You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડ્રૈકુલાના વતનમાં લસણ કેમ આટલું મહત્ત્વપૂર્ણ?
- લેેખક, મોનિકા સુમા
- પદ, બીબીસી ટ્રાવેલ
આપે લોહી પીતા ડ્રૈકુલા વિશે તો સાંભળ્યું જ હશે. વિખ્યાત લેખક બ્રામ સ્ટૉકરે આ પાત્રનું સર્જન કર્યું હતું.
આજે આપને ડ્રૈકુલાના દેશની સહેલ કરાવીએ. ડ્રૈકુલા નવલકથા, પૂર્વ યુરોપના ટ્રાન્સિલ્વૅનિયા વિસ્તાર પર આધારિત હતી.
ત્યાંના રાજા વ્લાઇડ ટૅપૅસ પર એક ઐતિહાસિક પુસ્તક લખવામાં આવ્યું હતું.
બ્રામ સ્ટૉકરે એ રાજાના પિતા વ્હલાડ ડ્રૈકુલના વ્યક્તિત્વના આધારે ડ્રૈકુલાના પાત્રનું સર્જન કર્યું હતું.
ડ્રૈકુલા કાલ્પનિક પાત્ર હતું. 19મી સદીમાં તેનો ભય ઊભો થયો, જે આજે પણ મોટાભાગના યુરોપિયનો પર પ્રવર્તમાન છે.
તમને આ પણ વાંચવું ગમશે
એ સમયે ટ્રાન્સિલ્વૅનિયાનો મોટાભાગનો વિસ્તાર આજના રોમાનિયા હેઠળ આવે છે.
જ્યાં આજે પણ લોકો ડ્રૈકુલા તથા અન્ય શયતાનોથી ડરે છે અને તેનાથી બચવા માટે જાતજાતના ટોટકા અજમાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડરને દૂર કરવા લસણનો ઉપયોગ
આપને સાંભળીને આશ્ચર્ય થશે, પરંતુ રોમાનિયાના લોકો ડ્રૈકુલાના ભયથી બચવા માટે લસણ સાથે રાખે છે.
ભારતમાં લસણનો ઉપયોગ મહદંશે ખાવા-પીવામાં થાય છે.
કેટલાક લોકોના દરેક ભોજનમાં લસણ હોય છે તો કેટલાક લોકો ધાર્મિક કારણોસર બિલકુલ લસણ ખાતા જ નથી.
કેટલાક લોકોને લસણની સોડમથી જ વાંધો હોય છે, પરંતુ આરોગ્ય માટે લસણ લાભકારક હોય છે.
રોમાનિયામાં પણ લસણ માટે ભારત જેવો જ ક્રેઝ છે. અહીં મોટાપાયે લસણની ખેતી થાય છે અને તેનો ઉપયોગ પણ થાય છે.
રોમાનિયાની લોકકથાઓમાં પણ લસણનું વિશેષ મહત્ત્વ રહેલું છે. તે દુષ્ટ આત્માઓથી લોકોને બચાવે છે.
પૂર્વ યુરોપમાં ભૂત-પ્રેતો સંબંધિત અનેક લોકકથાઓ પ્રવર્તમાન છે.
આ તમામ વાર્તાઓમાં દુષ્ટ આત્માઓથી છૂટકારો મેળવવાના ઉપાય તરીકે લસણ સૂચવવામાં આવે છે.
રોમાનિયામાં સદીઓથી એવી માન્યાતા છે કે જો તમારા ઘરમાં કોઈ પ્રકારની સમસ્યા હોય તો ઘરમાં લસણ રાખો. તેનાથી આપની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે.
અહીં લોકો દરવાજાઓ તથા બારીઓ પર લસણના હાર બનાવીને લટકાવે છે.
ગાયોના શિંગડાં પર લેપ
રોમાનિયાના ખેડૂતો ગાયોની સુરક્ષા માટે તેમનાં શિંગડાંઓ પર લસણનો લેપ કરે છે.
એવી માન્યતા છે કે દુષ્ટાત્માઓ ગાયો તથા ધાત્રી માતાઓનું દૂધ પીએ છે.
આ વિસ્તારમાં ગાયોએ ખેડૂતોની આજીવિકાનું મોટું માધ્યમ છે. એટલે ગાયોને બચાવવા માટે લસણનો ટોટકો અજમાવવામાં આવે છે.
સમગ્ર રોમાનિયામાં લસણનો ભારે ઉપયોગ થાય છે. અહીં લસણ વિના કોઈ પણ ભોજનની કલ્પના પણ ન થઈ શકે.
દહીં અને સૂર્યમુખીના તેલ તથા લસણનો ઉપયોગ કરીને અનેક પ્રકારની ચટણીઓ બનાવવામાં આવે છે.
માછલીઓમાંથી બનતી વાનગીઓમાં ભારે પ્રમાણમાં લસણ નાખવામાં આવે છે. રોમાનિયાના લોકો રોટલી પર લસણની ચટણી લગાડીને ખાવી પસંદ કરે છે.
રોમાનિયાના લોકો માને છે કે, લસણના મહત્તમ ઉપયોગથી આરોગ્ય સારું રહેશે અને દુષ્ટાત્માઓ પણ દૂર રહેશે.
રોમાનિયામાં લસણની ભારે માંગ રહે છે એટલે તેનું ઉત્પાદન પણ મોટાપાયે થાય છે. રોમાનિયાના ખેડૂતો મોટાપાયે તેની ખેતી કરે છે.
અહીં બૉટૉસાની વિસ્તારના લગભગ 40 ટકા ખેડૂતો લસણની ખેતી કરે છે.
કોપલાઉ વિસ્તારમાં ઉત્પાદિત લસણ વિશ્વભરમાં વિખ્યાત છે.
રોમાનિયામાં લોકોમાં લસણનું સૂપ ખૂબ જ પ્રચલિત છે. અહીંની વેજ કે નોન-વેજ એમ દરેક પ્રકારની વાનગીઓમાં લસણનો વ્યાપક ઉપયોગ થાય છે.
ઉપરાંત ડુક્કરના માંસમાંથી તૈયાર થતાં સૉસ પણ ખૂબ જ ખવાય છે. જેમાં પણ લસણનો મોટાપાયે ઉપયોગ થાય છે. લસણને કારણે સૉસનો સ્વાદ વધી જાય છે.
જેથી કરીને દુષ્ટ આત્માઓ સામે રક્ષણ મળે. શરદી અને ઉધરસ જેવી બીમારીઓમાં લસણ કારગત નીવડે છે.
રોમાનિયાના લોકો લસણનો ઉપયોગ ઍન્ટિ-બાયોટિક તરીકે પણ કરે છે.
લસણમાં એલિસિન નામનું કેમિકલ હોય છે, જેનાં કારણે લસણ સારું ઍન્ટિ-બાયોટિક છે. લસણમાં પેનિસિલીનમાં પણ આવી જ ખાસિયતો હોય છે.
સિઝનલ તાવમાં પણ લસણ કારગત નીવડે છે. રોમાનિયામાં પેઢી દર પેઢી લસણનો ઉપયોગ પરંપરાગત રીતે થાય છે.
રોમાનિયામાં લગ્નથી માંડીને જન્મ-મરણ સુધીની દરેક વિધિઓમાં લસણનો ઉપયોગ અચૂકપણે થાય છે.
સમાજનો ઉચ્ચ અને બુદ્ધિજીવી વર્ગ પણ લસણને ખૂબ જ પવિત્ર માને છે, એટલું જ નહીં તેનું મહિમાગાન પણ કરે છે.
હવે તો રોમમાં 'ગાર્લિક ફેસ્ટિવલ' પણ યોજાય છે. દરવર્ષે સપ્ટેમ્બર મહિનામાં આ ફેસ્ટિવલનું આયોજન થાય છે.
આ ફૂડ ફેસ્ટિવલમાં જેટલી વાનગીઓ પીરસવામાં આવે છે, તે તમામ વાનગીઓ લસણમાંથી બનેલી હોય છે.
રોમાનિયાની દુષ્ટાત્માઓને લસણની સુવાસ આવે છે કે નહીં, તે તો કહેવું મુશ્કેલ છે, પરંતુ અહીંના લોકોના દૈનિક જીવનમાં લસણનું ભારે મહત્વ છે.
ચાહે તે લોકકથાઓમાં હોય, ખાણીપીણી હોય કે દવાઓ.
તો આપ પણ રોમાનિયામાં ડ્રૈકુલાનો ભય લાગે તો લસણ સાથે રાખજો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો