અમદાવાદ આવેલા ઇઝરાયલના વડાપ્રધાન વિશે આ 15 વાતો તમારે જાણવી જોઈએ

ઇમેજ સ્રોત, Reuters
ભારતની છ દિવસની મુલાકાતે આવેલા ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂનું અત્યાર સુધીનું જીવન નાટકીય ઘટનાઓથી ભરપૂર છે.
ઇઝરાયલમાં સત્તાની ટોચે પહોંચેલા નેતન્યાહૂને એક મજબૂત નેતા તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ચોથી વાર સત્તા સંભાળી છે અને તેઓ દેશમાં લાંબા સમય સુધી સત્તા પર રહેલા નેતા બની ગયા છે.
1. 'બીબી'ના હુલામણા નામે ઓળખાતા નેતન્યાહૂનો જન્મ તેલ અવીવમાં 1949માં થયો હતો. તેમના ઇતિહાસકાર અને યહૂદી એક્ટિવિસ્ટ પિતા બેંજિઓનને અમેરિકામાં 1963માં શૈક્ષણિક ક્ષેત્રે કામ કરવાની તક મળી ત્યારે સમગ્ર પરિવાર અમેરિકા ચાલ્યો ગયો હતો.
2. નેતન્યાહૂ 18 વર્ષની વયે ઇઝરાયલ પરત આવી ગયા હતા. પછી તેમણે ઇઝરાયલી સૈન્યમાં પાંચ વર્ષ ફરજ બજાવી હતી. 1973માં તેમણે મધ્ય-પૂર્વનું યુદ્ધ પણ લડ્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
3. આર્મી સર્વિસ ખતમ થયા બાદ નેતન્યાહૂ ફરી અમેરિકા ચાલ્યા ગયા હતા. અમેરિકાની મેસાચુએટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં તેમણે પહેલાં બેચલર અને પછી માસ્ટર્સ ડિગ્રી મેળવી હતી.
4. 1976માં અપહરણ કરીને યુગાન્ડાના અંતેબેમાં લઈ જવાયેલા એક વિમાનને મુક્ત કરાવવાના ઓપરેશનમાં નેતન્યાહૂના ભાઈ જોનાથન સામેલ થયા હતા. તેમાં જોનાથનનું મૃત્યુ થયું હતું. નેતન્યાહૂએ તેમના ભાઈની સ્મૃતિમાં આતંકવાદ વિરોધી ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી હતી. એ કારણે અમેરિકામાંના ઇઝરાયલના તત્કાલીન રાજદૂત મોશે એરેન્સનું ધ્યાન નેતન્યાહૂ ભણી ખેંચાયું હતું.
5. નેતન્યાહૂને 1984માં સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ઇઝરાયલના સ્થાયી પ્રતિનિધિ બનાવવામાં આવ્યા હતા. 1988માં ઇઝરાયલ પરત આવ્યા બાદ તેમણે દેશના રાજકારણમાં પગરણ કર્યાં હતાં. સંસદીય ચૂંટણી જીતીને તેઓ નાયબ વિદેશ પ્રધાન બન્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
6. ખુદને જમણેરી રાજકારણી ગણાવતા નેતન્યાહૂની લિકુડ પાર્ટીનો 1992ની સામાન્ય ચૂંટણીમાં પરાજય થયો હતો. એ પછી તેમને પક્ષના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
7. 1996માં તત્કાલીન વડાપ્રધાન યિત્ઝાક રોબિનની હત્યા બાદ રાષ્ટ્રપતિ શિમોન પેરેઝે સમય પહેલાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. એ ચૂંટણીમાં નેતન્યાહૂનો વિજય થયો હતો અને તેઓ ઇઝરાયલના વડાપ્રધાન બન્યા હતા.
8. સૌથી નાની વયે ઇઝરાયલના વડાપ્રધાન બનેલા પહેલા નેતા નેતન્યાહૂ છે. તેમનો વડાપ્રધાન તરીકેનો પહેલો કાર્યકાળ નાનો પણ નાટકીય રહ્યો હતો.
9. ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેની ઓસ્લો સંધિની જોરદાર ટીકા છતાં હેબ્રોન પર 80 ટકા નિયંત્રણ પેલેસ્ટાઈનને સોંપતા કરાર પર નેતન્યાહૂએ 1997માં સહી કરી હતી. 1998માં તેમણે વાઈ રિવર મેમોરેંડમ પર હસ્તાક્ષર કર્યા હતા, જેને લીધે વેસ્ટ બેન્કથી વધુ નિકાસનો માર્ગ મોકળો થયો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
10. 1999માં નેતન્યાહૂએ નિર્ધારિત સમયના 17 મહિના પહેલાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી અને એ ચૂંટણીમાં તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી હાર્યા બાદ તેમણે સંસદસભ્યપદેથી અને લિકુડ પાર્ટીના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું હતું.
11. 2001માં એરિયલ શેરોન વડાપ્રધાન બન્યા ત્યારે નેતન્યાહૂને એ સરકારમાં પહેલાં વિદેશ પ્રધાન અને પછી નાણા પ્રધાન બનાવવામાં આવ્યા હતા. 2005માં ગાઝા પટ્ટીમાંથી સૈનિકોની વાપસીના નિર્ણયના વિરોધને કારણે તેમણે રાજીનામું આપી દીધું હતું.
12. 2005માં એરિયલ શેરોનની તબીયત બગડતાં તેઓ કોમામાં ચાલ્યા ગયા હતા. એ વખતે લિકુડ પાર્ટીમાં મતભેદ સર્જાયા હતા, પક્ષના બે ફાડિયાં થયાં હતાં અને નેતન્યાહૂ પક્ષના વડા બન્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
13. 2009ના માર્ચમાં નેતન્યાહૂ બીજી વખત ચૂંટણી જીત્યા હતા. તેમણે જમણેરી, રાષ્ટ્રવાદી અને ધાર્મિક પક્ષો સાથે મળીને ગઠબંધન રચ્યું હતું.
14. 2012ના અંતમાં નેતન્યાહૂએ સમય પહેલાં ચૂંટણીની જાહેરાત કરી હતી અને થોડા સપ્તાહમાં જ સંસદ વિખેરી નાખી હતી. એ પછી નેતન્યાહૂએ ગાઝા સ્ટ્રીપમાં ઉગ્રવાદીઓ સામે મોટી સૈન્ય કાર્યવાહીનો આદેશ આપ્યો હતો.
15. સૈનિકોને જમીન પર ઉતાર્યા વિના હાથ ધરવામાં આવેલી આઠ દિવસની એ કાર્યવાહી વિશ્વમાં વખણાઈ હતી. 2014ના જુલાઈમાં નેતન્યાહૂએ ગાઝામાં વધુ એક મોટું સૈન્ય ઓપરેશન હાથ ધર્યું હતું.
50 દિવસની લડાઈમાં 21થી વધુ પેલેસ્ટાઈનીઓનાં, જ્યારે ઇઝરાયલના 67 સૈનિકો અને 6 નાગરિકોનાં મૃત્યુ થયાં હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














