CIA ડાયરેક્ટર: ઉ. કોરિયા USની અંદર પરમાણુ મિસાઇલ છોડવા સક્ષમ બની શકે છે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ગૉર્ડન કોરેરા
- પદ, સુરક્ષા સંવાદદાતા
'ચીન જે રીતે પશ્વિમના દેશોને પ્રભાવિત કરવાની કોશિશ કરી રહ્યું છે તે રશિયાની વિધ્વંસક પ્રવૃતિઓ જેટલો જ ચિંતાનો વિષય છે.'
સીઆઈએના ડાયરેક્ટર માઇક પોમ્પિયોએ બીબીસીને કહ્યું કે એવી પ્રવૃતિઓનો અમલ કરવાની ક્ષમતા રશિયાની સરખામણીએ ચીન પાસે અનેક ગણી વધારે છે.
તેમણે કહ્યું કે રશિયા આ વખતે અમેરિકામાં યોજાનારી વચગાળાની ચૂંટણીઓને નિશાન બનાવી શકે છે.
અમેરિકાની જાસૂસી સંસ્થાના ડાયરેક્ટર માઇક પોમ્પિયોએ બીબીસીને જણાવ્યું કે યુરોપ અને અમેરિકાની સરકારોને નબળી પાડવા માટે રશિયા તરફથી કરવામાં આવતા પ્રયાસોમાં કોઈ ઘટાડો થયો નથી.
તમને આ પણ વાંચવું ગમશે
તેમણે એમ પણ કહ્યુ કે ઉત્તર કોરિયા થોડા મહિનાઓમાં જ અમેરિકા પર પરમાણુ મિસાઇલથી હુમલો કરવાની ક્ષમતા મેળવી શકે છે.
લગભગ દરરોજ સવારે ડોનાલ્ડ ટ્રમ્પને મહત્ત્વની જાણકારીઓ આપનારા પોમ્પિયોએ 'ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે યોગ્ય નથી' જેવા દાવાઓને બકવાસ ગણાવ્યા હતા.

સૌથી આગળ રહેવા માગે છે સીઆઈએ

ઇમેજ સ્રોત, Getty Images
વર્જીનિયામાં સીઆઈએના હેડ ક્વાર્ટરના સાતમા માળે ડાયરેક્ટરના કૉન્ફરન્સ રૂમમાં પૂર્વ ડાયરેક્ટર્સની અને તેમના કાર્યકાળ સમયે રહેલા રાષ્ટ્રપતિઓની તસવીરો રાખવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોમ્પિયો પણ ટ્રમ્પની જેમ જ સીઆઈએ માટેની પોતાની યોજનાઓને લઈને સ્પષ્ટ છે.
તેમણે બીબીસીને જણાવ્યું, "અમે દુનિયાની ઉત્તમ જાસૂસી સેવા છીએ. અમે અમેરિકાના લોકો તરફથી ગુપ્ત જાણકારીઓ મેળવવાનું કામ કરતાં રહીશું અને મારી ઇચ્છા છે કે અમે અમારા પ્રતિસ્પર્ધીઓથી આગળ રહીએ."
છેલ્લા એક વર્ષથી આ પદ પર બિરાજમાન પોમ્પિયો કહે છે કે સીઆઈએ પરથી બોજ ઓછો કરવાનું તેમનું લક્ષ્ય છે.
તેઓ કહે છે, "આ એક એવી સંસ્થા છે જે અનઅપેક્ષિત પ્રકૃતિની દુનિયામાં કામ કરી રહી છે. અહીં જાસૂસીના અંદાજ પરથી ના માત્ર સૈન્ય કાર્યવાહી થાય છે પરંતુ રાજકીય વિવાદો પણ થઈ શકે છે."

રશિયાની કથિત દખલગીરીને લઈને ચિંતા

ભલે રશિયા સાથે આતંકવાદ વિરોધી અભિયાનોને લઈને અમેરિકાનો સહયોગ રહ્યો હોય (ગયા વર્ષે સીઆઈએએ સેંટપિટર્સબર્ગમાં એક હુમલાને રોકવામાં મદદ કરી હતી.), પોમ્પિયો કહે છે કે તેઓ રશિયાને એક વિરોધીના રૂપમાં જ જુએ છે.
તેઓ યુરોપના દેશોમાં રશિયાની દખલગીરીને લઈને ચિંતા દર્શાવતા કહે છે, "રશિયાની આવી પ્રવૃતિઓમાં કોઈ ખાસ ઘટાડો થયો નથી."
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે નવેમ્બરમાં અમેરિકામાં યોજાવા જઈ રહેલી વચગાળાની ચૂંટણીને લઈને તેમને ચિંતા છે?
તેમણે કહ્યું, "બિલકુલ, મને પૂરેપૂરી આશા છે કે તેઓ કોશિશ કરશે. જોકે, મને વિશ્વાસ છે કે અમેરિકા સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવામાં સફળ થશે."

'ટ્રમ્પ પર પુસ્તકમાં થયેલા સવાલ બકવાસ'

ઇમેજ સ્રોત, Getty Images
પોમ્પિયોએ કહ્યું કે રશિયા તરફથી સરકારોને નબળી પાડવાના થઈ રહેલા પ્રયત્નોનો અમેરિકા સામનો કરી રહ્યું છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ રશિયાની દખલગીરીને નકારી રહ્યા છે. તો શું સીઆઈએના ડાયરેક્ટરને બધાને ખુશ રાખીને ચાલવું પડે છે?
તેના જવાબમાં પોમ્પિયો કહે છે, "હું એવું કરતો નથી. હું એવું જ કરું છું જે સાચું છે. અમે દરરોજ રાષ્ટ્રપતિને એ જ સચ્ચાઈ કહીએ છીએ જે અમને જાણવા મળે છે."
પોમ્પિયો હાલમાં જ આવેલા પુસ્તક 'ફાયર ઍન્ડ ફ્યૂરી'માં રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર ઉપર ઉઠાવવામાં આવેલા સવાલોથી કોઈ મતલબ રાખતા નથી.
તેઓ કહે છે, "એ હાસ્યાસ્પદ છે. મેં તો ના કોઈ પુસ્તક વાંચ્યું છે અને ના તો મારો વાંચવાનો કોઈ ઇરાદો છે. પુસ્તકમાં રાષ્ટ્રપતિને લઈને કરવામાં આવેલા દાવાઓ ખતરનાક અને ખોટા છે."
"મને દુઃખ છે કે આવા બકવાસને લખવા માટે કોઈને કઈ રીતે સમય મળે છે."

ટ્રમ્પની ભાષાનું સમર્થન

ઇમેજ સ્રોત, Getty Images
ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ-ઉનને 'રૉકેટ મેન' કહ્યા હતા. તેમજ અમેરિકાના ન્યુક્લિયર બટનને લઈને વાતો કરી હતી.
પરંતુ પોમ્પિયો કહે છે કે આ પ્રકારના નિવેદનોથી ઉત્તર કોરિયાના નેતા અને અન્ય દેશોના નેતાઓમાં વર્તમાન સ્થિતિની ગંભીરતાને સમજાવવામાં મદદ મળી છે.
"જ્યારે રાષ્ટ્રપતિ આ પ્રકારની ભાષાને પસંદ કરે છે, ત્યારે એ વાત ચોક્કસ છે કે કિમ જોંગ-ઉનને સમજાય છે કે અમેરિકા ગંભીર છે."
ઉત્તર કોરિયાનો પરમાણુ કાર્યક્રમ સીઆઈએના એજન્ડામાં ટોચના સ્થાને છે.
પોમ્પિયો કહે છે, "ઉત્તર કોરિયા થોડા જ મહિનામાં અમેરિકાની અંદર સુધી પરમાણુ હથિયાર છોડવા માટે સક્ષમ બની શકે છે."
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું કિમ જોંગ-ઉનને હટાવવા કે તેમના પરમાણુ મિસાઇલ લૉન્ચને રોકવું શક્ય છે, તો પોમ્પિયો કહે છે, "ઘણું બધુ શક્ય છે."
પરંતુ તેમણે એ વાતનો ફોડ ના પાડ્યો કે તેમનું આવું કહેવા પાછળનો મતલબ શું છે?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












