મુંબઈમાં માતા-પિતાના મૃત્યુ સ્થળ છાબડ હાઉસ પર મોશેની મુલાકાત

મોશે હૉલ્ત્ઝબર્ગ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ઝુબેર અહેમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

મોશે હૉલ્ત્ઝબર્ગ 11 વર્ષનો છે. આત્મવિશ્વાસથી ભરપૂર છે. દાદા-દાદીનાં ઘરે ઉછર્યો છે. સુરક્ષિત વાતાવરણમાં મોટો થયો છે. મુંબઇ પર 2008માં થયેલા આતંકવાદી હુમલામાં તે અનાથ થઈ ગયો હતો.

દક્ષિણ મુંબઈમાં આવેલા યહૂદી ધર્મના આસ્થાના કેન્દ્ર સમા 'છાબડ હાઉસ'માં તેના માતાપિતા ગબી અને રિવકી હલ્ત્ઝબર્ગને આતંકીઓએ મારી નાખ્યાં હતાં. એ વખતે મોશે માત્રે બે વર્ષનો જ હતો. સદભાગ્યે તે આ આતંકવાદી હુમલામાં બચી ગયો હતો. આજે પણ તેના બેડ પર માતાપિતાની તસવીર લગાડેલી પડી છે. એ ફોટોમાં મોશેના માતાપિતા સુંદર દેખાઈ રહ્યાં છે. યુવાન દેખાઈ રહ્યાં છે.

તેમના દાદા રબ્બી રોઝેનબર્ગ કહે છે, "મોશે દરરોજ સૂતા પહેલા એ તસવીર જોઈ માતાપિતાને યાદ કરે છે."

મોશે તેના માતાપિતાને ખૂબ જ યાદ કરે છે. તેઓ કઈ રીતે મૃત્યુ પામ્યાં હતા એ પણ મોશે હવે જાણે છે. મોશે દાદા-દાદી અને ભારતીય નૅની સેન્ડ્રાને ખૂબ પ્રેમ કરે છે. સેન્ડ્રાએ જ મુંબઈના હુમલા વખતે મોશેનો જીવ બચાવ્યો હતો.

માતાપિતાના મૃત્યુ પછી સેન્ડ્રાએ જ તેમની સંભાળ લીધી હતી.

મોશે હૉલ્ત્ઝબર્ગ

ઇમેજ સ્રોત, Getty Images

માતાપિતાને ગુમાવ્યા બાદ મોશે આ અઠવાડિયે પ્રથમ વખતે મુંબઈ જશે. તેના દાદા અનુસાર આ મુલાકાત મોશે માટે એક ભાવનાત્મક પ્રવાસ બની રહેશે. આ છોકારને રબ્બી રોસેનબર્ગ પ્રેમથી 'મોશે બોય' કહીને બોલાવે છે. મોશેના ભારત પ્રવાસને લઈને તેઓ ભારે ઉત્સાહિત છે. તેમણે એવું પણ કહ્યું છે, "મોશે બૉય 'છાબડ હાઉસ' અને ભારત વિશે જાણકારી લેવા હંમેશા ઉત્સાહિત રહ્યો છે."

જ્યારે અમે તેના ઘરે ગયા ત્યારે તે સ્કૂલમાં હતો. તેના દાદાએ મને કહ્યું કે, મોશેને તેઓ મીડિયાથી દૂર રાખે છે.

પરિવારના માનસશાસ્ત્રીએ તેમને આવું કરવાની સલાહ આપી છે.

મોશેના માતા પિતાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

અમે તેને મળી તો ના શક્યા પરંતુ તેના દાદાએ અમને તેનો રૂમ, પુસ્તકો અને તસવીરો બતાવી. તેના દાદાએ એવું પણ કહ્યું કે મોશે 'સારો વિદ્યાર્થી' છે.

તેના રૂમના ટેબલ પર પૃથ્વીના બે ગોળા પડ્યા હતા. તેના દાદાએ કહ્યું, "મોશે બૉય ભૂગોળ અને ગણિતના વિષયમાં હોંશિયાર છે."

મોશે દાદા-દાદી અને સેન્ડ્રા સાથે ભારત આવ્યો છે.

ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ 14 જાન્યુઆરીથી ભારતની સત્તાવાર મુલાકાત પર છે. મોશે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના પ્રતિનિધિમંડળ સાથે ભારત આવ્યો છે.

યહૂદી કેન્દ્રમાં તે ઇઝરાયલી વડાપ્રધાન સાથે થોડો સમય વિતાવશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત વર્ષે ઇઝરાયલના પ્રવાસે ગયા હતા. જ્યાં તેમણે મોશને ભારત આવવા આમંત્રણ આપ્યું હતું.

મોશે મોદીના આમંત્રણ પર જ ભારત આવ્યો છે.

મોશે હૉલ્ત્ઝબર્ગ

ઇમેજ સ્રોત, Getty Images

મુંબઈ હુમલાની ઘટનાને યાદ કરતા મોશેના દાદા કહે છે, "જ્યારે અમે તેને અહીં લાવ્યા ત્યારે તે દિવસ અને રાત બસ રડ્યા જ કરતો હતો. માતાપિતા પાસે જવા જીદ કરતો હતો."

શરૂઆતમાં મોશે માત્ર સેન્ડ્રા પાસે જ રહેતો હતો.

તેના દાદા કહે છે, "એ મારી પાસે તો આવતો જ નહોતો. કદાચ એને મારી બીક લાગતી હતી કારણે કે હું મારા ગળા પર કાળુ મફલર પહેરું છું અને આતંકવાદીઓએ પણ કાળા માસ્ક પહેર્યા હતા. "

જોકે, રોસેનબર્ગે આશા નહોતી છોડી. "મને લાગ્યું કે ધીમેધીમે તે અમારી સાથે ભળવા લાગ્યો છે. મેં મારા માટે અને તેના માટે એમ બે સાઇકલ ખરીદી.

તેને જે જગ્યા ગમતી હતી હું ત્યાં તેને લઈ ગયો. મને લાગ્યું કે હું ફરીથી યુવાન બની રહ્યો છું."

મોશે હૉલ્ત્ઝબર્ગ

ઇમેજ સ્રોત, Getty Images

રેસેનબર્ગ સેન્ડ્રાનો આભાર માનતા થાકતા નથી. તેઓ સેન્ડ્રાને ઇઝરાયલનું નાગરિકત્વ અપાવવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે. સેન્ડ્રા હવે યેરૂશલમમાં જ રહે છે. સેન્ડ્રા અને મોશે લાગણીઓના બંધને બંધાયેલા છે. દર સપ્તાહે તે મોશેને મળવા આવે છે.

મોશેના દાદા કહે છે, "જો સેન્ડ્રાને આવવામાં મોડું થાય તો મોશે બેચેન બની જાય છે.

"તે વારંવાર ફોન કરીને પૂછે છે કે તે ક્યારે આવશે. તે અમારો પરિવારનો હિસ્સો બની ગઈ છે."

મોશે હૉલ્ત્ઝબર્ગ

ઇમેજ સ્રોત, Getty Images

મોશેના માતાપિતા 'છાબડ હાઉસ'માં કામ કરવા માટે મુંબઇ આવીને વસ્યા હતા. શક્ય છે કે મોશે પણ તેમના જ પગલે ચાલે.

"તે અત્યારે બહુ નાનો છે, પરંતુ જ્યારે તે 20-22 વર્ષનો થશે, ત્યારે તે મુંબઇ જઈને છાબડ હાઉસમાં કામ કરવા માગે છે."

મોશેના દાદા પહેલાંથી જ તે ભૂમિકા માટે તેને તૈયાર કરી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો