ટેસ્લાએ બનાવેલી ઈલેક્ટ્રિક ટ્રક ઉપયોગી સાબિત થશે?

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, ડેવ લી
- પદ, નોર્થ અમેરિકન ટેક્નોલોજી સંવાદદાતા
અમેરિકાની વિરાટ ઓટોમોબાઈલ કંપની ટેસ્લાએ પહેલી ઈલેક્ટ્રિક મોટરટ્રકનું નિર્માણ કર્યું છે. ડીઝલ વડે ચાલતી ટ્રકોને પડકારવા માટે આ ટ્રકનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ટેસ્લા સેમી નામની આ ટ્રક એક વખત બેટરી ચાર્જ કર્યા પછી 500 માઈલ સુધી ચલાવી શકાય છે. આ ટ્રકના નિર્માણની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી.
ટેસ્લાએ જણાવ્યું હતું કે અમેરિકામાં સેમી-ટ્રેલર ટ્રક તરીકે ઓળખાતા આ વાહનનું ઉત્પાદન 2019માં શરૂ કરવામાં આવશે. ટેસ્લાની નવી રેડ સ્પોર્ટ્સ કારના લોન્ચિંગનું પ્રેઝન્ટેશન ગુરૂવારે યોજવામાં આવ્યું હતું.
તમને આ વાંચવું પણ ગમશે :
એ રેડ કાર ઈલેક્ટ્રિક ટ્રક સાથેના ટ્રેલરમાંથી બહાર આવી હતી. ટેસ્લા સેમી માત્ર વીસ જ સેકન્ડમાં શૂન્યથી 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ પકડી શકશે.
ટેસ્લા સેમી 36,287 કિલોગ્રામ વજનના વહનની ક્ષમતા ધરાવે છે. આ ટ્રક માટે ટેસ્લા અત્યંત શક્તિશાળી બેટરીનું ઉત્પાદન વાજબી ભાવે કરી શકશે કે કેમ એ બાબતે નિષ્ણાતોને શંકા છે.

શું હશે ટ્રકની કિંમત?
કાર્નેગી મેલ્લોનના એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે ''એક ચાર્જમાં 300 માઈલ સુધી ચાલે તેવા બેટરી પેકની કિંમત આશરે બે લાખ ડોલર થાય છે.
આ કિંમત ડીઝલથી ચાલતા સેમી-ટ્રકની 1.20 લાખ ડોલરની સરેરાશ કિંમત કરતાં ઘણી વધારે છે.''
ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ એલોન મસ્કે જણાવ્યું હતું કે અમારી નવી ટ્રક અત્યાર સુધીની બધી ટ્રકોથી એકદમ અલગ હશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટેસ્લાના જણાવ્યા મુજબ, તેની ઈલેક્ટ્રિક ટ્રકને ચલાવવાનો પ્રતિ માઈલ ખર્ચ ડીઝલ વડે ચાલતી ટ્રક કરતાં ઓછો હશે.
ટેસ્લાએ તેની ઈલેક્ટ્રિક ટ્રકની કિંમત જાહેર કરી નથી.
ડીઝલના વપરાશને પ્રોત્સાહન આપતા એક સ્વૈચ્છિક સંગઠન ધ ડીઝલ ટેક્નોલોજી ફોરમે શંકા વ્યક્ત કરી હતી.
ફોરમે જણાવ્યું હતું કે ટેસ્લાની જાહેરાતનું મૂલ્યાંકન વાસ્તવિકતાના સંદર્ભમાં કરવું જરૂરી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












