લાયન ઍર દુર્ઘટના : દિવાળી ઉપર ભારતીય કૅપ્ટન ભારત આવવાના'તા

ઇન્ડોનેશિયામાં લાયન ઍરના પેસેન્જર વિમાને ઉડ્ડાણ ભરી અને ક્રેશ કર્યું, તે દરમિયાન શું થયું તે અંગે ધીમે-ધીમે વિગતો બહાર આવી રહી છે.

વિમાનમાં અગાઉથી જ ટેકનિકલ ખામી આવેલી હતી. બીબીસીને ટેકનિકલ લૉગ મળ્યા છે, જેના કારણે ઘણી બાબતો સ્પષ્ટ થાય છે.

જકાર્તા માટે ઉપડેલી ફ્લાઇટના ટેકનિકલ લૉગના આધારે માલૂમ પડે છે કે તેનું ઍરસ્પીડ રીડિંગ મીટર ભરોસાપાત્ર ન હતું. પાઇલટે આ અંગે તેના સહ-પાઇલટ સાથે વાત કરી હતી.

દુર્ઘટનાનો ભોગ બનેલાં વિમાનમાં કુલ 189 મુસાફર સવાર હતા.

ઉડ્ડાણની 13 મિનિટ બાદ પ્લેન દરિયામાં ક્રેશ થઈ ગયું તથા હજુ સુધી કોઈ જીવિત નથી મળ્યું.

મૃતક પાઇલટ ભવ્ય સુનેજા દીવાળીની રજાઓ વખતે ભારત આવવા માગતા હતા.

દિવાળી પર આવવાના હતા સુનેજા

રાહત અને બચાવકામમાં લાગેલા કર્મચારીઓને કેટલાક મૃતદેહોલ, મુસાફરોનો સામાન તથા બાળકોનાં શૂઝ મળ્યાં છે. પીડિત પરિવારોને કહેવાયું છે કે તેઓ હૉસ્પિટલમાં જઈને મૃતકોની ઓળખ કરે.

બીબીસીને ગત ઉડ્ડાણનો ટેકનિકલ લૉગ મળ્યો છે. જેમાં એવું જણાય છે કે કૅપ્ટન પાસે રહેલું ઍરસ્પીડ રીડિંગ મીટર બરાબર રીતે કામ નહોતું કરી રહ્યું.

ઉપરાંત વિમાનની ઊંચાઈ જાણવા માટે પાઇલટ તથા કો-પાઇલટ પાસે જે ઉપકરણ હતા, તેની ઉપરનાં આંકડા અલગ-અલગ હતા. આથી તેમણે જકાર્તા પરત ફરવાનો નિર્ણય કર્યો હતો.

વિમાનના કૅપ્ટન ભવ્ય સુનેજા ભારતીય હતા અને દિવાળી દરમિયાન દિલ્હીમાં રહેતાં તેમના પત્ની પાસે રજાઓ ગાળવા માટે આવવાના હતા.

અગાઉ લાયન ઍરલાઇન્સના એક્ઝિક્યુટિવ ઍડવર્ડ સિરાઇટે કહ્યું હતું કે પ્લેનમાં થોડી ટેકનિકલ સમસ્યા હતી, પરંતુ તેની ઓળખ થઈ શકી ન હતી.

જોકે એ સમસ્યા જકાર્તાની ઉડ્ડાણ દરમિયાન ઊભી થઈ હતી અને બાદમાં તેને ઉકેલી લેવાઈ હતી.

શું થયું હતું?

વિમાને સ્થાનિક સમય મુજબ 6.20 કલાકે ટેકઓફ કર્યું હતું.

લાયન ઍરના અધિકારીઓએ બીબીસીને જણાવ્યું કે ફ્લાઇટ ક્રમાંક JT 610 વિમાનનું શું થયું, તે અંગેની સ્થિતિ અમારી સમક્ષ સ્પષ્ટ નથી થઈ.

ઇન્ડોનેશિયાના વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે.

દરિયામાં તરતો સામાન

સર્ચ અને રેસ્યુ એજન્સીના પ્રવક્તા યુસૂફ લતિફના કહેવા પ્રમાણે, "જ્યાં વિમાન ક્રેશ થયું, ત્યાં દરિયો 30થી 40 મીટર ઊંડો છે. અમે વિમાનનો કાટમાળ શોધવામાં લાગેલા છીએ."

ઇન્ડોનેશિયાની ડિઝાસ્ટર એજન્સીના વડા સુપ્તો પૂર્વો નૂરગોહોએ વિમાનના કાટમાળ તથા મુસાફરોના સામાનની તસવીર અપલોડ કરી હતી.

આ સાથે જ તેમણે રાહત અને બચાવકાર્યમાં લાગેલી ટગ બોટ્સની તસવીરો પણ ટ્વીટ કરી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

લાયન ઍરનો સેફ્ટી રેકર્ડ

ઇન્ડોનેશિયાએ ટાપુઓનો બનેલો દેશ છે. આથી ઝડપી મુસાફરી માટે યાત્રિકોએ વિમાન સેવા પર આધાર રાખવો પડે છે, પરંતુ કેટલીક ઍરલાઇન કંપનીઝનો સેફ્ટી માટેનો રેકર્ડ બહુ સારો નથી.

લાયન ઍર એ ઇન્ડોનેશિયાની ઓછા ભાડાની ઍરલાઇન કંપની છે. જે રાષ્ટ્રીય ઉપરાંત આંતરરાષ્ટ્રીય વિમાન સેવા પૂરી પાડે છે.

વર્ષ 1999માં આ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. 2016 સુધી તેને યુરોપિયન હવાઈ સીમામાં પ્રવેશવાની મંજૂરી ન હતી.

2013માં કંપનીનાં એક વિમાનનું દરિયામાં ઉતરાણ કરાવાયું હતું, જેમાં 108 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

2011 અને 2012 દરમિયાન ફ્લાઇટ પૂર્વે કંપનીના પાઇલટ્સ પાસેથી નશાકારક ગોળીઓ મળી હતી.

2004માં કંપનીનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં 25 મુસાફરોનાં મૃત્યુ થયાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો