ચીનની બેલિસ્ટિક મિસાઇલ ભારત માટે જોખમી?

    • લેેખક, કોમોડોર ઉદય ભાસ્કર
    • પદ, સંરક્ષણ વિશ્લેષક, બીબીસી ગુજરાતી માટે.

ચીનના સંરક્ષણ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, તેમના દેશની નવી હાઇપરસોનિક બેલિસ્ટિક મિસાઇલ ડીએફ-17ની આક્રમણક્ષમતા અમેરિકા સુધીની છે.

12,000 કિલોમીટર દૂર સુધી ત્રાટકી શકતી ડીએફ-17 અમેરિકાના કોઈ પણ વિસ્તારમાં એક કલાકમાં પહોંચી શકે છે.

આ મિસાઇલ વાયુમંડળમાં નીચલા સ્તરે ઉડે છે. તેથી તેને અવરોધવાનું પણ આસાન નહીં હોય.

સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટ અખબારમાં આ અઠવાડિયે એક સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા.

એ સમાચાર અનુસાર, ડીએફ-17 અમેરિકાની એન્ટી મિસાઇલ થાડ સિસ્ટમને નિષ્ફળ બનાવીને પોતાનું કામ કરી શકે છે, એવું મકાઉસ્થિત સંરક્ષણ નિષ્ણાત એન્ટની વોંગ ડોંગ માને છે.

જાપાનના ઓનલાઇન ઇન્ટરનેશનલ ન્યૂઝ મેગેઝિન ધ ડિપ્લોમેટના જણાવ્યા અનુસાર, ચીન અત્યાર સુધીમાં બે પરીક્ષણ કરી ચૂક્યું છે.

ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ પ્રતિ કલાક 7680 માઇલની ગતિએ આગળ વધતાં આવાં રોકેટ્સનું પરીક્ષણ ગયા નવેમ્બરમાં કર્યું હતું.

એ સિસ્ટમનો ઉપયોગ ડીએફ-17 જેવી મિસાઇલો છોડવા માટે કરી શકાય છે.

ચીનની આ સિદ્ધિ ખતરનાક સાબિત થઈ શકે?

આ વિશે બીબીસીનાં સંવાદદાતા માનસી દાશે સંરક્ષણ નિષ્ણાત અને સોસાયટી ફોર પૉલીસી સ્ટડીઝ સાથે સંકળાયેલા કોમોડોર ઉદય ભાસ્કર સાથે વાત કરી હતી.

ચીનની નવી મિસાઇલ સિસ્ટમ વિશેનો ઉદય ભાસ્કરનો દૃષ્ટિકોણ જાણો.

શું છે હાપર સૉનિકબેલિસ્ટિક મિસાલ?

આ એક નવીન પ્રકારનું હાઇપરસોનિક ગ્લાઇડ મિસાઇલ હોય છે.

તેમાં ક્રૂઝ મિસાઇલ તથા બેલિસ્ટિક મિસાઇલ બન્નેની ખૂબી સામેલ છે અને એ આ પ્રકારનાં મિસાઇલની વિશેષતા છે.

બેલિસ્ટિક મિસાઇલ ધરતીના વાયુમંડળમાંથી બહાર નીકળીને એક પેરાબોલિક પાથમાં જાય છે અને ફરી ધરતીના વાયુમંડળમાં આવી જાય છે.

આ પ્રકારની મિસાઇલની ત્રાટક ક્ષમતા 3,000થી 7,000 કિલોમીટર સુધીની હોય છે. આવી મિસાઇલને હાઇપરસોનિક એચજીવી પણ કહેવામાં આવે છે.

ભારત માટે જોખમી કેમ?

આ મિસાઇલનું લક્ષ્ય અમેરિકા હોય તો ભારત પણ હોઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે.

જોકે, ચીને અત્યાર સુધી આપેલી માહિતી અનુસાર, આ મિસાઇલ 3,000 કિલોમીટર સુધી અચૂક ત્રાટકી શકે છે.

હાઇપર એચજીવી મિસાઇલો વાયુમંડળમાં ઘણા નીચલા સ્તરે આગળ વધતી હોવાથી તેની મારકક્ષમતા વધી જાય છે.

એ કારણસર જ આવી મિસાઇલો એન્ટી મિસાઇલ સિસ્ટમ માટે પડકારરૂપ બની શકે છે.

જોખમી હોવાથી પ્રતિબંધ લાદવો જરૂરી

બેલેસ્ટિક મિસાઇલોને રોકવા માટે શક્તિશાળી દેશોએ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ વિકસાવી છે.

અલબત, હાઇપર એચજીવીને રોકવાનું કામ મુશ્કેલ સાબિત થશે, પણ ટેક્નોલોજી આગળ વધી રહી હોવાથી એ દિશામાં કામ જરૂર થશે.

અત્યારે ત્રણ દેશો-અમેરિકા, રશિયા અને ચીન પાસે જ એચજીવીની ક્ષમતા છે. આ ત્રણેય દેશો વચ્ચે સહમતિ સધાય છે કે નહીં એ જોવાનું રહેશે.

એચજીવી એક રીતે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની વિરુદ્ધ એટલે કે તેને નજરઅંદાજ કરીને કામ કરે છે.

આ કારણસર એચજીવી સિસ્ટમ સ્થાયી નથી હોતાં. તેને ધ્યાનમાં લઈને પાછલા શીતયુદ્ધ દરમ્યાન શક્તિશાળી દેશોએ આ સંબંધે ચેતવણી આપી હતી.

ડિફેન્સને નિષ્ફળ બનાવે એવી ટેક્નોલોજી પર પ્રતિબંધ હોવો જોઈએ, એવી ચેતવણી શક્તિશાળી દેશોએ આપી હતી.

આ સંદર્ભે અમેરિકા અને રશિયાએ એક એન્ટી-બેલિસ્ટિક કરાર પર સહીસિક્કા કર્યા હતા.

અલબત, આ બાબતે ઉતાવળે કોઈ પ્રતિભાવ આપવાની જરૂર નથી, પણ ચીને આ ક્ષમતા પ્રાપ્ત કરી લીધી હોવાથી એ બાબતે વિચાર કરવો જરૂરી છે.

અમેરિકા-ચીનની તંગદિલી

ઉત્તર કોરિયાના સતત અણુ પરિક્ષણોને ધ્યાનમાં લઈને અમેરિકાએ દક્ષિણ કોરિયામાં તેની થાડ એન્ટી મિસાઇલ સિસ્ટમ લગાવી છે.

અમેરિકાના જણાવ્યા અનુસાર, કોઈ જોખમ સર્જાય ત્યારે થાડનો ઉપયોગ ઉત્તર કોરિયા વિરુદ્ધ કરી શકાય છે.

સાઉથ ચાઇના સીના મુદ્દે અમેરિકા અગાઉથી જ ચીનથી નારાજ છે.

ઉત્તર કોરિયાને તેનો પરમાણુ કાર્યક્રમ અટકાવવા ચીન અટકાવી ન શક્યું હોવાનો આક્ષેપ અમેરિકાએ તાજેતરમાં કર્યો હતો.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરની નેશનલ સિક્યુરિટી સ્ટ્રેટેજીમાં જણાવ્યું હતું કે તેઓ ચીનથી સંતુષ્ટ નથી.

જોકે, વર્તમાન પરિસ્થિતિમાં ચીનના એચજીવી પરિક્ષણની તત્કાળ અસર થશે નહીં, પણ ચીન અને અમેરિકા વચ્ચેની તંગદિલી ધીમે-ધીમે વધી રહી છે.

શરૂ થઈ ગઈ છે શસ્ત્રો માટેની દોડ

અગાઉ જે ક્ષમતા માત્ર અમેરિકા અને રશિયા પાસે હોવાનું જ માનવામાં આવતું હતું એ પોતાની પાસે પણ હોવાનું ચીને દેખાડી દીધું છે.

ચીન આ સ્પેશ્યલ ક્લબનો ત્રીજો સભ્ય બની ગયું છે.

ભારતે હાલમાં જે બ્રમ્હોસ મિસાઇલ બનાવ્યું હતું એ પણ એક હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે.

ચીને જે બનાવ્યું છે એ હાઇપરસોનિક બેલિસ્ટિક મિસાઇલ છે.

આ સાથે ચીન, અમેરિકા અને રશિયા વચ્ચે એક પ્રકારની શસ્ત્રદોડ શરૂ થઈ ગઈ છે.

ચીન અમેરિકાથી ચિંતિત છે, અમેરિકા રશિયાની પરમાણુ ક્ષમતાથી ચિંતિત છે, જ્યારે રશિયા ચીનના ઊભરતા સ્વરૂપથી ચિંતિત છે.

એક અજબ પ્રકારનો ત્રિકોણ રચાયો છે ત્યારે મને નથી લાગતું કે આ ત્રણેય વચ્ચે મિસાઇલ ટેક્નોલોજીના મુદ્દે કોઈ સહમતિ સધાય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો