બાંગ્લાદેશની સીમામાં શા માટે ઘૂસ્યા ભારતીય સૈનિકો?

ઇમેજ સ્રોત, BSF
બાંગ્લાદેશના સીમાવિસ્તારમાં ગયેલા ભારતીય બોર્ડર સિક્યુરિટી ફૉર્સ(બીએસએફ)ના જવાનોની સોમવારે સવારે ધરપકડ કરવામાં આવી હતી અને થોડીવાર પછી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.
બીએસએફના ત્રણ જવાનો બાંગ્લાદેશની સીમાની એક કિલોમીટર અંદર આવેલા રાજશાહી ક્ષેત્રમાં ઘૂસી ગયા હતા.
બીએસએફના ત્રણ જવાનોમાં એક એએસઆઈ અને બે સિપાહીનો સમાવેશ થાય છે.
બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ(બીજીબી)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય સૈનિકો સોમવારે સવારે ભૂલથી બાંગ્લાદેશના સીમા વિસ્તારમાં ઘૂસી ગયા હતા.
પદ્માનદી ભારત અને બાંગ્લાદેશની સીમાનું વિભાજન કરે છે.
તમને આ પણ વાંચવું ગમશે?
બીજીબીના અધિકારીઓના જણાવ્યા અનુસાર કેટલાંક સ્થળોએ બન્ને દેશોની સીમા લગભગ અડોઅડ આવેલી છે.
આ ઘટના બાબતે રાજશાહીના શાલબગાન ક્ષેત્રના બટાલિયન કમાન્ડર લેફટેનેન્ટ કર્નલ શમીમ મસૂદ અલ ઈફ્તેખાર સાથે બીબીસી બાંગ્લાએ વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું હતું કે ''ચર ક્ષેત્રમાંથી ભારતીય સૈનિકોએ બાંગ્લાદેશમાં પ્રવેશ્યા હતા. એ વિસ્તારમાં સીમા પર ઘણા થાંભલા છે, જે પાણીમાં ડૂબી જતા હોય છે."
"એ થાંભલાઓ પર તાર લગાવવામાં આવ્યો નથી. સીમા વિસ્તારની આસપાસ રાતે તસ્કરોને પકડવાના પ્રયાસમાં ભારતીય સૈનિકોની ધરપકડની ભૂલ થઈ હતી.''
બીજીબીના ગાર્ડ્ઝે સીમા વિસ્તારમાંથી પકડેલા ભારતીય જવાનોને લગભગ છ કલાક પૂછપરછ કરી હતી.
બપોરે દોઢેક વાગ્યે એ જવાનોને બીએસએફના હવાલે કરવામાં આવ્યા હતા.
ભારતીય જવાનોએ બીજીબીના અધિકારીઓને જણાવ્યું હતું કે ગાઢ ધુમ્મસ હોવાને કારણે તેઓ બાંગ્લાદેશના સીમા વિસ્તારમાં પ્રવેશી ગયા હતા.

કઈ રીતે પકડાયા?

બીજીબીના સુબેદાર નાયક શફીક-ઉલ ઈસ્લામ સાથે આ બાબતે બીબીસી બાંગ્લાએ વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે ''ભારતીય સૈનિકો બાંગ્લાદેશની સીમામાં ઘૂસ્યા હોવાનું સ્થાનિક લોકોએ અમને ફોનકોલ મારફત જણાવ્યું હતું."
"એ પછી 16 ગાર્ડ્ઝની ટીમે ભારતીય સૈનિકોની ધરપકડ કરી હતી.''
સુબેદાર નાયક શફીક-ઉલ ઈસ્લામે ઉમેર્યું હતું કે ''હું પેટ્રોલ ટીમની પાસે ગયો ત્યારે જોયું હતું કે ભારતીય સૈનિકો બાંગ્લાદેશની તરફ ભાગી રહ્યા હતા."
"તેમને ઘેરીને રોકવામાં આવ્યા હતા અને આત્મસમર્પણ કરવા જણાવવામાં આવ્યું હતું."
"તેમણે આત્મસમર્પણ કર્યું પછી તેમનાં હથિયાર જપ્ત કરીને તેમને છાવણીમાં લાવવામાં આવ્યા હતા.''
સુબેદાર નાયકના જણાવ્યા અનુસાર ભારતીય સૈનિકો બાંગ્લાદેશની સીમાવિસ્તારમાં ક્યારે ઘૂસ્યા હતા એ તેમને ખબર નથી પણ સવારે સાડા સાતેક વાગ્યે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

એક કિલોમીટર અંદર કઈ રીતે ઘૂસ્યા?
બીજીબીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, હથિયારથી સજ્જ ભારતીય સૈનિકો ધુમ્મસને કારણે રસ્તો ભૂલી ગયા હતા અને બાંગ્લાદેશની સીમાવિસ્તારમાં ઘૂસી ગયા હતા.
ધુમ્મસને કારણે રસ્તો ભૂલીને બાંગ્લાદેશમાં આટલા અંદર કઈ રીતે ઘૂસી ગયા એવું ભારતીય સૈનિકોને પૂછવામાં આવ્યું હતું.
ભારતીય સૈનિકોએ એટલું જ જણાવ્યું હતું કે તેઓ ખોટા રસ્તા પર આગળ વધ્યા હતા.
લેફટેનેન્ટ કર્નલ શમીમ મસૂદે જણાવ્યું હતું કે બન્ને દેશોની ફ્લેગ મીટિંગ બાદ બીએસએફે આ ભૂલ બાબતે ખેદ વ્યક્ત કર્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













