લાદેનના બોડીગાર્ડનું 'રક્ષણ' કરી રહી છે જર્મન સરકાર

ઇમેજ સ્રોત, Getty Images
એક સમયે ઓસામા બિન લાદેનના કથિત બોડીગાર્ડને જર્મનીની સરકાર દર મહિને રૂ. 95 હજારની મદદ કરી રહી છે.
કટ્ટર દક્ષિણપંથી પાર્ટી 'અલ્ટરનૅટિવ ફૉર જર્મની'ના એક સવાલના જવાબમાં ત્યાંની પ્રાદેશિક સરકારે આ આંકડો બહાર પાડ્યો છે.
મદદ મેળવનારો સામી એ. નામનો શખ્સ ટ્યુનેશિયાનો નાગરિક છે તથા 1997થી જર્મનીમાં રહે છે.
જોકે, સુરક્ષાના કારણોસર જર્મનીના મીડિયા આઉટલેટ્સે આ વ્યક્તિનું આખું નામ પ્રકાશિત નથી કર્યું.
સામી એ.ના કહેવા પ્રમાણે, તેમના જેહાદીઓ સાથે કોઈ સંબંધ નથી.
ટ્યુનેશિયામાં ત્રાસ આપવામાં ન આવે એ માટે સામી એ.ને સ્વદેશ પરત મોકલવામાં આવ્યા ન હતા.

ઇમેજ સ્રોત, Getty Images
9/11ના હુમલામાં સામેલ ઓછામાં ઓછા ત્રણ આત્મઘાતી પાઇલટ ઉત્તર જર્મનીના હમબર્ગ શહેરના અલ-કાયદા નેટવર્કમાં સામેલ હતા.
2015માં જર્મનીની આતંકવાદ વિરોધી એક તપાસમાં સાક્ષીઓએ જણાવ્યું હતું કે વર્ષ 2000માં સામી એ. અફઘાનિસ્તાનમાં હતા તથા કેટલાક મહિનાઓ સુધી ઓસામા બિન લાદેનના બોડીગાર્ડ પણ હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ટેક્નિકલ કોર્ષનો અભ્યાસ

ઇમેજ સ્રોત, FUNKE FOTO SERVICES
વર્ષ 2006માં એક તપાસ દરમિયાન સામી એ. તથા અલકાયદાના કથિત સંબંધો અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી હાથ ધરાઈ ન હતી.
સામી એ. જર્મની મૂળનાં પત્ની તથા ચાર સંતાનો સાથે પશ્ચિમ જર્મનીના બૉકમ શહેરમાં રહે છે.
સામી એ.ને વર્ષ 199માં હંગામી ધોરણે જર્મનીમાં રહેવાની મંજૂરી મળી હતી.
ત્યારબાદ તેમણે અનેક ટેક્નિકલ કોર્ષનો અભ્યાસ કર્યો હતો. તેઓ વર્ષ 2005માં બૉકમ જતા રહ્યા હતા.
તેમણે જર્મનીમાં રાજ્યાશ્રય માંગ્યો હતો, પરંતુ તેઓ જર્મનીની રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમરૂપ હોવાનું જણાવીને તેમની અરજી નકારી કાઢવામાં આવી હતી.
તેમણે દરરોજ પોલીસ સ્ટેશનમાં હાજરી ભરવાની હોય છે.

ઇમેજ સ્રોત, Getty Images
જર્મની સરકારના કહેવા પ્રમાણે, ઉત્તર આફ્રિકામાં સંદિગ્ધ જેહાદીઓની ઉપર ભારે ત્રાસ વર્તાવવામાં આવે છે.
આથી, ટ્યુનેશિયા તથા તેની આજુબાજુના આરબ રાષ્ટ્રો પર્યટકો માટે જોખમરૂપ રાષ્ટ્રોની યાદીમાં સમાવિષ્ટ છે.
ઓસામા બિન લાદેન અલ-કાયદાના જેહાદી નેટવર્કનું સંચાલન કરતો હતો.
2001માં અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલાને આ સંગઠને જ અંજામ આપ્યો હતો.
દસ વર્ષ બાદ 2011માં અમેરિકાના વિશે કમાન્ડો યુનિટ 'નેવી સિલ્સ'ના સૈનિકોએ પાકિસ્તાનના એબટાબાદ ખાતે લાદેનને ઠાર માર્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












