You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફૂટબૉલ વર્લ્ડ કપ હારવા છતાં શા માટે થઈ રહી છે ક્રૉએશિયાની પ્રશંસા?
રવિવારે રાત્રે રશિયામાં રમાયેલી ફૂટબૉલ વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ફ્રાન્સે 4 ગોલ કરીને વર્લ્ડ કપની ફાઇનલમાં પહેલી વાર પહોંચેલી ક્રૉએશિયાની ટીમને હાર આપી.
ઇન્ટરનેટ પર અને ખાસ કરીને સોશિયલ મીડિયામાં ક્રૉએશિયાને હારવા છતાં ચારે તરફથી અભિનંદન આપવામાં આવી રહ્યાં હતાં.
કોઈ પણ રમતમાં વિજેતા ટીમની પ્રશંસા થાય તેના વિશે નોંધ લેવામાં આવે છે.
જોકે, હારવા છતાં કોઈ ટીમની રમત બદલ તેમની પ્રશંસા થાય તેવું ભાગ્યે જ બને છે.
ક્રૉએશિયાની ટીમ જેવી રીતે ફૂટબૉલ વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોંચી તે ફૂટબૉલ ચાહકો માટે આશ્ચર્ય પમાડનારું હતું.
અમદાવાદથી ઓછી અને લગભગ વડોદરા જિલ્લા જેટલી 40 લાખની વસતી ઘરાવતા આ દેશે 1991માં આઝાદી મેળવી હતી.
આઝાદી બાદ રમાયેલા ફીફા વર્લ્ડ કપની ટૂર્નામૅન્ટમાં પ્રથમવાર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.
હારવા છતાં ક્રૉએશિયાની ચર્ચા કેમ?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ક્રૉએશિયા વર્લ્ડ કપમાં હારીને બીજા સ્થાન પર રહ્યું છતા તેની ચર્ચા થઈ રહી છે.
ક્રૉએશિયા આ વર્લ્ડ કપમાં ફાઇનલમાં પહોચવાની સાથે અન્ય કેટલાક કિર્તીમાનો પણ મેળવ્યા હતા જેના કારણે તેની નોંધ લેવામાં આવી રહી છે.
ક્રૉએશિયાએ પોતાના દેશની આઝાદી બાદ રમાયેલા 6માંથી 5 વર્લ્ડ કપમાં સ્થાન મેળવ્યું છે.
પહેલીવાર વર્લ્ડ કપની ફાઇનલમાં દિગ્ગજ દેશોને હરાવીને સ્થાન મેળવ્યું.
તમે આ વાંચ્યું કે નહીં?
વર્ષ 1998 બાદ પહેલી વાર ક્રૉએશિયાએ વિજય સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરી. પહેલી મેચમાં નાઇજીરિયા સામે ભવ્ય જીત મેળવી.
આર્જેન્ટિના સામે 3-0ની ભવ્ય જીત મેળવીને પહેલીવાર કોઈ પણ સાઉથ અમેરીકન દેશ સામે વર્લ્ડ કપમાં જીત મેળવી.
આઇસલૅન્ડ, ડૅનમાર્ક જેવી દિગ્ગજ ટીમોને હરાવીને રશિયા સામે ક્વાર્ટર ફાઇનલમાં 2-2ની સરખામણી સાથે મેચ પૂરી કરી અને પૅનલ્ટીમાં 4-3થી જીત મેળવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
સેમિફાઇનલમાં ઇંગ્લૅન્ડને 2-1થી હરાવીને પ્રથમ વખત ફાઇનલમાં એન્ટ્રી મેળવી હતી.
આ તમામ કિર્તીમાનો મેળવવાના કારણે વિશ્વના ફૂટબૉલ ચાહકોનાં દિલ ક્રૉએશિયાની ટીમે જીતી લીધાં.
નેટિઝન્સે ક્રૉએશિયાની હારને પણ જીત જેવી જ ગણાવી.
ફ્રાન્સે વર્લ્ડ કપ, ક્રૉએશિયાએ ચાહકોના દિલ જીત્યાં
રવિવારે રાત્રે સૉશિયલ મીડિયા પર ક્રૉએશિયાની હાર બાદ પણ તેના સમર્થનમાં સેલિબ્રિટીઝથી લઇને તમામ ચાહકોએ ખૂબ પ્રેમ વરસાવ્યો હતો.
ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે લખ્યું કે ફ્રાન્સને વિશ્વ વિજેતા બનવા બદલ અભિનંદન રમત ઘણું શીખવે છે અને ક્રૉએશિયા ખંતની શીખ આપી અને દિલ દઈને દ્ઢનિર્ધાર સાથે રમ્યું તેમને પોતાના પર ગર્વ થવો જોઈએ.
ફિલ્મોના સુપરસ્ટાર અમિતાભ બચ્ચને લખ્યું કે ફ્રાન્સને વિજય બદલ અભિનંદન અને ક્રૉએશિયાને દિલ જીતવા બદલ અભિનંદન
કૉરિયૉગ્રાફર નાવેદ જાફરીએ લખ્યું ફ્રાન્સને અદ્ભુત વિજય માટે અભિનંદન ક્રૉએશિયા બીજા સ્થાને રહ્યું છતાં વિજેતા છે કારણ કે તે યોદ્ધાની જેમ રમ્યું હતું.
ગૂગલના સીઇઓ સુંદર પીચાઈએ લખ્યું કે આ વર્લ્ડ કપ ખૂબ જ મહાન રહ્યો. ફ્રાન્સની ટીમ મારી સદા માટેની પ્રિય ટીમ હતી. ક્રૉએશિયાને સન્માન જે પ્રકારે તેમણે પ્રદર્શન કર્યું.
જાણીતા સિંગર અરમાન મલીકે લખ્યું કે સરળ ભાષામાં કહીએ તો શ્રેષ્ઠ પ્રદર્શનકર્તાઓ જીત્યા પરંતુ ક્રૉએશિયા ખૂબ સારું રમ્યું જે રીતે તેમણે વર્લ્ડ કપમાં લાંબી મંજિલ કાપી એ ગર્વની વાત છે.
ફિલ્મની અભિનેત્રી હુમા કુરેશીએ લખ્યું આવી રીતે ફ્રાન્સે વિજય મેળવ્યો. ચૅમ્પિયન્સ. ક્રૉએશિયા ગર્વ લેજો તમે આકરો સંઘર્ષ કર્યો.
ક્રૉએશિયાના સન્માનમાં મીમ્સ અને મૅસેજીસ વાઇરલ થયાં અને ફ્રાન્સની જીત સાથે સાથે ક્રૉએશિયાના પર્ફૉર્મન્સની પણ ખૂબ ચર્ચાઓ થઈ.
ક્રૉએશિયાની રાજધાનીમાં ભવ્ય ઉજવણી
રવિવારે ભારતીય સમય મુજબ મોડી રાત્રે વિશ્વ ફ્રાન્સની જીતની ઉજવણી કરી રહ્યું હતું.
આ સમયે ક્રૉએશિયાની રાજધાની ઝાગ્રેબના બૅન જેલસિક સ્કવૅરમાં 10,000થી વધુ લોકો એકઠાં થઈને પોતાના દેશની હારને ઉજવી રહ્યા હતા.
'ધી ગાર્ડિયન'ના અહેવાલ મુજબ મૅચની સમાપ્તી બાદ પહેલી 10 મિનિટ માહોલમાં ખુબ જ શાંતી છવાઈ ગઈ હતી.
બાદમાં એકઠી થયેલી ભીડે તાળીઓ વડે પોતાના દેશની ફાઇનલ સુધી પહોચવાની સિદ્ધીને બિરાદાવાની શરૂઆત કરી.
દેશના રાષ્ટ્રધવ્જ સાથે મોડીરાત સુધી ચાહકોએ ઉજવણી કરી હતી.
પરિણામ પોતાની તરફેણમાં ન હોવા છતાં ટીમના સ્વાગત માટે પરેડનું આયોજન કરાયું હતું.
ક્રૉએશિયાના વડા પ્રધાને જણાવ્યું હતું કે દરેક કંપની વિજેતા ખેલાડીઓના સ્વાગતમાં તેમના કર્મચારીઓ જોડાઈ શકે માટે રજા પાળે અને ટીમનું સ્વાગત કરે.
રાષ્ટ્રપતિ કૉલિન્ડાએ મૉસ્કૉમાં હાજર રહીને ટીમને પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું.
તેમણે મૅચ બાદ લૉકર રૂમમાં પણ ટીમ સાથે ફાઇનલ સુધી પહોંચવાની ઉજવણી કરી હતી.
ટીમની આ પ્રકારની સફળતા બદલ તેમને પોતાના દેશના સન્માનીય 'ક્રૉએશિયન ડેનીકા' મેડલથી સન્માનીત કરાશે.
આ મેડલ અગાઉ વૈજ્ઞાનિક નિકૉલસ ટેસ્લાને આપવામાં આવ્યો હતો.
ક્રૉએશિયાના પ્લૅયરનેગોલ્ડન બૉલ
ટૂર્નામૅન્ટના અંતે મહત્ત્વના એવૉર્ડની જાહેરાત કરાઈ હતી.
જેમાં ક્રૉએશિયાના ખેલાડી લુકા મોદરિકને પ્લૅયર ઑફ ધી ટુર્નામૅન્ટનો એવૉર્ડ અપાયો હતો અને ગૉલ્ડન બૉલની ટ્રૉફી આપી સન્માનિત કરાયા હતા.
જ્યારે ઇંગ્લૅન્ડના કૅપ્ટન હૅરી કૅન ગોલ્ડન બૂટની ટ્રૉફી જીત્યાં હતાં.
ફ્રાન્સના એમબાપ્પેને યંગ પ્લૅયરનો ઍવોર્ડ આપવામાં આવ્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો