હું ખાશોગ્જીની હત્યાની ભયાનક ટેપ નહીં સાંભળું: ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે તેમને સાઉદી અરેબિયાના પત્રકાર ખાશોગ્જીની હત્યાના રેકર્ડિંગની માહિતી આપવામાં આવી છે, પરંતુ તેઓ જાતે એ રેકર્ડિંગ નહીં સાંભળે.

એમણે રવિવાર ફૉક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું ,"તે એક દુ:ખદાયક અને ભયાનક ટેપ છે."

અમેરિકાની ગુપ્તચર સંસ્થા સીઆઈએ (સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)એ કથિત રીતે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને, હત્યાનો આદેશ આપવા માટે જવાબદાર ગણાવ્યા છે, પણ વ્હાઈટ હાઉસે સત્તાવાર રીતે એવું કાંઈ જણાવ્યું નથી.

સાઉદી અરેબિયા આ દાવાને ખોટો ઠરાવતા જણાવ્યું છે કે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને હત્યા અંગે કોઈ જ જાણકારી નહોતી.

લગ્ન સંબંધિત દસ્તાવેજ પ્રાપ્ત કરવા માટે ખાશોગ્જી બીજી ઑક્ટોબરના રોજ ઇસ્તંબૂલ સ્થિત સાઉદી અરેબિયાના વાણિજ્ય દૂતાવાસમાં ગયા હતા, જ્યાં એમની હત્યા કરી દેવામાં આવી હતી. તેઓ સાઉદી સરકારના ટીકાકાર ગણાતા પત્રકાર હતા.

અમેરિકન સંસદમાં પણ આ હત્યાને લઈને આકરી પ્રતિક્રિયા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે, પણ સાઉદી અરેબિયા અમેરિકા માટે મધ્ય-પૂર્વમાં એક મુખ્ય સહયોગી દેશ છે અને કદાચ એટલે જ ટ્રમ્પ તેમની સામે કોઈ પગલાં લેવામાં સંકોચ કરી રહ્યા છે.

તે ટેપ કેમ નહીં સાંભળે?

અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું છે કે એમણે ટેપ સાંભળવાની જરૂર નથી, કારણ કે એમને ટેપ અંગે સંપૂર્ણ જાણકારી આપી દેવામાં આવી છે.

ટ્રમ્પે ફૉક્સ ચેનલને કહ્યું, "મને ટેપ સાંભળ્યા વગર જ બધી ખબર છે. એ ખૂબ હિંસક, ક્રૂર અને ભયાનક હતું.''

તુર્કીએ કથિત રીતે અમેરિકા અને અન્ય પશ્ચિમી સહયોગીને આ રેકર્ડિંગની આપી છે.

પોતાના ઇન્ટરવ્યૂમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે મોહમ્મદ બિન સલમાને એમને જણાવ્યું હતું કે તેમને હત્યા અંગે કોઈ જાણકારી નહોતી.

હત્યાના શંકાસ્પદો પર અમેરિકા દ્વારા લગાડવામાં આવેલા પ્રતિબંધો તરફ સંકેત આપતા ટ્રમ્પે કહ્યું કે બની શકે છે કે કોઈને પણ ખબર ના પડે કે હત્યા પાછળ કોનો હાથ હતો.

એમણે સાઉદી અરેબિયા સાથેનાં સંબંધો પર સંકેત આપતાં કહ્યું ,"પણ આપણી પાસે એક સહયોગી છે, જે ઘણો સારો છે અને હું સહયોગીની સાથે રહેવા માંગું છું."

આપને આ પણ વાંચવું ગમશે

અમેરિકાનું આ હત્યા અંગે શું કહેવું છે?

સીબીઆઈએ પાસે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને હત્યા માટે જવાબદાર ઠરાવવા માટે કોઈ સ્પષ્ટ પુરાવા નથી, પણ સમાચાર પ્રમાણે અધિકારીઓનું માનવું છે કે, આ એમની મંજૂરી વગર થઈ શકે તેમ નહોતું.

શનિવારે વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકન સરકાર હજી સુધી કોઈ તારણ પર પહોંચી નથી, કારણ કે હજી સુધી ઘણાં સવાલોના જવાબ જ નથી મળ્યા. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સીઆઈએ સાથે એમના તારણો અંગે વાત કરી છે.

ટ્રમ્પનો 'ફૉક્સ' પર ઇન્ટર્વ્યૂ સીઆઈએનાં તારણ આવ્યા તે પહેલાં કરવામાં આવ્યો હતો અને એમણે જણાવ્યું હતું કે એમની સરકાર નિર્ણય લેવાની તૈયારીમાં છે.

એમણે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું, "આવનાર બે દિવસોમાં કદાચ સોમવાર કે મંગળવારે અમારી પાસે સંપૂર્ણ રિપોર્ટ હશે."

ટ્રમ્પના સહયોગી રિપબ્લિકન સેનેટર લિંડસે ગ્રાહમે કહ્યું કે એમને ક્રાઉન પ્રિન્સના ઇન્કાર પર ભરોસો નથી.

એમણે એનબીસીને જણાવ્યું ,'' જો તેઓ સાઉદી અરેબિયાનું મહોરું બનશે તો મને લાગે છે કે એમના સામ્રાજ્યને વૈશ્વિકસ્તરે મુશ્કેલ સમયનો સામનો કરવો પડશે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો