BBC SPECIAL : ચીનના ફિલ્મી દંગલમાં દિલ જીતતું બોલીવૂડ

ચીનના લોકો
    • લેેખક, વિનિત ખરે
    • પદ, બીબીસી સંવાદદાતા, બેઇજિંગથી

હું ચીનના આન્હુઈ પ્રદેશના એક દૂરના ગામમાં જમવાના ટેબલ પાસે ખુરશી પર બેઠો હતો, ત્યાં સાત વર્ષનાં એક બાળકે જણાવ્યું કે તેણે 'દંગલ' ફિલ્મ જોઈ છે.

માત્ર બાળકે જ નહીં પણ મારી સાથે ચારે બાજુ જમવા બેઠેલા લગભગ તમામ લોકોએ જણાવ્યું કે તેમને આ ફિલ્મ કેટલી ગમી છે.

'દંગલ', 'હિંદી મીડિયમ' , '3 ઇડિયટ્સ' , 'પીકે' , 'ટૉઇલેટ-એક પ્રેમકથા' જેવી ફિલ્મોએ ચીનનાં શહેરોમાં અને ગામડાંમાં બોલીવૂડ અને ભારતની છબી ઊભારવાનું જે કામ કર્યું છે તે કદાચ ડિપ્લોમસીથી પણ ના થઈ શકે તેવું છે.

શાંઘાઈના એક પાર્કમાં હું આમિર ખાનના ફેન કૈરન છનને મળ્યો.

હિંદી ગીતની ફરમાઇશ પર તેમણે મને 'સિક્રેટ સુપર સ્ટાર' ફિલ્મનું 'મૈં ચાંદ હૂં...' ગીત ગાઈ સંભળાવ્યું.

છનને હિંદી ભાષા આવડતી નથી પણ તેમને ગીતનો અર્થ ખબર હતો.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

'દંગલ' એ તેમનો પરિચય તો બોલીવૂડ સાથે કરાવ્યો જ પણ એનો પ્રભાવ એમનાં અંગત જીવન પર પણ પડ્યો.

છને જણાવ્યું, ''જયારે મેં 'દંગલ' જોઈ ત્યારે મારું વજન 98 કિલો હતું. ફિલ્મ જોયા બાદ મેં મારી જાત સાથે સંકલ્પ કર્યો કે હું પણ વજન ઉતારીશ. હવે તમે જોઈ શકો છો કે હું કેવી બની ગઈ છું.''

સાથે આવેલાં ટીના અને લીફે મને કહ્યું કે એમણે સીડી અને વેબસાઇટ પર ભારતીય ફિલ્મો જોવાનું શરૂ કર્યું છે.

લીફે જણાવ્યું, ''ભારતીય ફિલ્મો દેશની સંસ્કૃતિને દર્શાવે છે. એમાં દેખાડવામા આવતા ડાંસ, ગીતો, ભગવાનની પૂજા, આ બધું મારું મન મોહી લે છે.''

એક વીગર છોકરીએ મને જણાવ્યું કે તેમના સમાજમાં બોલીવૂડની ફિલ્મોને કેટલી પસંદ કરવામાં આવે છે.

ચીનના લોકો
ઇમેજ કૅપ્શન, વિવિયન ઇચ્છે છે કે 'બાહુબલી'નો હિરો શાંઘાઈ જરૂર આવે

વર્ષ 2011માં રિલીઝ થયેલી '3 ઇડિયટ્સે' પણ ઘણા મિત્રો બનાવ્યા હતા.

ઘણાં કૉલેજ વિદ્યાર્થીઓએ આ ફિલ્મ ઑનલાઇન જોઈ હતી અને એમને ખ્યાલ આવ્યો હતો કે હિંદી ફિલ્મો કેવી હોય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ફિલ્મ જાણકારોના મતે વર્ષ 2014માં રિલીઝ થયેલી 'ધૂમ-3'એ ચીનમાં માત્ર 20 મિલિયન યુઆન( 20 કરોડ) નો બિઝનેસ કર્યો હતો.

જો કે, માનવામાં આવે છે કે વર્ષ 2015માં રિલીઝ થયેલી 'પીકે'એ લોકોને બોલીવૂડ તરફ આકર્ષિત કર્યા હતા.

આ ફિલ્મો બાદ આવેલી 'દંગલ' જેવી ફિલ્મોએ તો તમામ રૅકર્ડ તોડી નાખ્યા હતા.

ચીનની યુવતી
ઇમેજ કૅપ્શન, કેરન છન આમિર ખાનની ફેન છે

બોલીવૂડ સિવાય સાઉથ ઇન્ડિયન મૂવીઝ ફેન વિવિયને ફિલ્મ 'પીકે' બાદ 'બાહુબલી-2' જોઈ તો એટલા બધા પ્રભાવિત થયા કે ફિલ્મનાં પોસ્ટર્સ અને ગુડીઝ એમને જાપાનથી મંગાવ્યાં.

જાપાની ભાષાની ટ્રાન્સલેટર વિવિયન જણાવે છે, 'બાહુબલી-2'નું સ્ટોરી ટૅલિંગ, ગીતો અને ડાંસ જોઈને હું તો અચંબિત રહી ગઈ હતી. ફિલ્મના ડાયરેક્ટર એસએસ રાજમૌલીએ આમાં ખૂબ જ સુંદર રીતે ભારતની સભ્યતાને રજૂ કરી છે.

વિવિયન ઇચ્છે છે કે 'બાહુબલી'ના હીરો પ્રભાસ, શાંઘાઈ જરૂર આવે.

સેન્ટ્રલ શાંઘાઈમાં એક કેફેમાં પ્રભાસનાં પોસ્ટર્સ, બેજેઝ લઈને વિવિયને જણાવ્યું, ''પ્રભાસનો ફિટ શેપ, ગોળ મટોળ ચહેરો, વાંકડિયા વાળ ,સ્ટાઇલીશ મૂછ, મીઠું હાસ્ય અને ભારે અવાજને કારણે અમે ચીનમાં તેમને 'છોછો' કહીને બોલાવીએ છીએ. પ્રભાસને જોયા બાદ હવે મને પણ મૂછો ગમવા માંડી છે.''

ચીનમાં કલાકારોનું એક ચીની નામ પણ હોય છે

પાછલાં વર્ષોમાં જે રીતે ઝડપથી થિયેટરોનું નિર્માણ થયું છે, તેને કારણે ચીનમાં ફિલ્મ બૉક્સ ઑફિસ પર વકરો 8.6 બિલિયન ડૉલર્સ સુધી પહોંચી ગયો છે.

ડિલૉયટનાં એક અહેવાલ પ્રમાણે, 2020 સુધી ચીનમાં બૉક્સ ઑફિસ અને ઑડિયન્સના આંકડા ઉત્તર અમેરિકાને પણ પાછળ છોડી દેશે.

વર્ષ 2016માં ત્રણ ભારતીય ફિલ્મો- 'બાહુબલી-1', 'પીકે', 'ફેન' ચીનમાં રિલીઝ થઈ છે.

ગયા વર્ષમાં માત્ર 'દંગલ' ચીનમાં રિલીઝ કરવામાં આવી. આનું કારણ જણાવાયું હતું ડોકલામ વિવાદ પણ જાણકારો આ વાતને નકારી કાઢે છે.

આ વર્ષે જૂન સુધી પાંચ ભારતીય ફિલ્મો 'સિક્રેટ સુપરસ્ટાર', 'હિંદી મીડિયમ', 'બજરંગી ભાઈજાન', 'બાહુબલી-2' અને 'ટૉઇલેટ-એક પ્રેમકથા' ચીનમાં રિલીઝ થઈ ચૂકી છે. 'સુલતાન' અને 'પેડમેન' રિલીઝ માટે તૈયાર છે.

સલમાનનું ટેટું
ઇમેજ કૅપ્શન, ભારતીય ફિલ્મો ચીનમાં લોકપ્રિય થવા લાગી છે

ભારતીય ફિલ્મોમાં દર્શાવવામાં આવતી વાર્તા ચીનમાં એટલી લોકપ્રિય બની રહી છે કે લોકો ચીનમાં બની રહેલી ફિલ્મોની સ્ટોરીલાઇન, ટ્રીટમેન્ટ પર સવાલ ઉઠાવી રહ્યા છે.

બોલીવૂડના ફેન અને વિદેશી ફિલ્મો ચીનથી મંગાવતા ચિયાનપિન લીનાં જણાવ્યા અનુસાર, કૉલેજના સમયમાં તેઓ 'થ્રી ઇડિયટ્સ'ના સાઇલેન્સરના પાત્ર જેવા હતા કે જે પુસ્તકોને જ ગોખી કાઢતા હતા.

પૂર્વી બીજિંગની પોતાની ઑફિસમાં ચિયાનપિન બીઇંગ હ્યૂમનની ટી-શર્ટ પહેરી બેઠા હતા અને લેપટૉપ પર ભારતીય ફિલ્મોની ઝલક અને વીડિયો જોતા હતા.

તેઓ જણાવે છે, ''બોલિવૂડની 'થ્રી ઇડિયટ્સ' અને 'હિંદી મીડિયમ' જેવી ફિલ્મો કૌટુંબિક સંબંધો અને લાગણી રજૂ કરે છે જેનો ચીનની ફિલ્મોમાં અભાવ છે."

"પરિવાર અને પ્રેમ ભારતીય ફિલ્મોમાં પ્રમુખ સ્થાને હોય છે. ચીનની ફિલ્મોમાં મને ઍક્શન, સ્પેશ્યિલ ઇફેક્ટ્સ, વિચિત્ર પ્લૉટ વધારે પ્રમાણમાં જોવા મળે છે જે હું સમજી પણ નથી શકતો.''

ચિયાનપિન લીએ 'થ્રી ઇડિયટ્સ' વર્ષ 2008માં મેં જોઈ હતી.

ચીનના લોકો
ઇમેજ કૅપ્શન, વર્ષ 2008માં ચિયાનપિન લીએ 'થ્રી ઇડિયટ્સ' જોઈ હતી અને ખૂબ પ્રભાવિત થયા હતા

તેઓ જણાવે છે, ''મને લાગ્યું કે આપણી શિક્ષણ વ્યવસ્થા પણ આવી જ છે. ફિલ્મ જોયા બાદ મને મારી કૉલેજ લાઇફ યાદ આવી ગઈ, જેવી જિંદગી મારે જોઈતી હતી તેવી મને મળી નહીં.''

ચિયાનપિનને સાઉથ ઇન્ડિયન ફિલ્મો પણ ગમે છે.

ચિયાનપિન લી જણાવે છે, ''હું ઇચ્છીશ કે ચીનમાં પણ લોકો સાઉથ ઇન્ડિયન ફિલ્મો જુવે."

"એમાં ઍક્શનને મસાલો ઉમેરી દેખાડવામાં આવતી હોય છે. લોકો આકાશમાં ઊડે છે."

"વચ્ચે તો મેં પણ ફિલ્મોના હીરોની માફક રંગ-બેરંગી કપડાં પહેરવાનું શરૂ કર્યું હતું, ત્યારે મને લાગ્યું હતું કે હું વધારે પડતી સાઉથ ઇન્ડિયન ફિલ્મો જોઉં છું.''

ચીનમાં સ્થાનિક અને વિદેશી ફિલ્મોનો બિઝનેસ 50:50માં વહેંચાયેલો છે અને વિદેશી ફિલ્મો માટે અહીંયા કોટા સિસ્ટમ છે એટલે કે દર વર્ષે એક ચોક્કસ સંખ્યામાં જ વિદેશી ફિલ્મો ચીનમાં રિલીઝ થઈ શકે છે.

વિદેશી ફિલ્મોનો અર્થ છે હોલીવૂડ, બોલીવૂડ અને બીજા દેશોની ફિલ્મો.

ચિયાનપિનના જણાવ્યા અનુસાર, ચીનમાં દર વર્ષે 800-900 ફિલ્મો રિલીઝ થાય છે. જેમાંથી 300-400 જ થિયેટર સુધી જ પહોંચી શકે છે.

જ્યારે બાકીની ઑનલાઇન કે ટીવી સુધી જ સીમિત રહી જાય છે અથવા તો એને રિલીઝ પણ કરી શકાતી નથી.

મોટા ભાગની ફિલ્મો યુવાનોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે, જેમ કે ગયા વર્ષે બનેલી 'વોલ્ફ વૉરિયર 2', જેણે એક અંદાજ અનુસાર બૉક્સ ઑફિસ પર 5.6 અબજ યુનાનની કમાણી કરી હતી. એક યુનાન એટલે 10 રૂપિયા.

line

ભારતીય ફિલ્મોનો ચીનમાં ઇતિહાસ

ચીનના લોકો
ઇમેજ કૅપ્શન, ચીનમાં મોટાભાગની ફિલ્મો યુવાનોને જોઈને બનાવાય છે

ચીનમાં ફરતાં ફરતાં મને જાણવા મળ્યું કે 50-55 ઉંમરનાં કેટલાક લોકો રાજ કપૂરની ફિલ્મ 'આવારા'ના ટાઇટલ ટ્રેકની ધૂન વિશે જાણે છે.

'આવારા હૂં....' એને ઘણા લોકો 'આબાલાગુ....' એમ કહીને ગાય છે.

'આવારા', જીતેન્દ્ર અને આશા પારેખની 'કારવાં' જેવી ફિલ્મોની વાર્તા અને ગીતોની ધૂન લોકોના મનમાં ગુંજતી રહે છે.

આવા જ છે ઇસ્ટાર ફિલ્મ્સના પ્રમુખ એલન લ્યૂ.

બેઇજિંગના છાઓયાંગ વિસ્તારમાં એમની ઑફિસે પહોંચવા માટે એક મોટા હોલમાંથી પસાર થઈ સીડીઓની મદદથી પહેલા માળે જવું પડે છે.

નીચે હૉલમાં દીવાલ પર ફિલ્મ 'સિક્રેટ સુપરસ્ટાર' નું એક મોટું પોસ્ટર લગાડવામાં આવ્યું છે.

જ્યારે એલન 10-11 વર્ષના હતા ત્યારે એમને પહેલી ફિલ્મ જોઈ તે હતી 'આવારા'. તે 1980નાં દાયકાનાં શરૂઆતનાં વર્ષો હતાં.

ચીનના લોકો
ઇમેજ કૅપ્શન, ચીનમાં સલમાન ખાનના પણ ફેન છે

તેઓ યાદ કરે છે, ''હું દર અઠવાડિયે મારા માતા-પિતા સાથે એક મોટા મેદાનમાં ફિલ્મ જોવા જતો હતો."

"વચ્ચે એક મોટી સ્ક્રીન લગાડેલી રહેતી હતી અને અમે ખુરશીઓ પર બેસતા હતા."

"મારી પહેલી ફિલ્મ 'આવારા' હતી. મારા પિતાની ઉંમરનાં લોકો ફિલ્મનું ગીત 'આબાલાગૂ...' એમ કહીને ગાઈ શકતા હતા."

"મારી બીજી ફિલ્મ જે મેં બહાર જોઈ હતી એનું ચીની નામ 'દા પંગ છૂ' (કારવાં) હતું જે મને ખૂબ ગમી હતી.''

એલન જણાવે છે કે 70 અને 80ના દાયકામાં ચીનમાં કૉમર્શિયલ થિયેટરનો જમાનો નહોતો અને મોટાભાગના લોકો લગભગ 500ની ક્ષમતાવાળા કલ્ચરલ થિયેટરોમાં સિંગલ સ્ક્રીન પર ફિલ્મો જોતા હતા. વિદેશી ફિલ્મોને ડબ કરવામાં આવતી હતી.

જાણકારોનું માનવું છે કે, રાજકીય તથા અન્ય કારણોસર કેટલાંક વર્ષો સુધી ભારતીય ફિલ્મો ચીનમાં જોવા મળી નહોતી.

જેઓ આમીર ખાનની ફિલ્મ 'દંગલ' ચીનમાં લઈને આવ્યા તેમણે 'દંગલ' પ્રથમ વખત મુંબઈમાં આમીરખાનના ઘરે જોઈ હતી.

સ્થાનિક મૂળિયામાંથી બનાવેલી ચાના ઘૂંટડા લેતાં લેતાં એલને કહ્યું, ''જ્યારે 'દંગલ' પૂરી થઈ ત્યારે હું રડી રહ્યો હતો."

"મને લાગ્યું કે આ મારા જીવનનો જ એક ભાગ છે. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કઈ રીતે માબાપ પોતાનાં બાળકો સાથે વર્તન કરે છે."

"મને યાદ આવ્યું કે જ્યારે હું નાનો હતો ત્યારે કેવી રીતે મારા માબાપે મને નવી વસ્તુઓ શીખવાડી હતી. ફિલ્મ જોયા બાદ મને પૂર્ણ વિશ્વાસ હતો કે ફિલ્મ ચીનમાં જરૂર ચાલશે.''

આશા હતી દંગલ ચીનમાં 200 મિલિયન યુઆન(200 કરોડ રૂપિયા)ની આસપાસ કમાણી કરશે જે કોઈ ભારતીય ફિલ્મ માટે મોટી વાત હતી.

ફિલ્મે 1.3 બિલિયન યુઆન(13 અબજ રૂપિયા) ની કમાણી કરી બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.

આવું એ ગાળામાં બન્યું જયારે રમત કે ડ્રામા સાથે જોડાયેલી ફિલ્મો સારી ચાલતી નહોતી પણ 'દંગલ'માં તો રમત અને ડ્રામાનું મિશ્રણ હતું.

એલન લ્યૂ
ઇમેજ કૅપ્શન, એલન લ્યૂ આમિર ખાનની ફિલ્મ 'દંગલ'ને ચીનમાં લાવ્યા હતા

વર્ષ 2015માં જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનની મુલાકાતે હતા ત્યારે લ્યૂના જણાવ્યા અનુસાર, ચીન સરકાર ઉમદા સંબંધોને આધારે એક સંદેશ આપવા માંગતી હતી.

એલન બ્લૂ જણાવે છે, ''વર્ષ 2015માં અમે(ચીન) સરકારના નિવેદન પર ભારતીય ફિલ્મો લાવવાની શરૂઆત કરી."

"અમે વિચાર્યું પણ નહોતું કે થિયેટરમાં આ ફિલ્મો કાંઈ ખાસ કમાણી કરી શકશે કારણ કે પહેલાં કદી આવું બન્યું નહોતું.''

ચીનમાં ધર્મ સંવેદનશીલ મુદ્દો છે અને 'પીકે' ફિલ્મ ધર્મ પર આધારિત હતી.

એલન બ્લૂ જણાવે છે, ''અમે ફિલ્મના વિષયને બદલે આમીરખાનને પ્રમોટ કર્યા. આમીર ચીન આવ્યા, એમણે કૉન્ફરન્સ કરી, પ્રેસ ઇન્ટરવ્યૂ કર્યાં જેનો બજાર પર ઘણો પ્રભાવ પડ્યો."

"અમે વિચાર્યું હતું કે ફિલ્મ 50 મિલિયન યુઆન (50 કરોડ રૂપિયા)ની આસપાસ કમાણી કરશે પણ ફિલ્મે 100 મિલિયન યુઆન(100 કરોડ રૂપિયા) ની કમાણી કરી હતી, જે ચીનમાં ભારતીય સિનેમા માટે એક રેકૉર્ડ હતો.''

એલન લ્યૂ
ઇમેજ કૅપ્શન, એલને પ્રથમવાર 'દંગલ' આમિરખાનના ઘરે જોઈ હતી

'પીકે'ની સફળતાથી પ્રભાવિત થઈને એલન 'બાહુબલી-1', 'ફેન' જેવી ફિલ્મો ચીનમાં લાવ્યા પણ તે ચાલી શકી નહીં અને પછી તે 'દંગલ' લાવ્યા.

'દંગલ'ની રિલીઝ વખતે એલન એક ટિકિટિંગ ઍપ પર લોકોની કૉમેન્ટ્સ પર નજર રાખી રહયા હતા.

એલન જણાવે છે, ''લોકોએ 'દંગલ'ને કોઈ વિદેશી કે ભારતીય ફિલ્મ તરીકે ના જોઈ."

"ફિલ્મના અંતમાં લહેરાતા ભારતીય ઝંડા પર પણ કોઈને કશો વાંધો આવ્યો નહોતો. તે વખતે તમે ભારત કે ચીન વિશે નથી વિચારતા.''

'દંગલ' બાદ 'સિક્રેટ સુપરસ્ટાર' એ પણ ચીનમાં ભારે કમાણી કરી હતી.

line

કેવી છે મુશ્કેલીઓ?

ચીનના લોકો
ઇમેજ કૅપ્શન, દુનિયાભરના લોકોની નજર ચીનના બજાર પર છે

ચીનના ફિલ્મ જગતના લોકોનું કહેવું છે કે ચીનમાં ભારતીય અને હોલીવૂડની ફિલ્મો ખરીદવાની રીત લગભગ એક જેવી જ છે.

ડિસ્ટ્રીબ્યૂટરને એક મિનિમમ ગેરંટી આપવી પડતી હોય છે અને ઘણી વખતે એમને ફિલ્મોના નફામાં પણ ભાગ આપવો પડતો હોય છે.

એક ફિલ્મ ખરીદદારનું કહેવું છે કે ભારતીય ફિલ્મોની હાલની સફળતાને કારણે ચીનમાં એને લાવવા માટે હોલીવૂડ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે.

એલન બ્લૂ જણાવે છે, ''ચીનના ખરીદદારો ભારતમાં બનતી બધી જ ફિલ્મો વધારે કિંમત ચૂકવી ખરીદે છે મને એ અંગે ચિંતા છે."

"જો તમે દરેક પ્રકારની ફિલ્મો ચીનમાં લઈને આવશો તો આનાથી ભારતની છબી ખરાબ થશે.''

''એક ડિસ્ટ્રીબ્યૂટરે મને જણાવ્યું કે આવું જર્મનીમાં પણ બન્યું હતું જ્યાં ભારતીય ફિલ્મોને ભારે સફળતા મળી પણ બાદમાં તમામ પ્રકારની ફિલ્મો જર્મનીમાં આયાત કરવામાં આવી જેથી સમગ્ર બજાર ડહોળાઈ ગયું. મને ચિંતા છે કે ચીનમાં પણ કયાંક આવું ના બને.''

એલન આમિરની એક ફિલ્મને ચીનમાં રીમેક કરી રહ્યા છે અને કબીર ખાન સાથે કૉ-પ્રોડક્શનમાં પણ જોડાયેલા છે.

એલન જણાવે છે, ''ચીનમાં અમારી પાસે સંખ્યાબંધ સારી ફિલ્મો છે જે ભારતીય બજારોમાં ચાલી શકે છે. મારું હવેનું લક્ષ્ય ચીનની ફિલ્મોને ભારતીય બજારોમાં લાવવાનું છે.''

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો