પાક.નું વર્તન: કુલભૂષણ સાથેની મુલાકાત વખતે તેમનાં પત્નીને મંગળસૂત્ર કઢાવ્યું

ઈસ્લામાબાદમાં કુલભૂષણ જાધવના મમ્મી અવંતિ અને પત્ની ચેતનકુલ

ઇમેજ સ્રોત, @FOREIGNOFFICEPAK

ઇમેજ કૅપ્શન, ઈસ્લામાબાદમાં કુલભૂષણ જાધવના માતા અવંતિ અને પત્ની ચેતનકુલ

પાકિસ્તાનની જેલમાં સબડી રહેલા ભારતીય નાગરિક કુલભૂષણ જાધવની તેમના પરિવારજનો સાથેની મુલાકાત દરમ્યાન પાકિસ્તાને આઘાતજનક વર્તન કર્યું હોવાનું બહાર આવ્યું છે.

પાકિસ્તાનની પરવાનગી મળ્યા બાદ કુલભૂષણ જાધવના મમ્મી અને પત્ની સોમવારે ઈસ્લામાબાદ ગયાં હતાં.

47 વર્ષના કુલભૂષણ જાધવ સાથે તેમનાં પત્ની ચેતનકુલ અને મમ્મી અવંતિની મુલાકાત 45 મિનિટ ચાલી હતી.

જોકે, એ મુલાકાત વખતે કુલભૂષણ અને તેમના મમ્મી તથા પત્ની વચ્ચે કાચની એક દિવાલ હતી.

તમને આ પણ વાંચવું ગમશે

line

વિદેશ મંત્રાલયનું નિવેદન

કુલભૂષણ જાધવની તેમના મમ્મી અને પત્ની સાથેની મુલાકાતની ભારતીય વિદેશ મંત્રાલયે બહાર પાડેલી તસવીર

ઇમેજ સ્રોત, TWITTER

ઇમેજ કૅપ્શન, કુલભૂષણ જાધવની તેમના મમ્મી અને પત્ની સાથેની મુલાકાતની ભારતીય વિદેશ મંત્રાલયે બહાર પાડેલી તસવીર

કુલભૂષણ જાધવની તેમના મમ્મી તથા પત્ની સાથેની મુલાકાતમાં શું બન્યું હતું તેની માહિતી આપતું એક નિવેદન ભારતીય વિદેશ મંત્રાલયે મંગળવારે બહાર પાડ્યું હતું.

એ નિવેદનમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પાકિસ્તાન અને ભારત વચ્ચે કુલભૂષણ જાધવની તેમના પરિવારજનો સાથેની મુલાકાત સંબંધી રાજદ્વારી સમજૂતિનું ઈસ્લામાબાદે ઉલ્લંઘન કર્યું હતું.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પરિવારજનોને કુલભૂષણ સાથે તેમની માતૃભાષા મરાઠીમાં વાત કરવા દેવામાં આવી ન હતી.

કુલભૂષણનાં મમ્મીને તેમની સાથે મરાઠીમાં વાત કરતાં વારંવાર અટકાવવામાં આવ્યાં હતાં.

એ ઉપરાંત કુલભૂષણનાં પત્નીના ગળામાંથી મંગળસુત્ર, હાથમાંથી બંગડીઓ તથા કપાળ પરથી બિંદી ઉતરાવી લેવામાં આવ્યાં હતાં.

સલામતીનું બહાનું આગળ ધરીને આ બધું કરાવવામાં આવ્યું હતું.

કુલભૂષણનાં પત્નીનાં બૂટ વારંવાર વિનતી કરવા છતાં મુલાકાત પછી પાછાં આપવામાં આવ્યાં ન હતાં.

line

'ઈસ્લામાબાદનું વર્તન ખેદજનક'

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમાર

ઇમેજ સ્રોત, TWITTER

ઇમેજ કૅપ્શન, ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર જે. પી. સિંઘને કુલભૂષણના પરિવારજનોથી અલગ પાડી દેવામાં આવ્યા હતા.

ભારતના ડેપ્યુટી હાઈ કમિશનરને જાણ કર્યા વિના પરિવારજનોને કુલભૂષણ સાથે મુલાકાત માટે લઈ જવામાં આવ્યા હતા.

ભારતના ડેપ્યુટી હાઈ કમિશનરે પાકિસ્તાનના સંબંધીત અધિકારીઓ સમક્ષ જોરદાર રજૂઆત કરી એ પછી તેમને મુલાકાત વખતે હાજર રહેવા દેવાયા હતા.

જોકે, તેમને એક અલગ પાર્ટિશન પાછળ રાખવામાં આવ્યા હતા.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ઈસ્લામાબાદના વર્તનને ખેદજનક ગણાવ્યું હતું અને કુલભૂષણના સ્વાસ્થ્ય બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.

line

પાકિસ્તાને શું ખોટું કર્યું?

• ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અવંતિ અને ચેતનકુલને કપડાં બદલવા માટે મજબૂર કરવામાં આવ્યાં હતાં.

• કુલભૂષણ જાધવ તેમના પરિવારજનો સાથેની મુલાકાત દરમ્યાન ભારે દબાણ હેઠળ હતા.

• પરિવારજનો સાથેની મુલાકાત દરમ્યાન કુલભૂષણે તેમના કથિત ગુનાની કબૂલાત કરી હતી. જોકે, તેમણે પાકિસ્તાનના દબાણ હેઠળ એ કબૂલાત કરી હતી.

• કુલભૂષણનાં મમ્મી અને પત્ની સાથે પાકિસ્તાની મીડિયાએ અયોગ્ય વર્તન કર્યું હતું.

line

પાકિસ્તાન શું કહે છે?

કુલભૂષણની તેમના પરિવારજનો સાથેની મુલાકાત બાદ સોમવારે પાકિસ્તાની વિદેશ મંત્રાલયે એક પત્રકાર પરિષદ યોજી હતી.

તેમાં પાકિસ્તાને જણાવ્યું હતું કે ઈસ્લામી પરંપરા અનુસાર માનવતાના ધોરણે કુલભૂષણની તેમના પરિવારજનો સાથે મુલાકાત કરાવવામાં આવી હતી.

એ મુલાકાત બહુ હકારાત્મક અને મોકળાશભરી હોવાનું પાકિસ્તાની વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું.

line

સુષમા સ્વરાજ સાથે મુલાકાત

કુલભૂષણને સોમવારે ઈસ્લામાબાદમાં મળ્યા બાદ અવંતિ અને ચેતનકુલ મંગળવારે નવી દિલ્હીમાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજને મળ્યાં હતાં.

સુષમા સ્વરાજે એ બન્નેને તેમનાં ઘરે બોલાવ્યાં હતાં. એ વખતે અનેક સીનિઅર અધિકારીઓ ત્યાં હાજર હોવાનું કહેવાય છે.

પાકિસ્તાનમાં જાસૂસી અને આતંકવાદી પ્રવૃત્તિમાં સામેલ હોવાના આરોપસર કુલભૂષણને ફાંસીની સજા કરવામાં આવી છે.

એ સજાના અમલ સામે આંતરરાષ્ટ્રીય અદાલતે સ્ટે ઓર્ડર આપ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો