BBC Top 5 News: ટ્રમ્પ: જોંગ-ઉન સાથે મુલાકાત ટળી શકે છે

અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આવતા મહિને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન સાથે થનારા ઐતિહાસિક સંમેલનમાં સમય લાગી શકે છે.

આ સંમેલન સંબંધે વાતચીત કરવા દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઈને વ્હાઇટ હાઉસની મુલાકાત લીધી હતી તે સમયે ટ્રમ્પે આ વાત કહી હતી.

દક્ષિણ કોરિયાની સમાચાર એજન્સી યોનહેપના એક રિપોર્ટ અનુસાર 'રાષ્ટ્રપતિ મૂને કિમ પાસેથી શું આશા રાખવી અને શું નહીં તે વિશે અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે ચર્ચા કરી હતી.'

અમેરીકાના રાષ્ટ્રપતિ અને ઉત્તર કોરિયાના નેતા વચ્ચે 12 જૂનના રોજ સિંગાપુરમાં વાતચીત પ્રસ્તાવિત છે.

એન્જેલિના માર્કેલ ચીન જશે

જર્મનીનાં ચાન્સેલર એન્જેલિના માર્કેલ ગુરૂ તથા શુક્રવારે ચીનના પ્રવાસે અહીં તેઓ અનેકવિધ વિષયો પર ચર્ચા કરશે.

વેપાર-વાણિજ્ય, સાઇબર સિક્યુરિટી, માનવાધિકાર તથા યુરોપમાં ચીનના રોકાણ અંગે જર્મની સમયાંતરે ચિંતા પ્રગટ કરતું રહ્યું છે.

ઈરાન સાથેની અણુ સંધિમાંથી અમેરિકા ખસી ગયું છે, તે પછી આ મુલાકાતને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ બેઠકમાં અમેરિકાની સંરક્ષણવાદી વેપારનીતિ અંગે પણ ચર્ચા થાય તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે ચાન્સેલર તરીકે એન્જેલિના માર્કેલનો આ 11મો ચીન પ્રવાસ છે.

બર્મામાં હિન્દુઓનો નરસંહાર થયેલો: એમ્નેસ્ટી

માનવ અધિકારો માટે કામ કરતી સંસ્થા એમ્નેસ્ટી ઇન્ટરનેશલની એક તપાસમાં સામે આવ્યું છે કે રોહિંગ્યા મુસલમાન ઉગ્રવાદીઓએ ગયા વર્ષ ઓગસ્ટમાં ઘણાં હિન્દુઓની હત્યા કરી હતી.

સંસ્થાનું કહેવું છે કે 'આરસા' નામના સંગઠને એક અથવા સંભવિત બે નરસંહારમાં 99 હિન્દુ નાગરિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા, પરંતુ 'આરસા'એ આ આરોપોને નકારી કાઢ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ હત્યાઓ એ સમયે થઈ હતી, જ્યારે મ્યાન્માર (બર્મા)ની સેના વિરુદ્ધ વિદ્રોહ ફાટી નીકળ્યો હતો.

મ્યાન્મારમાં ગયા વર્ષના ઓગસ્ટ માસ બાદ સાત લાખ રોહિંગ્યા અને અન્ય લોકોને હિંસાને પગલે પલાયન કરવું પડ્યું હતું.

રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આરસાના સભ્યોએ 26 ઓગસ્ટના રોજ હિન્દુ ગામ 'અહ નૌક ખા મૌંગ સેક' પર હુમલો કર્યો હતો.

આજે કુમારસ્વામીની શપથવિધિ

એચ. ડી. કુમારસ્વામી આજે સાંજે 4.30 કલાકે કર્ણાટકના મુખ્ય મંત્રીપદના શપથ લેશે. તેમની સાથે જેડીએસ તથા કર્ણાટકના કેટલાક ધારાસભ્યો પણ પ્રધાનપદના શપથ લેશે.

શપથવિધિમાં ભાગ લેવા માટે 12 મોટા વિપક્ષને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુ, પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનર્જી, દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ તથા સીપીઆઈએમની પોલિટ બ્યુરોના વડા સિતારામ યેચુરીનો સમાવેશ થાય છે.

જોકે તેલંગણાના મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવ આ કાર્યક્રમમાં હાજર નહીં રહે.

આ પહેલા યેદિયુરપ્પા 55 કલાક માટે કર્ણાટકના મુખ્ય મંત્રી બન્યા હતા, પરંતુ બહુમત સાબિત ન કરી શકતા રાજીનામું આપી દીધું હતું.

ઉલ્લેખનીય છે કે વિધાનસભામાં 104 બેઠકો સાથે ભાજપ સૌથી મોટો વિપક્ષ છે. 78 બેઠકો સાથે કોંગ્રેસ બીજા ક્રમે અને 37 બેઠકો સાથે જનતા દળ સેક્યુલર ત્રીજા ક્રમે રહ્યા છે. ભાજપ અને બહુમતની વચ્ચે હાથવેંતનું છેટું રહેતા કોંગ્રેસે જેડીએસને મુખ્ય મંત્રીપદ સાથે ટેકાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને દેવેગૈડાએ સ્વીકાર્યો હતો.

CSK ફાઇનલમાં

મંગળવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપરકિંગ્સ તથા સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે આઈપીએલ (ઇન્ડિયન પ્રિમિયર લિગ)ની પહેલી ક્વોલિફાયર મેચ રમાઈ હતી. જેમાં પાંચ બૉલ બાકી હતા તે પહેલા સુપરકિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને પરાજય આપ્યો હતો.

આ સાથે જ ચેન્નાઈ સુપરકિંગ્સે સાતમી વખત આઈપીએલમાં પ્રવેશ મેળવ્યો છે.

બીજી ક્વોલિફાયર મેચમાં જે ટીમ વિજેતા થશે તે ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સ સાથે ફાઇનલમાં ટકરાશે.

રવિવારે આઈપીએલ સિઝનની ફાઇનલ મેચ વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો