પુરાતત્ત્વવિદોનો દાવો, ઇજિપ્તમાંથી મળી સમ્રાટ સિકંદરની કબર

પુરાતત્ત્વવિદોના એક સમૂહને આ મહિને જ ઉત્તર ઇજિપ્તના તટીય શહેર એલેક્ઝેન્ડ્રિયામાંથી બે હજાર વર્ષ પહેલાનું રહસ્યમય તાબૂત મળ્યું છે.

ઇજિપ્તના અધિકારીઓના કહેવા પ્રમાણે, શહેરમાં અત્યાર સુધી મળી આવેલા તાબૂતોની તુલનામાં આ તાબૂત સૌથી મોટું છે.

કાળા ગ્રેનાઇટમાંથી બનેલાં આ તાબૂતની ઊંચાઈ આશરે બે મીટર અને વજન 30 ટન જેટલું છે.

ઇજિપ્તના પુરાતત્ત્વ મંત્રાલયે સત્તાવાર ફેસબુક અકાઉન્ટ પર લખ્યું, "આ 265 સેન્ટિમીટર લાંબું, 185 સેન્ટિમીટર ઊંચું અને 165 સેન્ટિમીટર પહોળું છે."

એવું માનવામાં આવે છે કે આ તાબૂતનો ટૉલોમેઇક યુગ (ઇ.સ. પૂર્વે 300 થી 200)નું છે. આ યુગની શરૂઆત સિકંદરના મૃત્યુ સાથે થઈ હતી, જેમણે એલેક્ઝેન્ડ્રિયા વસાવ્યું હતું.

કોઈ નિર્માણ કાર્ય પહેલાં જમીનનું નિરીક્ષણ કરતી વખતે આ તાબૂત મળ્યું અને તે સારી સ્થિતિમાં હોવાથી નિષ્ણાતોને પણ આશ્ચર્ય થયું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

પુરાતત્ત્વ વિભાગના નિદેશક અયમાન અશમાવીએ મંત્રાલયની ફેસબુક પોસ્ટમાં લખ્યું, "તાબૂતના ઉપરના ભાગ અને બૉડી વચ્ચે ચૂનાનું સ્તર છે, જેનાથી સંકેત મળે છે કે પ્રાચીન યુગમાં તેને બંધ કરાયા બાદ ખોલવામાં આવ્યું નથી."

મહાન સિકંદર સાથે તાબૂતનો સંબંધ?

એવી એક ધારણા છે કે, પ્રાચીન ઇજિપ્તની કબરોને અનેક વખત લૂંટવામાં આવી હતી અને એ દૃષ્ટિએ આ તાબૂતનું મળવું અસામાન્ય ઘટના છે.

આ કબર પાસેથી જ એક માણસના માથાની એલબૅસ્ટર (એક પ્રકારનો કિંમતી સફેદ પથ્થર)ની બનેલી મૂર્તિ મળી છે.

બીબીસી વર્લ્ડ સર્વિસના આફ્રિકા ક્ષેત્રના એડિટર રિચર્ડ હૅમિલ્ટન કહે છે, "આ શોધ બાદ એવી શક્યતા જન્મી છે કે આ મહાન સિકંદરની ખોવાયેલી કબર પણ હોઈ શકે છે."

તેમણે કહ્યું, "જો અહીં મહાન સિકંદરનો મકબરો હોય તો પુરાતત્ત્વ વિભાગની આજ દિન સુધીની સૌથી મોટી શોધમાંથી એક ગણાશે."

જોકે, એડિટરના કહેવા પ્રમાણે, સ્થાનિક અધિકારીઓ એવી શક્યતા પણ વ્યક્ત કરે છે કે એલેક્ઝેન્ડ્રિયાના કોઈ અમીર વ્યક્તિનો આ મકબરો પણ હોઈ શકે છે.

હવે આ શોધ પર સૌની નજર છે અને નિષ્ણાતો જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આ તાબૂતમાં ખરેખર શું છે.

આ તાબૂતને પહેલી વખત ખોલવું એ બહુ મુશ્કેલ કામ છે અને એટલે જ શક્ય છે કે આ તાબૂત જ્યાં મળ્યું છે, ત્યાં જ તેને ખોલવામાં આવે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો