You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું સમયને અટકાવવો શક્ય છે? જો એમ થાય તો...
- લેેખક, પિટર રે એલીસન
- પદ, બીબીસી ફ્યુચર
અમેરિકાના કવિ ડેલમોર શ્વાર્ટ્ઝે એકવાર લખ્યું હતુંઃ સમય એવી આગ છે, જેમાં આપણે સૌ બળીએ છીએ. આપણે જન્મીએ છીએ, જીવીએ છીએ અને મૃત્યુ પામીએ છીએ.
આમ છતાં સદાકાળથી આપણે સમયથી પર થવા માટેનું વિચારતા રહીએ છીએ.
સ્લિપિંગ બ્યૂટી જેવી પરીકથાઓથી માંડીને સાયન્સ ફિક્શનમાં વર્ણન જોવા મળે તેવું - સમય થંભી ગયો હોય તેવું સ્થળ અને સુષુપ્તાવસ્થા વિશે આપણે સદાય વિસ્યમથી વિચારતા રહીએ છીએ.
1971માં જોસેફ હેફેલ અને રિચાર્ડ કિટિંગે વિમાનમાં ચાર એટમિક ઘડિયાળો ગોઠવી હતી.
વિમાને પૃથ્વીની ફરતે બે ચક્કર માર્યાં, પ્રથમ પૂર્વ તરફ અને પછી પશ્ચિમ તરફ.
તે પછી એટમિક ઘડિયાળોને તપાસવામાં આવી ત્યારે તેમાં ફરક દેખાયો હતો.
હેફેલ-કિટિંગના પ્રયોગમાં સાબિત થયું સમય કેવી રીતે પસાર થાય છે તે સાંયોગિક અને પરિસ્થિતિજન્મય હોય છે.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોર્થ કેરોલિના સ્ટેટ યુનિવર્સિટી ખાતેના આસિસ્ટન્ટ પ્રોફેસર કેટી મેક કહે છે, "જો તમે સુપર-રિલેવિસ્ટિક (પૂર્ણ સાપેક્ષતાની) ગતિથી એટલે કે પ્રકાશની ગતિ જેટલી ગતિએ પ્રવાસ કરો અથવા તમે (કોઈક રીતે બચી જઈને) બ્લેકહોલ નજીકથી પ્રવાસ કરો તો તમારો જેટલો સમય પસાર થશે, તે અન્યના સમયની સરખામણીએ ઓછો હશે."
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહેતા અંતરીક્ષયાત્રીઓને લંબાતા સમયનો અનુભવ થાય છે કેમ કે તેઓ પૃથ્વી પર હોય તેના કરતાં ઓછી ઝડપે વૃદ્ધ થાય છે.
મેક કહે છે, ''તેઓ ઝડપથી પ્રવાસ કરી રહ્યા છે તેથી તેમને વિશેષ સાપેક્ષતાની (સ્પેશિયલ રિલેટિવિટીની) અસર થાય છે. પણ તેઓ પૃથ્વીથી વધારે દૂર હોવાથી તેમના પર ગુરુત્વાકર્ષણની ઓછી અસર થાય છે."
જોકે, આ સમય લંબાય છે તે માત્ર થોડી સેકન્ડ જેટલો જ હોય છે.
સમયને વધારે લંબાવવા માટે અત્યંત શક્તિશાળી ગુરુત્વાકર્ષણની જરૂર પડે અથવા પ્રકાશની ગતિએ પ્રવાસ કરવો પડે.
વર્તમાન સમયમાં બંનેમાંથી એક પણ સંભવ નથી.
રેડ ડ્વાર્ફ નામની સાયન્સ ફિક્શન સિરિઝમાં કોમેડી હતી પણ તેમાં સ્થંભિત સ્થળની અચરજભરી થિયરી આપેલી છે; "જે રીતે સીસામાંથી એક્સરે પસાર ના થઈ શકે, તે રીતે સ્થંભિત સ્થળમાં સમય પ્રવેશી શકે નહીં."
"તેથી તમારું અસ્તિત્ત્વ છે ખરું પણ સમયના કાળમાં તમારું કોઈ અસ્તિત્ત્વ નથી અને તમારો સમય છે જ નહીં."
આ અને ટેક્નૉલૉજીને લગતી આવી બીજી વાતો તેમાં વણી લેવાઈ હતી.
જેથી સિરિઝનું પાત્ર લિસ્ટર કહી શકે, "બસ આટલી સાદી વાત જ છે." આ સાદી વાત જોકે વિચારતા કરી દે તેવી છે.
સમય સાપેક્ષ હશે પણ વાસ્તવિક સ્થિતિ માટે તે સૌથી અગત્યનું પરિબળ છે.
રેડ ડ્વાર્ફના સહ-દિગ્દર્શક ડાઉ નેયલર કહે છે, "એક્સરે અને સીસાની વાત બરાબર છે પણ સમય અને સ્થંભિત સ્થળની વાતો ચકરાવે ચડાવે તેવી છે,"
સમય વિશેની ધારણાઓ બદલવી સહેલી છે પણ સમયને એટલી સહેલાઈથી થંભાવી શકાતો નથી.
મેક કહે છે, "તમે સમયને કઈ રીતે અનુભવો છો, તેમાં બહુ મોટો ફરક પડી શકે છે પણ સમય ખરેખર થંભતો નથી."
અમેરિકાની સંરક્ષણ ક્ષેત્રની સંશોધક સંસ્થા 'Darpa' હાલમાં જૈવિક રીતે સ્થંભિત સ્થિતિ (જૈવિક સ્થંભન) વિકસાવવા કોશિશ કરી રહે છે. જેથી શરીરને મોલેક્યુલર તબક્કે ધીમું પાડી શકાય.
જૈવિક સ્થંભનને કારણે આપણે જેને 'ગોલ્ડન અવર' કહીએ છીએ તેને લંબાવવાની ગણતરી છે.
યુદ્ધમાં ઘાયલ સૈનિકને સારવાર મળે ત્યાં સુધીનો સમય કટોકટીનો સમય હોય છે અને તેથી જ તેને ગોલ્ડન અવર કહેવાય છે.
જૈવિક સ્થંભન દ્વારા જીવનની ગતિને ધીમી પાડવાની વાત છે.
પ્રોગ્રામના મેનેજર અને 'Darpa'ની બાયોલૉજી ટેક્નૉલૉજીસ ઓફિસના ડૉ. ટ્રિસ્ટેન મેકક્લોયર-બેગલી કહે છે, "મોલેક્યુલર ફાર્મોકોલૉજીથી માંડીને બાયોકોમ્પેટિબલ મટિરિયલ કેમિસ્ટ્રી તથા પ્રક્રિયા કરેલા પ્રોટીન સુધીની સંભવિત ટેક્નૉલૉજીને ચકાસવા માટે મેં મૂળભૂત રીતે વિચાર્યું હતું."
જૈવિક સ્થંભન શક્ય બને તો તેના કારણે રક્તદાનથી મેળવેલા લોહીનો સંગ્રહ લાંબો સમય કરી શકાય.
સાથોસાથ કેમિકલ રિએક્શન સમયને ઘટાડીને બીજી દવાઓનો સંગ્રહ પણ લાંબો સમય સુધી શક્ય બને.
મેકક્લોયર-બેગલી કહે છે, "આ ટેક્નોલૉજીનો સંભવિત સૌથી મોટો ફાયદો સારવાર માટે ઉપયોગી વેક્સીન, એન્ટીબોડીઝ અને એન્ઝાઇમના સંગ્રહ અને તેની સાચવણીમાં થઈ શકે છે."
તેમનું કહેવું છે, "કોલ્ડ સ્ટોરેજ જેવી મોંઘી સુવિધાઓના બદલે આ ઉત્પાદનોના ગુણધર્મોને સ્થંભિત કરીને લાંબો સમય સુધી ખાતરીદાયક રીતે તેની સાચવણી એ આ કાર્યક્રમનો મહત્ત્વનો હેતુ છે."
જૈવિક સ્થંભન જોકે મેડિકલ ઇમરજન્સી માટે જ ઉપયોગમાં લેવાની ગણતરી છે. તેનો લાંબા ગાળા માટે ઉપયોગ કરવાનો ઇરાદો નથી.
લાંબા ગાળાના ઉપાયો માટે આપણે કુદરતમાંથી જ પ્રેરણા લેવી રહી. કેટલાક પ્રાણીઓ, જેમ કે જંગલી દેડકા સુષુપ્તાવસ્થામાં સરી જઈ શકે છે.
તેની બધી જ મેટાબોલિક (ચયાપચય) પ્રક્રિયા થંભી ગઈ હોવા છતાં તે જીવિત રહે છે.
તેના કારણે તે ઠરીને ઠામ થઈ જાય તેના બદલે જીવિત રહી શકે છે.
એ જ રીતે રીંછ જેવા પ્રાણીઓ પણ સુષુપ્તાવસ્થામાં રહી શકે છે.
તેની જૈવિક પ્રક્રિયા તદ્દન ધીમી થઈ જાય છે અને મહિનાઓ બાદ તેનામાં પુનઃસંચાર થાય છે.
મનુષ્યોમાં પણ તબીબી રીતે એવું શક્ય છે પણ તે બહુ ઓછા સમય માટે હોય છે.
દાખલા તરીકે કાર્ડિયાક એરેસ્ટ કે મગજને થયેલી ઈજાઓ વખતે તબીબી રીતે શરીરને થીજાવી દેવાની પ્રક્રિયા કરી શકાય છે.
દર્દીને સાવ ઠંડો પાડી દઈને થોડા દિવસ માટે ચયાપચયની પ્રક્રિયાને ધીમી કરી શકાય છે. જેથી શરીરને સાજા થવાનો સમય મળી જાય.
નાસાના મંગળ મિશનમાં યાત્રાએ જનારા અંતરીક્ષયાત્રીઓમાં આ સારવારથી ટોરપોર એટલે કે સુષુપ્તાવસ્થા લાવવાની ગણતરી છે.
ટોરપોરની પ્રક્રિયા બે ફેઝમાં કામ કરે છેઃ શરૂઆતનો કુલિંગનો ગાળો, જેમાં બેભાનાવસ્થા લાવવામાં આવે છે અને તે પછી બીજા ફેઝમાં પુનઃસંચાર એટલે કે ઉષ્માનો ગાળો.
સ્પેસવર્કસ કંપનીના સીઈઓ અને પ્રેસિડેન્ટ જ્હોન બ્રેડફોર્ડ જણાવે છે, "સારવાર વખતે તમને બેહોશ કરવા માટે દવા શરીરમાં દાખલ કરીને ભારે ડોઝ આપવામાં આવે છે."
"જોકે, અમે એવી નવી દવા શોધી રહ્યા છીએ, જેથી બહુ ઓછા પ્રમાણમાં બેહોશીની દવા જોઈએ."
"સરળતાથી બેહોશી આવે અને કુલિંગની પ્રક્રિયા પણ સરળ બને તે માટેની કોશિશ છે."
એવું જોવા મળ્યું છે કે શરીરના તાપમાનને માત્ર 5 ડિગ્રી સેલ્સિયસ ઓછું કરી દેવામાં આવે તો પણ ચયાપચયની ક્રિયા (શરીરને જીવિત રાખવા માટે થતું મેટાબોલિઝમ) 50% ઘટી જાય છે.
બ્રેડફોર્ડ કહે છે, "પ્રાણીઓ લાંબું જીવવા માટે સુષુપ્તાવસ્થામાં જતા રહે છે. જેથી અમુક સમયનો ફાયદો થાય છે."
"જો તમે છ મહિના માટે ચપાયચયની ક્રિયામાં 50% ઘટાડો કરી શકો તો કદાચ ત્રણેક મહિનાનો ફાયદો થાય,"
"આ જ અમારો મુખ્ય હેતુ છે પણ તેવી અસર થાય છે કે કેમ અને કેટલી થાય છે તે સાબિત કરવા માટે હજી ઘણું બધું રિસર્ચ કરવું પડે તેમ છે."
દેહદાન કરનારી વ્યક્તિનું અંગદાન મળે તે માટે રાહ જોઈ રહેલા દર્દીને પણ સુષુપ્તાવસ્થાનો ફાયદો થઈ શકે છે.
ઉપર જણાવેલી ટેક્નૉલૉજીસથી ચયાપચયની ક્રિયા ધીમી પડે ખરી પણ શું વિજ્ઞાન કથાઓમાં દર્શાવાતી સુષુપ્તાવસ્થા સંભવ છે ખરી?
આ બધામાં સૌથી જાણીતી છે ક્રાયોનિક્સની ટેક્નિક, જેમાં શરીરને માઇનસ-190 ડિગ્રી સેલ્સિયસ (-360 ડિગ્રી ફેરનહિટ) જેટલા નીચા તાપમાને થીજાવી દેવામાં આવે છે. દર્દીને લાંબા સમય પછી ફરીથી જીવંત કરવાની શક્યતા સાથે.
કોઈ વ્યક્તિને માત્ર અત્યંત ઠંડી સાથે થીજાવી દેવા કરતાં ક્રાયોનિક્સ સ્થિતિમાં થીજાવી દેવાની વાત વધારે સંકુલ છે.
ક્રાયોનિક્સ યુકેના વિક્ટોરિયા સ્ટિવન્સ સમજાવે છે, "શરીરમાંથી બધું જ લોહી કાઢી લેવામાં આવે છે અને તેની જગ્યાએ ક્રાયો-પ્રોટેક્ટિવ સોલ્યુશન નસોમાં ભરી દેવામાં આવે છે."
તેઓ ઉમેરે છે, "તેના દ્વારા વ્યક્તિને સોલિડ સ્ટેટમાં મૂકવાને બદલે તેને ગ્લાસ સ્ટેટમાં મૂકવામાં આવે છે. જેથી બરફના ક્રિસ્ટલને કારણે થનારું નુકસાન ટાળી શકાય છે."
હૃદય કામ કરતું અટકી જાય તે પછી જ ક્રાયોનિક્સનો ઉપયોગ કરવામાં આવે છે.
તેની પાછળની કલ્પના એવી છે કે તબીબી વિજ્ઞાન ભવિષ્યમાં ખૂબ આગળ વધે અને જે તે રોગની સારવાર શક્ય બને ત્યારે સંભવિત રીતે વ્યક્તિમાં ફરી સંચાર કરીને, પુનઃજાગ્રત કરીને સાજા કરી શકાશે.
સ્ટિવન્સ કહે છે. "હજી સુધી કોઈને પુનઃજાગ્રત કરાયા નથી કેમ કે અત્યારે તેમ કરવા માટેની ટેક્નૉલૉજી જ આપણી પાસે નથી."
તેઓ ઉમેરે છે, "જો આપણી પાસે એવી કોઈ ટેક્નૉલૉજી હોત તો ખરેખર કોઈને ક્રાયો-પ્રિઝર્વ કરવાની જરૂર જ ઊભી ના થઈ હોત."
અત્યાર સુધીમાં સેંકડો લોકોના શરીરોને ક્રોયનિક્સ કરીને સાચવી રખાયા છે પણ તે માટેની પ્રક્રિયા બહુ જ અઘરી છે.
એ વાત પણ સ્ટિવન્સ સ્વીકારે છે, "આ પ્રાયોગિક ધોરણે થઈ રહેલું કામ છે અને તેનું કોઈ તારણ હજી સુધી નીકળ્યું નથી."
2001ના વર્ષમાં 13 મહિનાની એરિકા નોર્ડી બરફમાં ફસાઈ ગઈ હતી અને સુપુષ્તાવસ્થા જેવી સ્થિતિમાં સરી ગઈ હતી.
લગભગ બે કલાક સુધી તે એવી સ્થિતિમાં રહી હતી અને તે પછી તેને સફળતાપૂર્વક પુનઃજાગ્રત કરી શકાય હતી.
એરિકાના હૃદયના ધબકારા પણ બંધ થઈ ગયા હતા અને તબીબી રીતે તેનું મૃત્યુ થઈ ગયું હતું.
આ કિસ્સાને કારણે એવી આશા જાગી કે એક દિવસ કદાચ આપણે સુષુપ્તાવસ્થા હાંસલ કરી શકીશું.
જોકે, આ એક અપવાદરૂપ કિસ્સો હતો અને તેના જેવી સ્થિતિ અન્ય વ્યક્તિમાં હાંસલ કરી શકાય નથી.
સમય આપણને વાસ્તવનું ભાન કરાવે છે. તેથી તેને પણ મૃત્યુની જેમ કે લંબાઈની જેમ અટકાવી શકાતો નથી.
બીજું વ્યવહારમાં સમયનું સ્થંભન કરવું એન્જિનિયરિંગ અને ઊર્જાની જરૂરિયાતની દૃષ્ટિ એટલું સંકુલ અને અઘરું રહેવાનું છે.
આ અશક્ય લાગતી વાત શું જૈવિક એન્જિનિયરિંગના પ્રોજેક્ટસ દ્વારા શક્ય બને ખરી?
શું તેના કારણે આપણને સમયની ગણના કરવાની જરૂર નહીં રહે?
"કદાચ," એમ મેકક્લુયર-બેગલી કહે છે અને ઉમેરે છે, "પણ તેની રાહમાં રાતના ઉજાગરા કરશો નહીં."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો