You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદની હિંસક ઘટનાઓમાં પોલીસની ચૂક?
ગુજરાત સમાચારના અહેવાલ મુજબ અમદાવાદમાં ફિલ્મ 'પદ્માવત'ના વિરોધમાં થયેલી હિંસામાં થલતેજ એક્રોપૉલિસ મૉલમાં 12 અને હિમાલયા મૉલની આગળ 31 બાઇકને સળગાવી દેવામાં આવ્યાં હતાં.
અખબારના અહેવાલ મુજબ એસ.જી. હાઇવે પર પ્રદર્શનકારીઓને છૂટો દોર મળ્યો હતો. એક પોલીસ અધિકારીને ટોળાએ રીતસરના ધક્કે ચડાવ્યા હતા.
ઉપરાંત અમદાવાદના ઇન્કમટેક્સ સર્કલ પાસે ફિલ્મનો વિરોધ કરી રહેલા લોકોના હાથમાં હર સિનેમા જલેગા, જહાં પદ્માવત ચલેગા જેવા સુત્રો સાથેના બેનરો હતાં પરંતુ પોલીસે આ બેનરોને ગંભીરતાથી લીધાં નહોતાં.
દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે બપોરે મોલ પર જઈને તોફાન કરનારાઓને પોલીસે છોડી મૂક્યા હતા. તેમજ સશસ્ત્ર બુકાનીધારીઓ કેન્ડલ માર્ચમાં હતા તો પણ તેને રોકવાની કોશિશ ના થઈ.
મોલ પર બંદોબસ્ત હતો પરંતુ પોલીસે ત્વરિત કાર્યવાહી ના કરતા હિંસા વકરી હતી.
સંદેશના અહેવાલ પ્રમાણે સચિવાલયમાં ધારાસભ્યોની શપથવિધિ માટે ઉચ્ચ પોલીસ ઓફિસરો સાથે 600થી વધુ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવતા અમદાવાદમાં તોફાની તત્વોને છૂટો દોર મળ્યો હતો.
અખબાર લખે છે કે ફિલ્મના વિરોધ સામે આગમચેતીના પગલાં કે એક્શન પ્લાન ઘડવામાં પોલીસ તંત્ર ઊંઘતું ઝડપાયું છે.
ધારાસભ્યોની શપથવિધિ બની વિવાદાસ્પદ
સંદેશના અહેવાલ મુજબ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ વિધાનસભાની પરંપરાને તોડીને શપથ લીધા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અખબારના દાવા મુજબ ભાવનગર-105 નંબરના ધારાસભ્ય વાઘાણીએ 90 ધારાસભ્યોની લાઇન તોડીને અગ્રતાક્રમે સોગંદ લઈ વિધાનસભાની ઐતિહાસિક પરંપરા અને પ્રોટોકોલને તોડ્યો હતો.
વિધાનસભાની બેઠકના ક્રમ મુજબ એક પછી એક ધારાસભ્યોને સોંગદ લેવડાવવામાં આવે છે. જોકે, વાઘાણીએ આ પરંપરા તોડી અગ્રતાક્રમે આવી સોગંદ લીધા હતા. જેના કારણે વિવાદ થયો હતો.
નવગુજરાત સમાચારના અહેવાલ પ્રમાણે કોંગ્રેસના ધારાસભ્ય અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી અને અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ઇશ્વરના નામે નહીં પરંતુ 'ગંભીરતાપૂર્વક' સોગંદ લીધા હતા.
અમિત શાહ સામે અરજીનો વિરોધ
જનસત્તાના અહેવાલ મુજબ સીબીઆઈએ મંગળવારે કહ્યું હતું કે સોહરાબુદ્દીન શેખના કથિત ફેક એન્કાઉન્ટર મામલે ભાજપના અધ્યક્ષ અમિત શાહને ક્લિનચીટ આપવા સામે થયેલી અરજીનો તે વિરોધ કરશે.
આ અરજી બોમ્બે હાઇકોર્ટમાં બોમ્બે લોયર્સ એશોસિયેશન દ્વારા કરવામાં આવી છે.
અરજીમાં વિશેષ કોર્ટ દ્વારા અમિત શાહને આરોપમુક્ત કરવાના 30 ડિસેમ્બર, 2014ના આદેશને ના પડકારવાના સીબીઆઈના નિર્ણયને ગેરકાયદાકીય, મનમાનીપૂર્ણ ગણાવવામાં આવ્યો છે.
સીબીઆઈના વકીલ અનિલ સિંહે હાઇકોર્ટમાં કહ્યું કે અમે આ અરજીનો વિરોધ કરી રહ્યા છીએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો