'પેલો મારા ફોટા ઑનલાઇન મૂકશે તો મારું જીવન બરબાદ થઈ જશે'

ઇમેજ સ્રોત, BBC THREE
- લેેખક, લૌરા હિગિન્સ
- પદ, બીબીસી થ્રી
'આ ફોટા તે માણસ ઑનલાઇન મૂકી દેશે, તો મારું જીવન સાવ બરબાદ થઈ જશે.'
આ શબ્દો છે હેલ્પલાઇન પર ફોન કરનારી એક યુવતીનાં. મારી સાથી કર્મચારીએ તેનો ફોન ઉપાડ્યો હતો અને તે યુવતી ફોન પર રડી રહી હતી. ફોન પર તે બહુ જ ગભરાયેલી લાગતી હતી.
તેના બૉયફ્રૅન્ડે તેને હમણાં જ ધમકી આપી હતી કે તેની ન્યૂડ તસવીરો તે ઑનલાઇન મૂકી દેશે. આવી તસવીરો તેની ફૅમિલીએ જોઈ લીધી તો? કે પછી તેના મિત્રોના ધ્યાને આ તસવીરો ચડી તો? બૉયફ્રૅન્ડની ધમકીના કારણે તેને આપઘાત કરી લેવાનું મન થઈ રહ્યું હતું.
મેં 2015માં રિવૅન્જ પોર્ન (અશ્લિલ ફોટા ઑનલાઇન મૂકીને બદલો લેવાની વૃત્તિ) સામે હેલ્પલાઇન શરૂ કરી હતી. સરકારનાં ફંડથી ચાલતી આ સેવા છે, જેના પર રિવૅન્જ પોર્નનો ભોગ બનનાર કે તેની ધમકી મળી હોય તે ફોન કરીને મદદ માગી શકે છે.
અમે તેને 'આબરૂના બહાને જાતીય સતામણી' કહીએ છીએ. હેલ્પલાઇન માટે આ બહુ આકર્ષક સૂત્ર નથી, પણ કોઈ તમારો ફોટો કે વીડિયો તમારી સહમતી વિના જાહેરમાં મૂકી દે તેને આબરૂ લેવાના બહાને કરાતી જાતીય સતામણી જ કહેવી પડે.
તમે આ વાંચ્યું કે નહીં?
વર્ષ 2015થી ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં આવા કૃત્યને ગુનો ગણવામાં આવે છે. તેના માટે મહત્તમ બે વર્ષની કેદની સજા થઈ શકે છે.
રિવૅન્જ પોર્ન નવી વસ્તુ નથી. પ્રારંભમાં અમને જે ફોન આવ્યા તેમાં જૂના કિસ્સાની ફરિયાદો જ વધારે હતી. એક મહિલાના જૂના સાથીએ તેની ન્યૂડ તસવીરો અને વીડિયો તેના બ્લૉગ, સોશિયલ મીડિયા અને વેબસાઇટમાં મૂકવાનું ચાલુ જ રાખ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષોથી તે મહિલા આ સામગ્રી હટાવવા માટે પ્રયત્નો કરતી રહી, પણ તેનાથી કોઈ ફાયદો થતો નહોતો. તેણે પોલીસને પણ ફરિયાદ કરી હતી, પણ પોલીસને પણ ત્યારે ખ્યાલ નહોતો કે આવા કેસમાં કઈ રીતે કામ લેવું. તે મહિલા બહુ જ હતાશાભરી સ્થિતિમાં હતી.
આજે પણ અમારી પાસે જે કેસ આવે છે, તેમાં જૂના સાથી સામેની ફરિયાદો જ વધારે છે. તેમાં બે મુખ્ય પ્રકાર હોય છે.
પહેલા પ્રકારની ફરિયાદો સંબંધો સંદર્ભે છે. સંબંધોમાં બહુ સતામણી થતી હોય છે. બહુ ખરાબ સંજોગોમાં બ્રેકઅપ થયું હોય અને વ્યક્તિ પોતાનાથી છુટ્ટી પડેલી સાથી સામે બદલો લેવા માગતો હોય છે. આવા કિસ્સામાં મોટાભાગે અશ્લીલ તસવીરો પરિવારમાં કે ઑફિસમાં મોકલવાની ધમકી અપાતી હોય છે.

50 વર્ષની મહિલાઓ પણ મદદ માગે છે

ઇમેજ સ્રોત, BBC THREE
બીજા પ્રકારમાં વ્યક્તિ આવા ફોટો પોર્ન સાઇટ પર મૂકીને સાથીને શક્ય એટલી હદે બદનામ કરી દેવાની કોશિશ કરે છે.
અમારી પાસે ઑનલાઇન તસવીરો મુકાઈ હોવાની ફરિયાદ આવે, ત્યારે સૌપ્રથમ અમે તે તસવીરોને હટાવી દેવાનું કામ કરીએ છીએ. જોકે, બધી જ તસવીરો દૂર થઈ ગઈ હશે તેની ખાતરી અમે આપી શકતા નથી.
કેટલીક વેબસાઇટ્સ માથાભારે હોય છે. તેમની સાથે કામ કરવું મુશ્કેલ હોય છે. તે અમારી રિક્વેસ્ટને ધ્યાને લેતી જ નથી.
અમારી પ્રથમ વર્ષની કામગીરીમાં અમારી હેલ્પલાઇન પર 3000 ફોન આવ્યાં હતાં. હવે ત્રણ વર્ષ થવા આવ્યાં છે, ત્યારે અમારી પાસે 12,000થી વધુ ફોન અને ઈ-મેઇલ્સ થઈ ગયાં છે.
જોકે, હું એવું નથી કહેવા માગતી કે રિવૅન્જ પોર્નમાં વધારો થયો છે. તેની સામે હવે કેવી રીતે કામ લઈ શકાય છે તેની જાગૃતિ લોકોમાં વધી છે, તેથી ફરિયાદો વધી રહી છે.
કેટલાક એમ માનતા હોય છે કે માત્ર 'સેલ્ફી જનરેશન'ના યુવાન લોકો જ આમાં ફસાતા હોય છે. તમે પેલી સ્ટોરી સાંભળી હશે : છોકરી પોતાની ન્યૂડ તસવીર લે છે ત્યારબાદ બૉયફ્રૅન્ડને મોકલે છે.
બંને વચ્ચે ઝઘડો થાય છે. યુવક તસવીર ઑનલાઇન મૂકી દે છે. એવું થાય છે ખરું, પણ આખી વાત તેનાથી વધારે સંકુલ છે.
કિશોરીઓ અને યુવતીઓ અમારી વધારે મદદ લે છે, પણ મદદ માટે ફોન કરનારી સ્ત્રીઓ 40 અને 50ની ઉંમરને પાર કરી ગયેલી પણ હોય છે.

હસ્તમૈથુન કરતો વીડિયો વાઇરલ કરાયો
હમણાં એક ફોન આવેલો તેની ઉંમર 70 વર્ષની હતી. મોટી ઉંમરની વ્યક્તિઓને સેક્સોર્ટશનનો ભય હોય છે. તેમની સેક્સ અંગેની તસવીરો ખાનગીમાં લઈને પછી તેમને બ્લૅક મેઇલ કરીને પૈસા પડાવાતા હોય છે.
ફોન કરનારી મોટા ભાગની સ્ત્રીઓ જ હોય છે, પણ ચોથા ભાગના ફોન કરનારા પુરુષો પણ હોય છે. હમણાં એક પુરુષનો કિસ્સો આવેલો. આ પુરુષને ડેટિંગ ઍપથી કોઈનો પરિચય થયેલો. તે ફેક એકાઉન્ટ હતું.
તેને વેબકૅમ પર આવવા લલચાવાયો અને હસ્તમૈથુન કરતો તેનો વીડિયો ઉતારી લેવાયો. બાદમાં તેની પાસેથી પૈસા પડાવવાની કોશિશ થઈ હતી.
બીજાની જાતીય બાબતોને છુપાઈને જોવાની વૃત્તિ પણ બહુ જોવા મળે છે. અમને એવા પણ ફોન આવ્યા છે, જેમાં વ્યક્તિ બાથરૂમમાં કે પોતાના બેડરૂમમાં હોય ત્યારે ખાનગીમાં તેમની તસવીરો પાડી લેવાઈ હોય.
જાણીતી કે અજાણી વ્યક્તિએ આવું કર્યું હોય છે. આ ઉપરાંત અખબારોમાં વાંચવા મળતું હોય છે તે રીતે પણ ઘણીવાર લોકોની અંગત તસવીરો જાહેર થઈ જાય છે.
જેનિફર લૉરેન્સનું એકાઉન્ટ હેક થયું હતું અને તેની અંગત તસવીરો ઑનલાઇન ઉઠાવી લેવાઈ હતી, તેવું પણ થતું હોય છે.
મને એક જાણીતી યુવતીની કથા બરાબર યાદ છે. તે ઘરે જ રહેતી હતી અને પોતાની અંગત ક્ષણોનો વીડિયો તેણે કોઈને મોકલ્યો હતો.
સોશિયલ મીડિયા મારફતે મોકલેલા આ ફૂટેજ બીજાના હાથમાં આવી ગયા અને તે વાઇરલ થયા હતા. અમે તેને હટાવવાની કોશિશ કરેલી, પણ તે ચારે બાજુ ફેલાઈ ગયા હતા. તેના માટે આ બહુ મુશ્કેલ સ્થિતિ હતી.

ઇમેજ સ્રોત, Getty Images
પોતાની અંગત પળોના વીડિયો કે ફોટો સ્માર્ટફોનમાં રાખવાની ભૂલ ન કરવી જોઈએ. એકવાર વાલીએ અમારો સંપર્ક કર્યો હતો. તેમની દીકરી ઑસ્ટ્રેલિયામાં ફરવા માટે ગઈ હતી.
તેનો ફોન ચોરાઈ ગયો હતો. ફોનમાં બીચ પર તેણે લીધેલા કેટલાક ટોપલેસ ફોટો પણ હતાં.
ફોન ચોરનારે પરિવારનો સંપર્ક કર્યો હતો અને પૈસા પડાવવાની કોશિશ કરી હતી. અમે માતા-પિતાને સલાહ આપી હતી કે પોલીસની મદદ લેજો અને માગણી પ્રમાણે પૈસા ના આપી દેશો.
કેટલીક વાર આવું કૃત્ય કરનારા પણ અમારો સંપર્ક કરે છે. એક કિસ્સો મને બરાબર યાદ રહી ગયો છે, જેમાં આવું કૃત્ય કર્યા પછી તે માણસ બહુ ગભરાઈ ગયો હતો. પોતાની એક્સ-ગર્લફ્રૅન્ડની તસવીરો પોસ્ટ કરી દીધા પછી તેને પસ્તાવો થતો હતો.
તેણે એક ચોક્કસ રિવૅન્જ પોર્ન સાઇટમાં તસવીરો મૂકી દીધી હતી. આ સાઇટ છુટ્ટા પડેલા પ્રેમીઓને બદનામ કરી દેવાના હેતુથી જ બની છે.
અમે તેની ફરિયાદ હાથમાં લીધી અને તે બધી તસવીરો ડિલીટ કરાવી હતી. જોકે, તે માટે બહુ લાંબી માથાકૂટ કરવી પડી હતી.
આવા ફોન આવે ત્યારે અમારા માટે બહુ મુશ્કેલ સ્થિતિ થતી હોય છે. આવા કિસ્સામાં અમારે તટસ્થ રહેવાની કોશિશ કરવી પડતી હોય છે. અમને થાય કે આવું ખરાબ કૃત્ય તેણે શા માટે કર્યું હશે, પણ અમારે શાંતિથી કામ લેવું પડતું હોય છે.

ઇમેજ સ્રોત, Getty Images
અમે આવા લોકોને જણાવતા હોઈએ છીએ કે તમે ગેરકાનૂની કૃત્ય કર્યું છે. જોકે, આખરે પોલીસ કેસ કરવો કે કેમ તેનો નિર્ણય જેની તસવીરો હોય તેણે કરવાનો હોય છે.
કોઈપણ વ્યવસાય અને ક્ષેત્રમાં આવું થઈ શકે છે. એક મહિલાએ અમને ફોન કરીને તેનો કિસ્સો જણાવ્યો હતો, જેમાં લૉ ફર્મમાં કામ કરનારા તેના બધા સાથીને તેની નગ્ન તસવીરો પહોંચી ગઈ હતી.
તે કામ કરતી હતી તે કંપનીના ઇન્ક્વાયરી માટે અપાયેલા ઈ-મેઇલ પર તેના જૂના સાથીએ નિર્વસ્ત્ર તસવીર મોકલી દીધી હતી. તેના પોતાના ઈ-મેઇલમાં પણ તે તસવીર આવી હતી.
એટલું જ નહીં, કંપનીના બધા કર્મચારીના ઈ-મેઇલમાં તે પહોંચી ગઈ હતી. તેની કંપની સારી હતી અને તેની વહારે આવીને બધી જગ્યાએથી તસવીર દૂર કરાવી હતી. પરંતુ યુવતી માટે બહુ શરમજનક સ્થિતિ ઊભી થઈ હતી.
યુવતી તે કંપનીમાં સિનિયર પાર્ટનર તરીકે કામ કરતી હતી. તે બહુ રોષે ભરાઈ હતી. તેણે વિચાર્યું કે હું આને કોઈપણ સંજોગોમાં છોડીશ નહીં. તેણે આવી હિંમત દાખવી તે સારું થયું.
તેણે અમારો સંપર્ક કર્યો હતો. પોલીસને પણ તેણે ફરિયાદ કરી હતી. પોલીસે પણ મામલાની ગંભીરતા સમજીને તપાસ કરી હતી. અમે તેને કેટલીક સલાહ આપી હતી.
તે પ્રમાણે કંપનીએ બધા ઈ-મેઇલમાંથી તસવીરો હટાવી હતી. અમે તેને એ પણ સમજાવ્યું હતું કે પોલીસ તપાસ માટે જરૂરી પુરાવા કઈ રીતે રાખવા.
જોકે, બાદમાં કેસનું શું થયું તેની મને ખબર નથી. બાદમાં કેસનું કોર્ટમાં શું થાય છે તેના પર અમે નજર રાખી શકતા નથી.

ઇમેજ સ્રોત, BBC THREE
અમારી ટીમ અમારા કામ માટે ઘણી ઉત્સાહી છે. અમને દૂષણ સામે લડવામાં રસ છે, તેથી જ અમે કામ કરીએ છીએ. એવું પણ નથી કે અમારું બહું મોટું કૉલસેન્ટર હોય અને ઢગલાબંધ લોકો કામ કરતા હોય. અમે ફક્ત ત્રણ જ લોકો છીએ. તેથી અમારે સતત કામ કરતા રહેવું પડે છે.
તમે રોજ આવી હેરાનગતિની કથા સાંભળો ત્યારે તમને પણ માનસિક રીતે તેની અસર થતી હોય છે. ક્યારેક બહુ હતાશ પણ થઈ જવાય છે, કેમ કે અમે દરેકને મદદ કરી શકતા નથી.
આ કામની એક બીજી પણ બાજુ છે. અમારે સતત પોર્ન સાઇટ્સ જોવી પડે છે. એ કામ પણ તકલીફ આપનારું છે.
જોકે, આ કામના કારણે હું બહુ મજબૂત બની છું. હું માત્ર રડીને બેસી રહું તે ના ચાલે. મારે બીજાને મદદ કરવી પડે. આમાં થાકી જવાય તેવી શક્યતા છે. તેથી મારે સ્વયંની સંભાળ પણ લેવાની છે.
હું મારા કૉલર સાથે પ્રૉફેશનલ સંબંધ જ રહે તે માટે કોશિશ કરું છું. જોકે, તમે લાગણીશીલ ના બનો તેવું કરવું મુશ્કેલ હોય છે. લોકો પોતાની કથની સંભળાવે ત્યારે દિલમાં લાગી આવતું હોય છે.
હું કોશિશ કરું છું કે મારા કામમાં જ ધ્યાન આપું. ક્યારેક એમ લાગે કે અમારા સ્ટાફ પર લાગણીનો બોજ વધી રહ્યો છે, ત્યારે હું કહું છું, "બહુ થયું - બ્રેક લઈ લો. બંધ કરો તે બધી સાઇટ્સ અને થોડી વાર કશાક બીજા કામમાં લાગો".
બીજાની અંગત તસવીરો જાહેર કરી દેવાનો પોતાને અધિકાર છે એમ કેટલાક માને છે તે બહુ ઘૃણાસ્પદ લાગે છે. આવા લોકો સામે લડી લેવા માટે મારે જે કરવું પડશે તે બધું જ હું કરીશ.
ફોન કરનારી વ્યક્તિની ઓળખ જાહેર ના થાય તે માટે આ લેખમાં કેટલીક વિગતો બદલીને રજૂ કરવામાં આવી છે.
નતાલી ટેના સાથેની વાતચીતના આધારે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












