બેંગકોક: ત્રણ મહિના સુધી શા માટે પરિવાર એરપોર્ટ પર ફસાયો?

ઘણી વખત એવું થાય છે કે એરપોર્ટ પર કોઈ ફ્લાઇટ મોડી પડવાને કારણે ત્યાં જ દિવસ-રાત તો ઠીક, પરંતુ મહિના વિતાવવા પડે છે.

માત્ર થોડાં કલાક બેસીને આપણે કંટાળી જઈએ છીએ. તો વિચારો એક પરિવાર પર શું વીતી હશે જ્યારે તેમણે એક-બે દિવસ નહીં, પણ ત્રણ મહિના બેંગકોકના એરપોર્ટ પર વીતાવવા પડ્યા.

ઝિમ્બાબ્વેના એક પરિવારે ત્રણ મહિના બેંગકોકના સુવર્ણભૂમિ એરપોર્ટ પર વિતાવ્યા બાદ હજી મંગળવારે જ પોતાની નવી રાહ પકડી છે.

આ પરિવારમાં 11 વર્ષથી ઓછી વય ધરાવતા ચાર બાળકો અને 4 વયસ્કો હતા. તેઓ મે મહિનામાં બેંગકોક પહોંચ્યા હતા.

તમને આ પણ વાંચવું ગમશે

જ્યારે તેઓ ઓક્ટોબર મહિનામાં સ્પેન જવા માટે નીકળ્યા, ત્યારે તેમની પાસે યોગ્ય વિઝા ન હતા.

તેમની પાસે થાઇલેન્ડમાં ફરી પ્રવેશ કરવા માટે પણ વિઝા ન હતા. કેમ કે તેઓએ પોતાના ટુરિસ્ટ વિઝાની સમય મર્યાદા કરતા વધારે સમય ત્યાં વિતાવી દીધો હતો.

જો હવે તેઓ થાઇલેન્ડમાં પ્રવેશ કરે તો તેમણે દંડ ચૂકવવો પડતો.

તેઓ ઝિમ્બાબ્વે પણ જવા માગતા ન હતા. કેમ કે ત્યાં તેમનું દમન કરવામાં આવતું હતું.

એરપોર્ટ અધિકારીઓએ કરી પરિવારને મદદ

આ પરિસ્થિતિ અંગે લોકોને ત્યારે જાણવા મળ્યું જ્યારે સુવર્ણભૂમિ એરપોર્ટ પર કામ કરતા એક કર્મચારીએ પરિવારના એક બાળક સાથે ડિસેમ્બર મહિનામાં તસવીર પોસ્ટ કરી હતી.

તેમાં કહેવામાં આવ્યું હતું કે તેમની ખરાબ પરિસ્થિતિના કારણે પરિવાર એરપોર્ટ પર રહી રહ્યો છે.

તે સમયે કેટલાક અધિકારીઓએ પરિવારને મદદ પણ કરી હતી.

તેમણે યુક્રેન ઇન્ટરનેશનલ એરલાઇન્સની મદદથી વાયા કીવથી દુબઈની ટિકિટ બુક કરી હતી. જ્યાંથી તેઓ યુરોપીયન ઇમિગ્રેશન પર કોઈ ત્રીજા દેશમાં જઈ શકતા હતા.

પરંતુ UIAના પ્રવક્તાએ જણાવ્યું કે પરિવારે એ ટિકિટને રદ કરી નાખી હતી. તેમને એવું લાગતું હતું કે તેમને દુબઈથી ફરી થાઇલેન્ડ મોકલી દેવામાં આવશે.

પરિવારે UN (સંયુક્ત રાષ્ટ્ર ) પાસે પણ મદદની માગ કરી હતી. તેમણે UN સમક્ષ ઝિમ્બાબ્વેમાં દમનનો ડર વ્યક્ત કર્યો હતો.

ફિલીપાઇન્સની શરણે પરિવાર

ઝિમ્બાબ્વેમાં રોબર્ટ મુગાબેને નવેમ્બરમાં પદભ્રષ્ટ કર્યા બાદ હિંસા ફાટી નીકળી હતી.

જોકે, UNએ પરિવારને થાઇલેન્ડમાં રહેવા પરવાનગી આપી ન હતી. કેમ કે થાઇલેન્ડ એક એવો દેશ છે કે જે શરણાર્થીઓને દેશમાં કાયદેસર માન્યતા આપતું નથી.

તેવી પરિસ્થિતિમાં પરિવારે એરપોર્ટના ડિપાર્ચર (પ્રસ્થાન) વિસ્તારમાં જ પોતાનું ઘર બનાવી લીધું. તેમની દેખરેખ એરપોર્ટના સ્ટાફ દ્વારા કરવામાં આવતી હતી.

થાઇ ઇમિગ્રેશન બ્યૂરોના પ્રવક્તાના જણાવ્યા અનુસાર પરિવાર સોમવારની બપોરે બેંગકોક એરપોર્ટથી નીકળી ચૂક્યું છે.

પૉલીસ કર્નલ ચેરંગ્રોન રિમ્ફેડીએ બીબીસી થાઇ સર્વિસને જણાવ્યું કે આ પરિવાર ફિલીપાઇન્સ ગયો છે. ત્યાં UNHCRનો શરણું કેમ્પ છે.

જોકે, એ ખબર નથી કે તેઓ ત્યાં હંમેશા માટે રહેશે, કે ત્યાંથી બીજી કોઈ જગ્યાએ જશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો