કઝાકિસ્તાન : એક એવું શહેર જ્યાં છવાઈ રહી છે 'કાળા બરફ'ની ચાદર

કાળો બરફ

ઇમેજ સ્રોત, Insta

    • લેેખક, અબ્દુજિલિલ અબ્દુરાસુલોવ
    • પદ, બીબીસી સંવાદદાતા

સેન્ટ્રલ કઝાકિસ્તાનના ટમીર્ટાઉ શહેરમાં એક ભયજનક સ્થિતિ ઊભી થઈ છે. ત્યાં શિયાળામાં પડી રહેલા બરફ પર કાળા રંગની ચાદર પથરાઈ ગઈ છે.

સામાન્ય રીતે બરફનો રંગ સફેદ હોય છે. કાશ્મીર કે હિમાલયના તમે દ્રશ્યો જુઓ ત્યારે બરફની જાણે સફેદ ચાદર પથરાયેલી પડી હોય તેવો નજારો જોવા મળે છે.

પરંતુ કઝાકિસ્તાનના એક શહેરમાં કાળા બરફની ચાદર છવાઈ રહી છે. અહીં શિયાળામાં પડી રહેલો બરફ કાળો થઈ રહ્યો છે.

કાળા બરફને કારણે ટ્રમીર્ટાઉ શહેરમાં સ્થિતિ બગડી રહી છે. અહીં જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં શહેર પર કાળી ધૂળ છવાઈ ગઈ.

આ ધૂળના કારણે બરફ કોલસા જેવો કાળો દેખાવા લાગ્યો. આ કાળા બરફે સોશિયલ મીડિયા પર પણ ચર્ચા છેડી છે.

ઘણા લોકોએ તો સરકાર સમક્ષ આ પરિસ્થિની તપાસ કરવાની માગ પણ કરી છે.

પર્યાવરણવાદીઓ, સરકારી નિષ્ણાતો અને કેટલાક વૈજ્ઞાનિકો આ બરફ કાળો થવા પાછળનું કારણ શોધવા મથી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું, "અમે આ રીતે જીવી શકતા નથી. અમને ગૂંગળામણ થાય છે."

તમને આ પણ વાંચવું ગમશે

line

બરફનું લિટમસ ટેસ્ટનું કામ

કાળો બરફ

ઇમેજ સ્રોત, Insta

કઝાકિસ્તાનનું ટમીર્ટાઉ શહેર લોખંડ ઉદ્યોગનું કેન્દ્ર છે. અહીં દેશનો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદનનો પ્લાન્ટ આવેલો છે.

આ પ્લાન્ટની માલિકી વિશ્વના અગ્રણી આર્સેલર મિત્તલની પેટા કંપની આર્સેલર મિત્તલ ટમીર્ટાઉ પાસે છે.

'કરગાંડા મેટલર્જિકલ કમ્બાઇન' પ્લાન્ટના કારણે જે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે તેના કારણે બરફ કાળો થઈ રહ્યો છે.

રોષે ભરાયેલા ઘણાં લોકોએ આ પ્લાન્ટ વિરુદ્ધ સહી ઝુંબેશ પણ શરૂ કરી છે.

આ સહીઓ સાથેની અરજી રાષ્ટ્રપતિ નરસુલ્તાન નજરબેવેની સૌથી નાની પુત્રી અને કઝાકિસ્તાન અસોસિએશન ઑફ ઇકોલોજીકલ ઑર્ગેનાઇઝેશન્સના વડાં આલીયા નજરબાવેને સોંપવામાં આવી છે.

આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ હાનિકારક ઉત્સર્જનનું આ ભયાનક સ્વરૂપ છે.

આ સ્થિતિમાં "બરફ એક લિટમસ ટેસ્ટ તરીકે કામ કરી રહ્યો છે."

આ બધી ધૂળ અમારા અને બાળકોનાં ફેફસાંમાં જઈ રહી છે. જે ખૂબ જ હાનિકારક છે."

line

હાઇડ્રોજન સલ્ફાઇડનું સ્તર વધારે

Map

આર્સેલર મિત્તલ ટમીર્ટાઉએ તેના પ્લાન્ટ દ્વારા થયેલાં પ્રદૂષણને નકાર્યું નથી. કંપની માને છે કે અહીં પ્રદૂષણ ફેલાવવામાં કદાચ પ્લાન્ટની મુખ્ય ભૂમિકા રહી છે.

પરંતુ સાથે જ કંપનીએ એક નિવેદનમાં કારણ આપતાં કહ્યું છે કે ડિસેમ્બરમાં કોઈ હવા બરાબર નહોતી અને આવી સ્થિતિમાં ઉત્સર્જનની ક્રિયા ઘટી હશે. જેના કારણે બરફના રંગમાં ફેરફાર જોવા મળે છે."

કરગાંડા પ્રદેશ, જ્યાં ટમીર્ટાઉ શહેર આવેલું છે, તે ઉત્સર્જનની દ્રષ્ટિએ કઝાકિસ્તાનમાં સૌથી ખરાબ ગણવામાં આવે છે.

કઝાકિસ્તાનની આંકડા સમિતિના જણાવ્યા મુજબ 2016માં કરગાંડામાં આશરે 600,000 ટન હાનિકારક તત્ત્વો હવામાં છોડવામાં આવ્યાં હતાં.

ડિસેમ્બર 2017માં રાષ્ટ્રીય હવામાન શાસ્ત્રીય એજન્સીએ તેના રિપોર્ટમાં ફરજિયાત મર્યાદા કરતાં અગિયાર ગણું વધું હાઇડ્રોજન સલ્ફાઇડનું સ્તર રેકોર્ડ કર્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો