રસગુલ્લાનો સ્વાદ માણવાની સાચી રીત જાણો છો?

ઇમેજ સ્રોત, Thinkstock
- લેેખક, અમિતાભ ભટ્ટાસાલી
- પદ, બીબીસી સંવાદદાતા, કોલકાતા
રસગુલ્લા મૂળ ક્યાંના છે અને તેની શરૂઆત ક્યાંથી થઈ હતી?
આ સવાલો વિશે છેલ્લા કેટલાક સમયથી ઓડિશા સાથે ચાલી રહેલી 'મીઠી લડાઈ' બંગાળનાં રસગુલ્લાએ જીતી લીધી છે.
તેનું કારણ છે રસગુલ્લા માટે બંગાળને મળેલું જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે જીઆઈ ટેગ. એ ટેગનો અર્થ એ છે કે રસગુલ્લાની શરૂઆત પશ્ચિમ બંગાળમાં થઈ હતી.
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ એવી ટ્વીટ કર્યું, ''આપણા બધા માટે આ મીઠા સમાચાર છે.
''રસગુલ્લાનું જીઆઈ સ્ટેટસ પશ્ચિમ બંગાળને મળવાથી અમને ખુશી અને ગર્વ છે.''
તમને આ પણ વાંચવું ગમશે

શું છે આ જીઆઈ ટેગ?

ઇમેજ સ્રોત, SANDEEP SAHU
જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ઇન્ટેલૅક્ચ્યુઅલ પ્રોપર્ટી વિશેના નિર્ણયનું કામ કરે છે. કઈ પ્રોડક્ટ, ક્યા પ્રદેશ, સમુદાય કે સમાજની છે તેનો નિર્ણય જીઆઈ હેઠળ કરવામાં આવે છે.
ઉપરોક્ત સમાચાર મળતાંની સાથે જ બંગાળીઓમાં રસગુલ્લાની જ્યાફત ફરી ઉડી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોલકાતામાં રસગુલ્લાની વિખ્યાત દુકાન કે. સી. દાસના માલિક અને રસગુલ્લાના શોધક ગણાતા નોબિન ચંદ્રના વારસદાર ધીમાન દાસે આ પ્રસંગે ખુશી વ્યક્ત કરી હતી.
ધીમાન દાસે કહ્યું હતું, ''રસગુલ્લાના દોઢસોમા વર્ષની ઊજવણી આવતાં વર્ષે કરવામાં આવશે.
''રસગુલ્લા બંગાળ સાથે જોડાયેલાં હોવાનું પ્રમાણ એ પહેલાં જ મળી ગયું છે.
''એ રાજી થવા જેવી વાત છે. બંગાળી રસગુલ્લાના નામે દરેક જગ્યાએ જે મીઠાઈ બનાવવામાં અને વેચવામાં આવે છે એ હવે બંધ થશે.''
તમને આ પણ વાંચવું ગમશે

ક્યારથી ચાલી રહ્યો છે વિવાદ?

ઇમેજ સ્રોત, PRABHAKAR M
જગન્નાથ દેવ મંદિરમાં વર્ષે એકવાર રસગુલ્લા ચડાવવામાં આવતાં હોવાનો દાવો ઓડિશાએ 2015માં કર્યો હતો.
પોતાના આ દાવાના સમર્થનમાં ઓડિશાએ અનેક અન્ય દાવા પણ રજૂ કર્યા હતા.
રાષ્ટ્રીય રાજમાર્ગ ક્રમાંક-પાંચ પરના કટક અને ભુવનેશ્વર વચ્ચેના પાહાલમાં મળતાં વિખ્યાત રસગુલ્લાને જીઆઈ ટેગ અપાવવાના પ્રયાસ ઓડિશા સરકારે ત્યારથી શરૂ કર્યા હતા.
બીજી તરફ પશ્ચિમ બંગાળ સરકારનું કહેવું એમ હતું કે ઓડિશાના રસગુલ્લા અને બંગાળના રસગુલ્લામાં ઘણો ફરક છે.
પશ્ચિમ બંગાળના રસગુલ્લાની લાક્ષણિકતા વાત કરતાં ધીમાન દાસે કહ્યું હતું, ''બંગાળી રસગુલ્લામાં માત્ર માવાનો ઉપયોગ કરવામાં આવે છે.
''એ પણ ગાયના દૂધને ફાડીને બનાવવામાં આવેલા માવાનો જ. બંગાળી રસગુલ્લામાં ભેંસના દૂધને ફાડીને બનાવવામાં આવેલા માવાનો ઉપયોગ કરવામાં આવતો નથી. એ કારણે બંગાળી રસગુલ્લા અત્યંત મુલાયમ હોય છે.
''બંગાળી રસગુલ્લાના નામે ઠેકઠેકાણે જે મીઠાઈ બનાવીને વેચવામાં આવે છે તેમાં રવો અને મેંદો ભેળવવામાં આવે છે.
''બંગાળના રસગુલ્લા કેવા હોય છે તેની ખબર લોકોને આ નિર્ણય પછી હવે પડશે.''

રસગુલ્લા ખાવાની ખરી રીત

ઇમેજ સ્રોત, Thinkstock
કોલકાતામાં રસગુલ્લાની બીજી એક વિખ્યાત દુકાન છે ચિતરંજન મિષ્ઠાન ભંડાર.
એ દુકાનના માલિક નિતાઈ ચંદ્ર ઘોષે કહ્યું હતું, ''ગાયને ખાણ આપવા સાથે રસગુલ્લા બનાવવાની પ્રક્રિયા શરૂ થાય છે.
''ગાયના દૂધની ગુણવત્તાનો આધાર તેને આપવામાં આવતા ખોરાક પર હોય છે.
''એ ગાયના દૂધમાંથી કેવો માવો મળશે તેની ખબર દૂધની ચકાસણીમાંથી પડે છે.
''એ પછી તેમાં ઉમેરાય છે પ્રમાણસરની ખાંડની રસની મીઠાશ.
''આ બધી સામગ્રીનું યોગ્ય સંયોજન થાય ત્યારે રસગુલ્લા બને છે.
''રસગુલ્લા તૈયાર થવામાં સમય લાગે છે.''
રસગુલ્લા ખાવાની રીત વિશે નિતાઈ ચંદ્ર ઘોષ કહે છે, ''રસગુલ્લાને ચમચીથી કાપીને ન ખવાય.
''આખું રસગુલ્લુ પણ એકસાથે ન ખવાય.
''રસગુલ્લાને આંગળીઓ અને અંગુઠાથી હળવે હાથે પકડવાનું હોય.
''તેને નાના-નાના બાઇટ લઈને ખાવાનું અને છેલ્લે રસની ચુસ્કી લેવાની.
''રસગુલ્લા ખાઈને પાણી ક્યારેય પીવું ન જોઈએ.''
ઘોષ પરિવાર છેલ્લાં 111 વર્ષથી રસગુલ્લા બનાવવાનું કામ કરે છે.

નિષ્ણાતોનો અભિપ્રાય શું હતો?

ઇમેજ સ્રોત, Getty Images
રસગુલ્લા વિશે સંશોધન કરી ચૂકેલા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, 'નીલાદ્રી વીજે'ના દિવસે લક્ષ્મી દેવીને મનાવવા માટે ભગવાન જગન્નાથ દ્વારા રસગુલ્લા ધરવાની પરંપરા 300 વર્ષ પુરાણી છે.
'નીલાદ્રી વીજે' એટલે કે રથ યાત્રા પછી ભગવાન જગન્નાથ મંદિરમાં પાછા ફરે છે એ દિવસ.
એક કથા અનુસાર, ભગવાન જગન્નાથ રથયાત્રા કરીને પાછા આવે છે ત્યારે મહાલક્ષ્મી તેમનાથી નારાજ હોય છે.
જગન્નાથ મહાલક્ષ્મીને સાથે લઈ ન ગયા હોવાથી મહાલક્ષ્મી મહેલનો દરવાજો ખોલતાં નથી.
નારાજ થયેલાં મહાલક્ષ્મીને મનાવવા માટે ભગવાન જગન્નાથ તેમને રસગુલ્લા ધરાવે છે.
જગન્નાથ સંસ્કૃતિના વિખ્યાત નિષ્ણાત નારાયણ રથ શર્માએ દાવો કર્યો હતો કે આ પરંપરા 1,000 વર્ષ પુરાણી છે.
હવે તમે રસગુલ્લાનો સ્વાદ માણો ત્યારે આ 'મીઠી લડાઈ'ને જરૂર યાદ કરજો. તમારી જીભ ઓછી મીઠી કે મધમીઠી થઈ જશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












