ક્યાં પડી રહી છે પાપણો પર બરફ જમાવતી ઠંડી?

યાકુટિયાના નાગરિક આનાસતાસિયા ગ્રુઝદેવા.

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, એડિટોરિયલ
    • પદ, બીબીસી મુન્ડો.

હાલ ભારતમાં શિયાળો ચાલી રહ્યો છે અને ઉત્તર ભારત ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યું છે. દિલ્હી સહિત ઉત્તર ભારતનાં અનેક શહેરોમાં ધુમ્મસને કારણે અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી તો ટ્રેનો પણ મોડી પડી.

ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં સામાન્ય રીતે વધારે ઠંડી પડે છે. પરંતુ રશિયાના મૉસ્કો શહેરમાં તો ડિસેમ્બર મહિનો જાણે સૂર્ય પ્રકાશ વિના જ વિત્યો.

રશિયાના યાકુટિયા વિસ્તારમાં તો તાપમાન -60 ડિગ્રી સેલ્સિયલ જેટલું નીચું જાય છે. યાકુટિયાની એક યુવતીનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં તેની આંખોની પાંપણોમાં પણ બરફ જામી ગયો હતો.

હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ મૉસ્કોના ઇતિહાસમાં ગત ડિસેમ્બર મહિનો અંધકારમય હતો. જેમાં મૉસ્કોવાસીઓએ નહિવત્ પ્રકાશમાં દિવસો ગાળ્યા.

હવામાનશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરતા મીટિઓનોવોસ્તી પોર્ટલ મુજબ ડિસેમ્બર દરમિયાન સ્પષ્ટ રીતે સૂર્ય જોઈ શકાયો ન હતો.

શિયાળા.

ઇમેજ સ્રોત, Getty Images

અહેવાલ અનુસાર માત્ર છ મિનિટ સુધી વ્યવસ્થિત સુર્ય પ્રકાશ જોવા મળ્યો હતો. જ્યારે ડિસેમ્બરમાં 18 કલાકના સૂર્યપ્રકાશનો આનંદ મૉસ્કોના લોકો માટે સામાન્ય છે.

આર.બી.સી. ન્યૂઝ પોર્ટલ સાથે વાતચીત દરમિયાન રશિયન હાઇડ્રોમીટિઓરોલૉજિકલ સેન્ટરના ડિરેક્ટર રોમન વિલફૅન્ડે કહ્યું કે ડિસેમ્બર મહિનામાં પાણીમાં પડતા વમળોની સંખ્યા "અસામાન્ય" જોવા મળી હતી, જેના કારણે આ મહિનો વાદળાંથી છવાયેલો રહ્યો.

તેમણે જણાવ્યું, "ગત વર્ષે શિયાળામાં હૂંફાળું વાતાવરણ હતું અને તાપમાન સામાન્ય કરતાં 5.8 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારે હતું.

વધુમાં 'ઍટલાન્ટિક એર માસ' અને ચક્રવાતને લીધે, મૉસ્કોવાસીઓને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો."

હિમવર્ષાથી અસગ્રસ્ત એક મહિલા.

ઇમેજ સ્રોત, Getty Images

રશિયાના યાકુટિયા જેવા વિસ્તારોમાં, જે ઐતિહાસિક રીતે રશિયાનો સૌથી ઠંડો પ્રદેશ છે, શિયાળામાં તાપમાન લગભગ -60 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચે જાય છે.

જ્યારે રશિયામાં તાપમાન -50 ડિગ્રી સેન્ટિગ્રેડથી નીચે જાય ત્યારે ત્યારે શાળાઓમાં રજા રાખવામાં આવે છે.

અંધકારનો અગાઉ રેકૉર્ડ ડિસેમ્બર 2000માં હતો, જ્યારે મૉસ્કોમાં માત્ર ત્રણ કલાકનો સૂર્યપ્રકાશ હતો.

પરંતુ જાન્યુઆરી 2018ના પ્રથમ ભાગમાં અગાઉના બે મહિના કરતાં વધારે સૂર્યપ્રકાશ જોવા મળી રહ્યો છે.

હિમવર્ષા.

ઇમેજ સ્રોત, Getty Images

રશિયાના કટોકટી મંત્રાલયે ઠંડીનો સામનો કરવા માટે દારૂને ઓછી માત્રામાં પીવાની સૂચના આપી છે કારણ કે દારૂ પીધેલી અવસ્થાના કારણે શરીરમાંથી ગરમી મોટી માત્રામાં ઘટી જાય છે.

વધુમાં મંત્રાલયે ઢીલાં કપડાં પહેરવા માટે પણ સૂચના આપી છે જેથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સામાન્ય રીતે થઈ શકે છે.

જો બરફની જેમ લોકોના પગ ઠંડા થઈ જાય, તો આવી પરિસ્થિતિમાં તેમને બૂટ ન ઉતારવાની પણ સલાહ આપવામાં આવી છે.

આવું કરવા જતાં પગમાં સોજો આવશે અને પરિણામે બૂટ પહેરવામાં મુશ્કેલી પડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો