ફૂંકવાની કોશિશ થઈ રહી હતી.

અલ્પેશ કથીરિયાની જામીન મુક્તિ બાદ હાર્દિક પટેલે એમને આંદોલનના નવા નેતા ગણાવ્યા હતા.

એ વખતે હાર્દિકે પટેલે કહ્યું હતું, "અનામત માટેની લડાઈ હવે મજબૂત બનશે, પાટીદાર સમાજના મુખ્ય પ્રશ્નોનું નિરાકરણ આવે એ જરૂરી છે, આ આંદોલનનો નવો ચહેરો હવે અલ્પેશ હશે."

પોલીસ સાથે ઘર્ષણને લીધે પોલીસે જામીન રદ કરવાની અરજી કરી હતી. જામીન બાદ પણ અલ્પેશ સામે કેસ નોંધવામાં આવેલા છે.

તે વખતે અલ્પેશ કથીરિયાના વકીલે આ મામલે હાઈકોર્ટમાં અપીલ કરવાની જાહેરાત કરી હતી તો સામે સુરત પોલીસે પણ મીડિયાને આપેલા નિવેદનોમાં એવું કહ્યું હતું કે તેઓ હાઈકોર્ટમાં પણ અલ્પેશ કથીરિયાનાં જામીનનો વિરોધ કરશે.

ઑસ્ટ્રેલિયામાં ચૂંટણીના મહિના પૂર્વે રાજકીય પક્ષોના ખાતાઓ હૅક થયા

ઑસ્ટ્રેલિયાના મહત્ત્વના રાજકીય પક્ષોના કોમ્યુટર નેટવર્કને હૅક કરવામાં આવ્યા હોવાની માહિતી ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કૉટ મોરિસને આપી છે.

આ પ્રવૃત્તિમાં રાજ્યના જ કોઈ વ્યકિતનો હાથ હોવાની શંકા તેમણે વ્યકત કરી છે.

ગત અઠવાડિયે ઑસ્ટ્રેલિયાની પાર્લામેન્ટની સિસ્ટમનું હૅકિંગ થયું હતું, જેની તપાસમાં આ વિગતો સામે આવી છે.

વડા પ્રધાને કહ્યું કે ચૂંટણીમાં અવરોધના કોઈ પુરાવા નથી.

ઉલ્લેખનીય છે કે મહિનામાં ઑસ્ટ્રેલિયામાં ચૂંટણી યોજાવાની છે.

વડા પ્રધાન મોરિસને સંસદને જણાવ્યું કે આ અઠવાડિયામાં લિબરલ, લેબર અને નેશનલ એમ ત્રણ પાર્ટીઓનું નેટવર્ક હૅક કરવામાં આવ્યુ છે.

સાઉદી ક્રાઉન પ્રિન્સે પાકિસ્તાન સાથે 20 અરબ ડૉલરના કરાર કર્યા

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સે મોહમ્મદ બિન સલમાન બે દિવસ માટે પાકિસ્તાનના પ્રવાસે પહોંચ્યા છે. તેમણે પાકિસ્તાન સાથે 20 અરબ ડૉલરના કરાર કર્યા છે.

આ કરારમાં ગ્વાદર નજીક એક તેલ રિફાઇનરીમાં 8 અરબ ડૉલરના રોકાણનો પણ સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સે બે દિવસ માટે ભારત પણ આવવાના છે.

પાકિસ્તાન આવેલા ક્રાઉન પ્રિન્સે કહ્યું, "ગત વર્ષે પાકિસ્તાને પાંચ ટકાના દરથી આર્થિક પ્રગતિ કરી હતી અને હાલમાં પણ પાકિસ્તાનનું ભવિષ્ય સોનેરી છે."

સાઉદી ક્રાઉન પ્રિન્સેના સ્વાગતમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન અને સેના પ્રમુખ કમર જાવેદ બાવજા ઍરપોર્ટ પહોંચ્યા હતા.

અગાઉ સાઉદી પ્રિન્સનું વિમાન જેવું પાકિસ્તાનની વાયુસીમામાં પ્રવેશ્યુ કે તરત જ પાકિસ્તાનની વાયુ સેનાએ તેને ઍસ્કૉર્ટ કરી ભવ્ય સ્વાગત કર્યુ હતું.

સુરક્ષા ચૂક વિના પુલવામા હુમલો શક્ય નથી : પૂર્વ રૉ પ્રમુખ

રિસર્ચ એન્ડ એલાલિસિસ વિંગ (રૉ)ના પૂર્વ પ્રમુખ વિક્રમ સૂદે કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલો હુમલો સુરક્ષામાં થયેલી સુરક્ષાના અભાવને કારણે થયો છે.

સૂદે કહ્યું, "મને નથી જાણ કે આ હુમલો કેવી રીતે થયો, પરંતુ આવા હુમલાઓ સુરક્ષામાં મોટી ખામી વિના શક્ય નથી. આ હુમલાને કોઈ એક વ્યક્તિ અંજામ ના આપી શકે, તેની પાછળ એક સમૂહ છે."

ભારતે આ હુમલા બાદ શું પ્રતિક્રિયા આપવી જોઈએ તે અંગે તેમણે કહ્યું, "આ કોઈ બૉક્સિંગ મૅચ નથી. મુક્કાને બદલે મુક્કો નહીં ચાલે. વડા પ્રધાન કહી ચૂક્યા છે કે તેમની મરજીથી પસંદ કરાયેલા સમય અને જગ્યા પર હુમલો કરશે."

14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર એક આત્મઘાતી હુમલો થયો હતો જેમાં 40 જવાનોએ જીવ ગુમાવ્યો હતો. આ હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

પાકિસ્તાને ભારે કિંમત ચૂકવવી પડશે : ઈરાન

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામા આત્મઘાતી હુમલા બાદ પાકિસ્તાનને ભારે કિંમત ચૂકવવાની ચેતવણી આપી હતી ત્યારે ઈરાને પણ પાકિસ્તાનને આવી જ ચેતવણી આપી છે.

ઈરાનનું કહેવું છે કે પાકિસ્તાનમાં રહેતા ઉગ્રવાદીઓએ આ અઠવાડિયે તેમના રિવોલ્યુશનરી ગાર્ડ્સના જવાનો પર આત્મઘાતી હુમલો કર્યો હતો 27 જવાનોએ જીવ ગુમાવવો પડ્યો હતો.

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના પ્રમુખ મેજર જનરલ મોહમ્મદ અલી જાફરીએ આ હુમલામાં સાઉદી અરેબિયા અને સંયુક્ત અરબ અમિરાત પર સુન્ની સમુહોને મદદ કરવાનો આરોપ મૂક્યો છે.

ઈરાને પાકિસ્તાનને કહ્યું છે કે તેમણે ભારે કિંમત ચૂકવવી પડશે. જોકે, પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને યૂએઈ આ હુમલામાં સામેલ હોવાનો ઇન્કાર કરી રહ્યા છે.

યૂરોપીયન દેશો આઈએસના લડાકુઓને ત્યાં લઈ જાય : ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે યૂનાઇટેડ કિંગ્ડમ અને યૂરોપના તેમના અન્ય મિત્ર રાષ્ટ્રોને કહ્યું છે કે સીરિયામાં ઇસ્લામી ઉગ્રવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધની લડાઈ દરમિયાન પકડાયેલા 800 લડાકુઓને તેમના દેશ લઈ જાય અને તેમની પર કેસ ચલાવે.

એક ટ્વીટ દ્વારા ટ્રમ્પ કહ્યું કે ઇસ્લામિક સ્ટેટના આ લડાકુઓ યુરોપના દેશોમાં જઈ શકે છે જે અમેરિકા નથી ઇચ્છતું.

તેમણે લખ્યું, "અમે આ લડાઈ ઘણું બધું કરીએ છીએ, પૈસા ખર્ચી રહ્યા છે. સમય આવી ગયો છે કે બીજા રાષ્ટ્રો આગળ આવે અને તેઓ જે કરી શકે તે જવાબદારી લે."

ઉલ્લેખનીય છે કે અમેરિકા સમર્થિત કુર્દ લડાકુઓ સીરિયાની અડેલી ઈરાકની સીમા પાસે આઈએસના અંતિમ ગઢમાંથી તેમને ખદેડવાના પ્રયાસો કરી રહ્યું છે.

ટ્રમ્પને હટાવવા પરની કાર્યવાહીને મંજૂરી

યૂએસ સેનેટ જ્યુડિસરી કમિટીના ચેરમેન ટ્રમ્પની હકાલપટ્ટીને લઈને વર્ષ 2017માં લાગેલા આરોપો પર કાર્યવાહી કરવા તૈયાર થઈ ગયા છે.

સેનેટર લિન્ડસે ગ્રેહામે આ મુદ્દે સમન્સ પાઠવવાનો નિર્ણય કર્યો છે.

ભૂતપૂર્વ એફબીઆઈ પ્રમુખ એન્ડ્ર્યુ મેકકેબે કહ્યું હતું કે ડેપ્યુટી યૂએસ ઍટર્ની જનરલ રોડ રોઝન્સ્ટીને 25માં બંધારણીય સુધારા માટે જરૂરી સેનેટરની સંખ્યા મુદ્દે ચર્ચા કરી હતી.

પરંતુ રોઝન્સ્ટીને ભૂતકાળમાં જ આ મુદ્દે તેમણે આવું કંઈ કર્યું હોવાનો ઇન્કાર કર્યો છે.

આ બંધારણીય સુધારો જો રાષ્ટ્રપતિ પોતાના હોદ્દા પર લાયક ના હોય તો તેમને હટાવવા માટેની સત્તા પૂરી પાડે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો