ગ્વાટેમાલા જ્વાળામુખી વિસ્ફોટમાં 75નાં મૃત્યુ, 200થી વધુ લાપતા

રાહતકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, રાહતકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરિ હાથ ધરી

ગ્વાટેમાલામાં ફ્યુગો જ્વાળામુખી ફાટવાને કારણે 75 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 200થી વધુ લોકો ગુમ થયા છે.

સત્તાવાળાઓનાં કહેવા પ્રમાણે, જ્વાળામુખીની ઢાળ પર વસેલું ગામ લાવા તથા માટી હેઠળ દબાઈ ગયું છે.

જ્વાળામુખીમાંથી ગરમ ગેસ અને લાવા નીકળવાને કારણે રાહત અને બચાવ કામગીરીમાં અવરોધ ઊભો થયો હતો.

રવિવારે જ્વાળામુખી ફાટ્યો હતો, જેનાં કારણે 17 લાખ લોકોને અસર પહોંચી છે અને ત્રણ હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે.

line
જ્વાળામુખી વિસ્કોટ પ્રભાવિત વિસ્તારમાં બચાવકર્મીઓ કામગીરી કરી રહ્યાં છે

ઇમેજ સ્રોત, REUTERS

ઇમેજ કૅપ્શન, બીજા વિસ્ફોટ બાદ પત્રકારોમાં ભાગદોડ મચી

ગ્વાટેમાલાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજીએ શક્યતા વ્યક્ત કરી હતી કે રવિવારે જ્વાળામુખી ફાટ્યો એ પછી ફરી મોટાપાયે લાવા નીકળવાની શક્યતા નથી.

આમ છતાંય મંગળારે ફરી એક વખત લાવા ફૂટી નીકળ્યો હતો.

ગ્વાટેમાલાથી બીબીસી સંવાદદાતા વિલ ગ્રાન્ટ જણાવે છે કે લાવાને કારણે ફ્યુગોના કિનારા પર વસેલું એક આખું ગામ નાશ પામ્યું છે.

ગ્વાટેમાલા ડિઝાસ્ટર રિલીફ એજન્સીએ ન્યૂઝ એજન્સી AFPને જણાવ્યું હતું કે 200થી વધુ લોકો ગુમ થયા છે.

line

મૃતકોને મળી હતી તાલીમ

ઘટનાને પગલે હજારો લોકોને ઘર છોડવાનો વારો આવ્યો

ઇમેજ સ્રોત, REUTERS

ઇમેજ કૅપ્શન, ઘટનાને પગલે હજારો લોકોને ઘર છોડવાનો વારો આવ્યો

જ્વાળામુખી ફાટે તો કેવી રીતે બચવું, તે વિશે સ્થાનિકોને તાલીમ આપવામાં આવી હતી, પરંતુ જ્વાળામુખી ફાટી શકે તેવી ચેતવણી આપવામાં ન આવી હોવાને કારણે તથા ખૂબ જ ઝડપભેર જ્વાળામુખી નીકળ્યો હોવાને કારણે તેઓ બચાવનાં પગલાં લઈ શક્યાં ન હતાં.

બીબીસી ન્યૂઝ વેબસાઇટના સાઇન્સ એડિટર પોલ રિકોનના કહેવા પ્રમાણે, "લાવા લગભગ 700 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે નીકળ્યો હતો. જે કોઈ જેટ વિમાનની ગતિ જેટલી ઝડપ છે.

"લાવા અને ગેસનું તાપમાન 200થી 700 અંશ સેલ્સિયસ હોય છે. આથી જો કોઈ તેના સંપર્કમાં આવે તો તેની બચવાની શક્યતા નહિવત્ હોય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો