ટ્રમ્પની ખુલ્લી ધમકી : અમેરિકા બનાવશે પરમાણુ હથિયાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે રશિયા તથા ચીન ઉપર દબાણ વધારવા માટે તેમનો દેશ પરમાણુ હથિયાર બનાવશે.

પત્રકારો સાથે વાતચીત કરતી વખેત ટ્રમ્પે કહ્યું હતું કે રશિયા દ્વારા 1987ની ઇન્ટરમિડિયેટ રેન્જ ન્યુક્લિયર ફોર્સ (આઈએનએફ) સંધિનો ભંગ કરવામાં આવ્યો છે.

રશિયા આ આરોપોને નકારે છે. અગાઉ પણ ટ્રમ્પ આ સંધિમાંથી હટી જવાની વાત કહી ચૂક્યા છે.

શીતયુદ્ધ સમયે આ સંધિ કરવામાં આવી હતી. આ સંધિ હેઠળ મધ્યમ અંતરની મિસાઇલના નિર્માણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. યુરોપિયન રાષ્ટ્રો પર ઝળૂંબી રહેલા સોવિયેટ સંઘના જોખમને ટાળવા માટે આ સંધિ કરવામાં આવી હતી.

બીજી બાજુ, રશિયાએ ચેતવણી આપી છેકે જો અમેરિકા દ્વારા પરમાણુ હથિયારોનું નિર્માણ કરવામાં આવશે તો તે પણ પરમાણુ હથિયાર બનાવશે.

તમે આ વાંચ્યું કે નહીં?

ટ્રમ્પનું કહેવું છે કે 'જ્યાર સુધી આ લોકોને ભાન ન થાય' ત્યાર સુધી અમેરિકા પરમાણુ હથિયાર બનાવવાનું ચાલુ રાખશે.

ટ્રમ્પે કહ્યું હતું, "ચાહે તમે રશિયા માટે માનો કે ચીન માટે, આ ધમકી છે. જે લોકો આ રમત રમવા ચાહે છે એ બધાયને માટે આ એક ચેતવણી છે. સંધિની મૂળભૂત વિભાવનાનું પાલન નથી થયું."

વાતચીત માટે રશિયા તૈયાર

દરમિયાન અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જ્હોન બૉલ્ટને રશિયાના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. અમેરિકા આ કરારમાંથી ખસી જવા માગે છે, જેની રશિયાએ ટીકા કરી હતી.

બૉલ્ટને કહ્યું હતું કે જો આ સંધિમાંથી અમેરિકા ખસી ગયું તો સંધિ માટે 'ભારે આંચકારૂપ' હશે.

બીજી બાજુ રશિયાની સુરક્ષા પરિષદના સચિવ નિકોલાઈ પાદ્વૂશેફે કહ્યું કે આઈએનએફ સંબંધિત 'પરસ્પર'ની ફરિયાદોને દૂર કરવા માટે અમેરિકા સાથે મળીને 'કામ' કરવા માટે રશિયા તૈયાર છે.

બૉલ્ટને તેમનો રશિયા પ્રવાસ શરૂ કરતા પહેલાં જ ચેતવણી આપી હતી કે પરમાણુ શક્તિનું સંતુલન જાળવી રાખવા માટે અમેરિકા જરૂરી તમામ પગલાં લેશે.

રશિયાના પ્રવક્તા દિમિત્રી પસકોફે કહ્યું હતું, "સંધિ તૂટશે તો રશિયાએ ખુદની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા પડશે."

તેમણે કહ્યું, "સંધિ તોડવાના કારણે રશિયાએ પોતાની સુરક્ષા માટે પગલાં ભરવા પડશે."

શું કહે છે આ સંધિ?

શીત યુદ્ધના અંતિમ વર્ષોમાં અમેરિકન રાષ્ટ્રપતિ રોનલ્ડ રીગન અને છેલ્લા સોવિયેત નેતા મીખાઇલ ગોર્બાચોવે આઈએનએફ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા.

આ સંધિ અંતર્ગત જમીનથી હુમલો કરતી 500 થી 5,500 કિલોમિટરની રેન્જનું મધ્યમ અંતર ધરાવતી મિસાઇલોનું નિર્માણ પ્રતિબંધિત છે. જેમાં પરમાણુ અને સામાન્ય એમ બન્ને પ્રકારની મિસાઇલનો સમાવશે થાય છે.

રવિવારે આ સંધિ પર હસ્તાક્ષર કરનાર મિખાઇલ ગોર્બાચોવે કહ્યું હતું કે આ સંધિમાંથી અમેરિકાના નીકળવાના કારણે પરમાણુ હથિયારોને સમાપ્ત કરવાના પ્રયાસો પર નકારાત્મક અસર થશે.

અમેરિકા ભાર મૂકતું આવ્યું છે કે રશિયાએ મધ્યમ અંતરની નોવાટોર 9એમ729 મિસાઇલ બનાવીને આ સંધિ તોડી છે. રશિયા જૂજ સમયમાં આ મિસાઇલથી નાટો દેશો પર હુમલો કરવા સક્ષમ છે.

મિસાઇલ બનાવીને સંધિ તોડવાની વાતને રશિયા નકારતું આવ્યું છે પણ નાટોએ જુલાઈમાં કહ્યું હતું કે રશિયા મિસાઇલ અંગે 'સંતુષ્ટ જવાબ' આપવામાં અસફળ રહ્યું છે.

જર્મનીના વિદેશ મંત્રીએ ટ્રમ્પ દ્વારા આ સમજૂતીને છોડવાની યોજનાને દુખદ ગણાવી છે. તેમણે કહ્યું છે કે આ સમજૂતી યુરોપ માટે મહત્ત્વપૂર્ણ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો