You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC Top News : રશિયામાં કોલેજમાં ગોળીબાર, 19ના મૃત્યુ
રશિયા સાથે જોડી દેવાયેલા યુક્રેનના ક્રિમિયાની ટેક્નિકલ કોલેજમાં વિદ્યાર્થીએ ગોળીબાર કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 19 વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયા છે.
આ હુમલાને અંજામ આપ્યા બાદ વિદ્યાર્થીએ પણ આત્મહત્યા કરી લીધી હતી. હુમલા અંગે વિરોધાભાસી અહેવાલ આવી રહ્યા છે.
અમુક અહેવાલો મુજબ જેને-જેને ગોળી વાગી તે દરેક વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય કેટલાક અહેવાલ મુજબ, અમુક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં રશિયાએ ક્રિમિયા પર કબજો કરી લીધો હતો, ત્યારે પશ્ચિમી દેશોએ તેની ટીકા કરી હતી.
અમદાવાદમાં પાંચ રેડિયો જોકી(RJ) સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
સંદેશના અહેવાલ મુજબ નવરાત્રી દરમિયાન ત્રીજા દિવસે અમદાવાદના એક પાર્ટી પ્લૉટમાં RJ દ્વારા ફેંકવામાં આવેલી સીડી એક ચાર વર્ષના બાળકને આંખના નીચેના ભાગમાં વાગતા ગંભીર ઈજા થઈ હતી.
આ અંગે બાળકના પિતા ભાવેશ ઝાલાવાડિયાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે પાંચ RJ (રેડિયો જોકી) વિરુદ્ધ IPCની કલમ 337 હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
તેમણે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે RJ દ્વારા પ્રમોશન માટે કોઈ વ્યક્તિની શારીરિક સલામતી જોખમાય તે રીતે બેદરકારીથી સીડીઓ ઉછાળવામાં આવી હતી.
ભાવેશે વધુમાં જણાવ્યું હતું કે ઈજા બાદ પાર્ટી પ્લૉટમાં પ્રાથમિક સારવાર માટે કોઈ સુવિધા જ નહોતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આવી જ રીતે ફરી 15મી તારીખે તેઓ ફરી પાર્ટી પ્લૉટમાં ગરબા જોવા ગયા, ત્યારે સીડી ફેંકવાનુ ફરી ચાલી રહ્યું હતું, જેથી તેમણે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું.
વસ્ત્રાપુર પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એમ. જાડેજાને ટાંકતા અખબાર લખે છે કે પોલીસ દ્વારા સીસીટીવી (ક્લોઝ સર્કિટ કૅમેરા) અને વીડિયો સહિત માહિતી એકઠી કરવામાં આવશે તેમજ ફરિયાદીઓના નિવેદન લેવામાં આવશે.
વીડિયોગ્રાફીમાં બેદરકારી દેખાશે તો તમામની ધરપકડ કરવામાં આવશે અને પાર્ટી પ્લૉટ પાસે જો પ્રાથમિક સારવારની વ્યવસ્થા ન હોય તો તેમના પર પણ કાર્યવાહી કરવામાં આવશે.
મોદી સાથે શ્રીલંકાના રાષ્ટ્રપતિએ વાત કરી
શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ બુધવારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી અને તેમને 'પાક્કા મિત્ર' ગણાવ્યા હતા.
બુધવારે અમુક મીડિયા આઉટલેટ્સે અહેવાલ આપ્યા હતા કે શ્રીલંકાના રાષ્ટ્રપતિને આશંકા છે કે ભારત તેમની હત્યા કરાવી નાખશે.
મોદી સાથે વાતચીતમાં સિરિસેનાએ મીડિયામાં પ્રકાશિત અહેવાલોને 'ખોટા અને પાયાવિહોણાં' જણાવ્યા હતા.
'ખોટા સમાચાર'ને અટકાવવા માટે શ્રીલંકાની સરકારે કેવા પગલાં લીધા છે, તેના વિશેની માહિતી પણ વડા પ્રધાન મોદીને આપી હતી.
વડા પ્રધાન મોદીએ પણ 'તત્કાળ સ્પષ્ટતા' કરવા બદલ રાષ્ટ્રપતિ સિરિસેનાની પ્રશંસા કરી હતી.
પાર્સલ બૉમ્બ દ્વારા હત્યાનો પ્રયાસ
હિંદુસ્તાન ટાઇમ્સમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરની એક સ્કૂલના માલિક વિઠ્ઠલભાઈ ડોબરિયાને પાર્સલ બૉમ્બ મોકલવામાં આવ્યો હતો.
ડોબરિયાને મોકલવામાં આવેલા પાર્સલમાં જિલેટીન સ્ટિક તથા ડિટોનૅટર ગોઠવવામાં આવ્યા હતા, પરંતુ વિસ્ફોટ થયો ન હતો.
પાર્સલમાં મોકલવામાં આવેલી વસ્તુઓ સંદિગ્ધ જણાતા ડોબરિયાએ પોલીસને જાણ કરી હતી.
જિલ્લા પોલીસ વડા બલરામ મીનાના કહેવા પ્રમાણે, બૉમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્કવૉડે ઘટના સ્થળે જઈને 'કંટ્રોલ્ડ બ્લાસ્ટ' દ્વારા સલામત રીતે બૉમ્બનો નાશ કર્યો હતો.
પોલીસ દ્વારા સંદિગ્ધ શખ્સની તપાસ હાથ ધરવામાં આવી છે.
અલ્પેશ કથીરિયાના ઘરે પહોંચ્યા નરેશ પટેલ
નવગુજરાત સમયના અહેવાલ અનુસાર, સુરતના પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા રાજદ્રોહના ગુના હેઠળ જેલમાં છે. તે દમરિયાન ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલે મંગળવારે સુરત સ્થિત અલ્પેશના પરિવારજનોની મુલાકાત લીધી હતી.
નરેશ પટેલે અલ્પેશના પરિવાર સાથે વાતચીત કરી હતી અને ઘટના અંગે સંપૂર્ણ વિગત જાણી હતી.
મુલાકાત બાદ નરેશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે અલ્પેશના પરિવારજન જેલમુક્તિની માંગ કરી રહ્યાં છે, ત્યારે ન્યાયતંત્રની પ્રક્રિયા મુજબ વહેલી તકે જેલ મુક્તિ મળે તે માટે સરકાર સાથે વાટાધાટ ચાલી હોવાની વાત કહી હતી.
તાજેતરમાં હાર્દિક પટેલના 19 દિવસના ઉપવાસ પછી નરેશ પટેલ મધ્યસ્થીની ભૂમિકામાં પહોંચ્યા હતા ત્યારે હાર્દિકની ત્રણ માંગમાં અલ્પેશની જેલ મુક્તિની પણ માંગ હતી, જેથી નરેશ પેટેલે આ મુલાકાત કરી હોવાની શક્યતા વ્યક્ત કરાય રહી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો