You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોણે કરી મ્યાનમારનાં હિંદુઓની હત્યા?
- લેેખક, નીતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા, મ્યાનમાર
બપોર થઈ ગઈ છે અને સિતવે એરપોર્ટ પર પોલીસ અર્ધા કલાકથી પૂછપરછ કરી રહી છે.
હું રખાઈન શા માટે જવા માગું છું? કેમેરા શા માટે લાવ્યો છું? મારા પાસપોર્ટમાં બાંગ્લાદેશનો વિઝા શા માટે લેવામાં આવ્યો હતો?
મારું ધ્યાન ઘડિયાળ પર છે, કારણ કે મને રખાઈનની રાજધાની સિતવેના બહારના ભાગમાંની હિંદુઓના રૅફ્યૂજી કેમ્પ પહોંચવાની ઉતાવળ છે.
ત્યાં સુધી પહોંચતાં સાડા ચાર વાગી જાય છે, ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે. એક જૂના મંદિરની પાસે કેટલાંક ટેન્ટ લગાવેલાં છે.
હિંદુઓ છે ભયભીત
મારી નજર એક મહિલા પર કેન્દ્રીત થાય છે. એ મહિલાની આંખોમાં ભીનાશ છે અને એ આશાભરી નજરે અમને નિહાળી રહી છે.
40 વર્ષની કુકૂ બાલાએ થોડા દિવસ પહેલાં જ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો એ દીકરો માત્ર 11 દિવસનો છે.
તેઓ હિંદુ છે અને રખાઈન પ્રાંતમાં એવા દસેક હજાર લોકો વસે છે. અમારી સાથે વાત કરતાં-કરતાં કુકૂ બાલા એકદમ રડી પડી હતી.
કુકૂ બાલાએ કહ્યું હતું, ''મારા પતિ અને આઠ વર્ષની દીકરી કામ માટે બીજા ગામ ગયાં હતાં. સાંજે મારી બહેનને ચરમપંથીઓએ ફોન કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
''મારા પતિ અને દીકરીની કુરબાની આપવામાં આવી હોવાનું અને અમારી સાથે પણ તેવું થશે એવું તેને જણાવવામાં આવ્યું હતું.
''શું કરવું એ મને સમજાતું ન હતું. હું ઘરમાં છૂપાયેલી રહી હતી અને ત્રણ દિવસ સૈન્ય અમને અહીં લાવ્યું હતું.''
મ્યાનમાર સરકારે જણાવ્યું હતું કે મુસલમાન ઉગ્રવાદીઓએ 25 ઓગસ્ટે હુમલો કરીને અનેક હિંદુઓને મારી નાખ્યા હતા.
આવી દર્દનાક ઘટનાઓને આધાર બનાવીને દેશના સૈન્યએ રખાઈનમાં ચાલી રહેલી કાર્યવાહીને વાજબી ઠરાવવાનો પ્રયાસ કર્યો છે.
આ રાજ્યમાંથી છ લાખથી વધુ રોહિંગ્યા મુસલમાનોએ ભાગીને પાડોશી બાંગ્લાદેશમાં શરણ લઈ ચૂક્યા છે.
તેમણે મ્યાનમાર સરકાર પર હત્યાઓ અને બળાત્કારના આક્ષેપો કર્યા છે.
મુસ્લિમ ચરમપંથીઓએ ઓગસ્ટમાં 30 પોલીસ ચોકીઓ પર હુમલા કર્યા પછી હિંસાની શરૂઆત થઈ હતી.
તેના જવાબમાં મ્યાનમાર સરકારે કરેલી આકરી કાર્યવાહીને સંયુક્ત રાષ્ટ્રએ 'વંશીય જનસંહાર' ગણાવ્યો હતો.
સલામત સ્થળની તપાસ
મહિનાઓથી ચાલી રહેલી હિંસામાં કુકૂ બાલા અને તેમના બાળકો હાંસિયામાં ધકેલાઈ ચૂક્યાં છે. કુકૂ બાલાએ કહ્યું હતું, ''મારા પતિ જીવતા હોત તો દીકરાનું નામ તેમણે જ પાડ્યું હોત.
હું શું કરું? ક્યાં જાઉં? મારા પતિ અને દીકરીની લાશ સુદ્ધાં મળી નથી. તેમને શોધવામાં તમે મને મદદ કરશો?''
સિતબેમાં અંદાજે 700 હિંદુ પરિવારોને એક સરકારી રૅફ્યૂજી કેમ્પમાં રાખવામાં આવ્યા છે. મુઆંડો અને રખાઈનમાં હિંસા ભડકવાને કારણે હિંદુઓ લગભગ દરેક દિશામાં ભાગ્યા હતા.
બાંગ્લાદેશના કુતુપાલોંગ વિસ્તારમાં અનિકા ધર સાથે મારી મુલાકાત સપ્ટેમ્બરમાં થઈ હતી.
અનિકા ધર મૂળ મ્યાનમારના ફકીરા બજારની રહેવાસી છે. પતિની હત્યા પછી અનિકા ભાગી છૂટી હતી.
અનિકાએ મને જણાવ્યું હતું કે કાળો નકાબ પહેરીને આવેલા લોકોએ તેના પતિની હત્યા કરી હતી. હુમલાખોરોની ઓળખ થઈ શકી ન હોવાની વાત તેમણે વારંવાર જણાવી હતી.
સિતબેમાં લાંબી શોધખોળ બાદ મને અનિકાના બનેવી મળ્યાં હતાં. તેમના પરિવારની હત્યા માટે તેમણે 'ચરમપંથીઓ'ને જવાબદાર ઠરાવ્યા હતા.
આશિષ કુમારે કહ્યું હતું, ''મારી દીકરીની તબીયત ખરાબ હતી એટલે હું તેને ફકીરા બજારમાં મારા સાસરાને ત્યાં મૂકીને મુઆંગ્ડો આવ્યો હતો.
અનિકાના પતિ અને સાસુ-સાસરાની સાથે હત્યારાઓ મારી દીકરીને પણ જંગલમાં લઈ ગયા હતા અને તેમની હત્યા કરી હતી.
તેમની હત્યા ક્યાં કરવામાં આવી હતી તેની ખબર બાંગ્લાદેશમાં અનિકા સાથે સંપર્ક થયો ત્યારે મને પડી હતી.''
આશિષની દીકરી આઠ વર્ષની હતી. મ્યાનમાર સરકાર જેને હિંદુઓની સામૂહિક કબર ગણાવી રહી છે તેના વીડિયો આશિષે મને દેખાડ્યા હતા.
ઓગસ્ટમાં આ લોકોની હત્યા કરવામાં આવી હતી. તેના એક મહિના બાદ એ લોકોના અંતિમ સંસ્કાર માટે સૈન્ય જે લોકોને લઈ ગયું હતું તેમાં આશિષ પણ સામેલ હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ત્યાંથી 28 લોકોના મૃતદેહ મળ્યા હતા.
આશિષ કુમારે કહ્યું હતું, ''આખા વિસ્તારમાં દુર્ગંધ ફેલાયેલી હતી અને અમે કલાકો સુધી ખોદકામ કર્યું હતું.
હાથમાંના કડાં અને ગળામાં પહેરેલા લાલ-કાળા રેશમી દોરાને કારણે અમે તેમને ઓળખી શક્યાં હતાં.''
મ્યાનમારનાં સ્ટેટ કાઉન્સેલર આંગ સાન સૂ ચીએ તાજેતરમાં રખાઈન પ્રાંતનો પ્રવાસ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
રોહિંગ્યા કટોકટીના મુદ્દે લાંબા સમય સુધી ચૂપ રહેવા બદલ તેમની આંતરરાષ્ટ્રીય સમુદાયે ઝાટકણી કાઢી હતી.
સામૂહિક કબર
સામૂહિક કબરમાંથી જેમના મૃતદેહ મળ્યા છે એ લોકોની હત્યા કોણે કરી હતી એ પૂરવાર કરવાનું મુશ્કેલ છે.
આ સમગ્ર પ્રકરણમાં સરકારની ભૂમિકા કેટલી યોગ્ય હતી કે કેમ, એ પૂરવાર કરવાનું અશક્ય છે.
અમે મહામુશ્કેલીએ રખાઈન પહોંચ્યા હતા. એ પછી ઉત્તરના હિસ્સામાં જવા દેવાની અમારી તમામ વિનંતીને સરકારે નકારી કાઢી હતી.
જોકે, એક વાત સ્પષ્ટ છે. રોહિંગ્યા મુસલમાનોની માફક પોતાના ઘર અને પરિવારજનોને ગૂમાવી ચૂકેલા આ પ્રાંતના હિંદુ નાગરિકો અચાનક વધેલી હિંસામાં પિસાતા રહ્યા છે.
સરકાર તરફથી મદદ મળતી હોવાને કારણે હિંદુઓને તેમની સાથે જોડાયેલા ગણવામાં આવી રહ્યા છે તેમાં શંકા નથી.
રોહિંગ્યા હિંદુઓ પણ અધિકારીઓને નજર સામે સરકારની મદદના વખાણ કરે છે.
મુઆંગ્ડોથી ભાગીને આવેલા નેહરુ ધરે કહ્યું હતું, ''મુસ્લિમો સાથે થાય છે એ અમારી સાથે પણ થઈ શકે છે. એટલે અમે ડરેલા છીએ.
''સરકારે અમને ઓળખપત્રો આપ્યાં છે, પણ નાગરિકત્વ આપતી નથી. અમને સરકારી નોકરી પણ નથી મળતી અને અમે દેશના બધા હિસ્સામાં પણ જઈ શકતા નથી.
''અમે કોઈ માગણી કરીશું તો અમને નિશાન બનાવવામાં આવશે એવો ડર છે.''
ડર દરેક જગ્યાએ જોવા મળી રહ્યો છે. રોહિંગ્યા મુસલમાનોના હિતની વાત કરતા નેતા ચ્યા વિન સંસદસભ્ય પણ હતા.
સામૂહિક કબરમાંથી જે લોકોની લાશો મળી છે તેમની હત્યા મુસ્લિમ ચરમપંથીઓએ કરી હોવાના મ્યાનમાર સરકારના દાવાની સચ્ચાઈ વિશે ચ્યા વિનને શંકા છે.
તેમણે કહ્યું હતું, ''રખાઈનમાં આરસા ગ્રૂપ સાથે સંકળાયેલા મુસ્લિમ ચરમપંથીઓ ગેરકાયદે કામ કરે છે.
''તેમણે લોકોની ક્રૂર રીતે હત્યા કરી હોય તો પણ હુમલા પછી કબર ખોદવાનો અને મડદાં પર માટી નાખવાનો સમય તેમને ક્યાંથી મળ્યો હશે? એ લોકો હંમેશા ભાગતા ફરતા હોય છે અને છૂપાયેલા રહે છે.''
સરકાર શું કહે છે?
રખાઈનમાં રહેતા હિંદુઓ સરકાર અને ચરમપંથીઓ બન્નેના ભયમાં જીવતા હોવાના દાવાને મ્યાનમાર સરકારે ફગાવી દીધો હતો.
એ હિંદુઓના બચાવવા ઉપરાંત તેમની સાચી ઓળખ થાય પછી તેમને નાગરિકત્વ આપવાની વાતો પણ સરકાર કરી રહી છે.
મ્યાનમારના કેન્દ્રીય સમાજ કલ્યાણ પ્રધાન વિન મ્યાત આએએ કહ્યું હતું, ''રખાઈનમાં હિંસાની ઘણા લોકોને અસર થઈ છે અને ચરમપંથીઓએ હિંદુઓની હત્યા પણ કરી હતી.
''કેટલાક લોકો બાંગ્લાદેશ શા માટે ભાગી ગયા એ હું નથી જાણતો. તેઓ કદાચ ડરીને ત્યાં ભાગી ગયા હશે, પણ હવે પાછા આવી ગયા છે.''
અનિકા ધર હવે મ્યાનમાર પાછાં ફર્યાં છે, પણ સરકારે તેમને અત્યાર સુધી મીડિયાથી દૂર રાખ્યાં છે.
અનિકાના બાળકનો જન્મ હવે હોસ્પિટલમાં થશે, પણ કુકૂ બાલા અને તેમનાં ત્રણ બાળકોની મુશ્કેલી ઓછી નથી.
અમારી મુલાકાતના થોડા દિવસ પછી તેમને તેમના ગામ ફરી મોકલી આપવામાં આવ્યાં હતાં. રખાઈનમાં પરિસ્થિતિ ચિંતાજનક છે.
જેમને પરત મોકલવામાં આવ્યાં છે તેમને ખબર નથી કે તેમના પર હવે પછી કોણ હુમલો કરશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો